બકસરનું યુદ્ધ
*રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*
*ઇસ્ટ ઇન્ડિયા કંપની શાસનકાળના યુધ્ધો :
બક્સરનું યુદ્ધ -૧૭૬૪*
*પ્રકરણ:- 77*
અરુણ વાઘેલા
http://arunoday-itihas.blogspot.com/?m=1
૧૭૫૭માં પ્લાસીના યુદ્ધ પછી, યુદ્ધ પૂર્વે થયેલી કુટિલ વ્યૂહરચના પ્રમાણે મીરજાફર બંગાળનો નવાબ બન્યો હતો. કિન્તુ જે ભેડીયાઓએ મીરજાફરને નવાબ બનાવ્યો હતો તેમણે નવા નવાબને રબ્બર સ્ટેમ્પ સમો બનાવી દીધો. હવે તો બંગાળનો સુબો મુઘલોના હાથમાંથી પણ સરી પડ્યો હોવાથી અંગ્રેજોને તેમનો પણ ડર ન હતો .
સિરાજ-ઉલ-દૌલાની સ્થિતિ કરવા માટે અંગ્રેજોએ મીરજાફરનું દામન થામ્યું હતું, ઠીક એવી જ રીતે મીરજાફર ચુ કે ચા કરે તો તેના જમાઈ મીરકાસીમના રૂપમાં નવો આજ્ઞાંકિત તૈયાર કર્યો હતો.
આ બધું બક્સરના યુદ્ધની પીઠિકા રચી હતી.બક્સરના યુદ્ધના પરિબળો જુઓ:
૧. ઓક્ટોબર ૧૭૬૦મા મીરજાફરને હરાવી, ૧૫ હજારના પેન્શન સાથે કલકતામાં નિવૃત કરી દીધો. અંગ્રેજોએ તેના જમાઈ મીરકાસીમને બંગાળનો નવાબ બનાવ્યો. પણ તે સ્વતંત્ર બુદ્ધિનો હોવાથી અંગ્રેજ તેણે પોતાની કઠપૂતળી બનાવી શકે તેમ ન હતા. નવાબ બનતાની સાથે મીરકાસીમે પોતાની શાસકીય યોગ્યતા દેખાડવાની શરૂઆત કરી દીધી હતી. તેણે સૈનિકોના પગારની સમયસર ચુકવણી - નવેસર સૈન્ય સંગઠન, રાજ્યમાં પ્રચલિત ગેરરીતિઓ -ભ્રષ્ટાચાર ડામવાના પ્રયાસો, વહીવટી ખર્ચમાં ઘટાડો, નવા કરવેરા દ્રારા આવક ઉભી કરવી અને રાજધાનીનું મુર્સીદાબાદથી સ્થળાંતર જેવા અનેક પગલાઓ લઇ પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. નવા નવાબની સ્વતંત્ર પ્રતિભા બ્રિટીશરો માટે જોખમી હતી અને તેમાં બક્સરના યુદ્ધનું પહેલું કારણ પડ્યું હતું.
૨.મીરજાફર સાથે ઘટેલી બધી જ ઘટનાઓનો મીરકાસીમ પ્રત્યક્ષ સાક્ષી હતો અને પોતાની સાથે પણ આવું અંગ્રેજો કરશે તેવો નવાબને અંદેશો હતો, પરિણામે પાણી પહેલા પાળ બાંધતા તેણે બધા જ વિરોધીઓ-શત્રુઓને સમજાવી -ફોસલાવી શરૂમાં પડખે લીધા અને પછી એક પછી એક તમામને મોતના ઘાટ ઉતારી દીધા. તેમાના કેટલાક તો નવાબના વહીવટની જાસુસી કરવા અંગ્રેજોએ મુકેલા માણસો હતા. નવાબીમાં બ્રિટીશ પીઠુંઓની હત્યાઓએ કલાઇવ સહીતના અંગ્રેજોને અકળાવ્યા હતા. અંગ્રેજો તેનો બદલો લેવાની ફિરાકમાં હતા અને તે માટે બક્સરનું યુદ્ધ નિમિત્ત બન્યું હતું.
૩. પ્લાસીના યુદ્ધ પછી બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં અંગ્રેજો કોઈ પણ પ્રકારના કરવેરા ભર્યા વગર વ્યાપાર કરતા હતા અંગ્રેજ ગુમાસ્તાઓ આ "દસ્તક " (વગર કરવેરા ભર્યે વેપાર કરવાનો હક્ક)નો સરેઆમ દુરુપયોગ કરતા હતા. આવા દસ્તક ભારતીય વેપારીઓને પણ વેચી તેઓ ભયંકર ગેરરીતિઓ પણ આચરતા હતા. જેનાથી બંગાળી નવાબી અર્થતંત્રને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. તેનો ઉકેલ લાવતા મીરકાસીમે વ્યાપાર પર એવો તો સકંજો કસ્યો કે નવી વેપારનીતિથી ભારતીય વેપારીઓ ભરપુર ફાયદો થયો અને અંગ્રેજો નુકસાની. પરિણામ ૧૭૬૪નું બક્સરનું યુદ્ધ. આવા તો નાના-મોટા અનેક કારણો જોડતા ગયા અને મીરકસીમ અને અંગ્રેજો વચ્ચે બક્સરનું યુદ્ધ શરુ થયું હતું.
મીરકાસીમની વ્યાપારી નીતિઓના વિરોધમાં અંગ્રેજોએ તેની સામે કાવતરાઓ શરુ કરી દીધા, અગાઉની પેંતરાબાજી જાળવી રાખતા બક્સર પૂર્વે મીરકાસીમને નવાબપદેથી ઉથલાવી મીરજાફરને નવાબ તરીકે પુન: સ્થાપવાનું વિચાર્યું. પણ તેનો ખ્યાલ મીરકાસીમને આવી જતા તેણે "પહેલો ઘા રાણાનો" ના ન્યાયે લડાઈ શરુ કરી દીધી પરંતુ તેમાં નવાબ મીરકાસીમે પીછેહઠ કરવી પડી .બીજા ત્રણ સ્થળોએ પણ તે પરાસ્ત થયો અને તેણે પહેલા મુંગેર અને પછી પટનામાં શરણ શોધ્યું. અંગ્રેજોએ મુન્ગેરના કિલ્લેદારને ફોડી નાંખી કિલ્લો જીતી લીધું પટના પહોચેલા નવાબે ત્યાના બ્રિટીશ અધિકારી એલીસ સહીત રાજા રામનારાયણ, જગત શેઠ વગેરેને મારી નાંખ્યા.
આ હત્યાકાંડ પટના હત્યાકાંડ તરીકે ઓળખાય છે. પરંતુ છતાં અંગ્રેજોએ પટના કબજે કર્યું અને નવાબ પોતાના નાના સૈન્ય, થોડા ધન અને તોપદલ સાથે અવધ તરફ ભાગ્યો અને ત્યાના સુબા શુજાઉં દૌલાની સહાય માંગી તેણે મીરકાસીમનો કસ કાઢી લેતી શરતો મૂકી પણ અંગ્રેજો સામે લડવા માટે તેણે આ બધું સ્વીકાર્યા વગર છૂટકો ન હતો, અવધ નવાબ સાથે અંગ્રેજો વિરુદ્ધના સંઘર્ષમાં મુઘલ બાદશાહ શાહઆલમ પણ કુદી પડ્યો. ત્રણેયના સંયુક્ત લશ્કરોએ અંગ્રેજો સામે મોરચો ખોલવા બિહાર તરફ પ્રયાણ કર્યું જ્યાં અંગ્રેજ મેજર હેક્ટર મનરો સાથે તેમનો મુકાબલો થયો.
અંગ્રેજોની માત્ર ૭૦૭૨ સૈનિકોની સેના સામે નવાબના સંયુક્ત સૈન્યની સૈનિક સંખ્યા ૪૦થી ૫૦ હજાર જેટલી હતી. ૨૩ ઓક્ટોબર ૧૭૬૪નાં રોજ બક્સરનું પ્રસિદ્ધ યુદ્ધ થયું. માત્ર ત્રણ કલાકના સમયમાં તો નવાબ અને મુઘલ બાદશાહ હારી ગયા. ૩ મેં ૧૭૬૫ની કડા મુકામે થયેલી લડાઈમાં તો અવધનો નવાબ અને મુઘલ બાદશાહ અંગ્રેજોના ચરણોમાં આવી ગયા. આટલી લશ્કરી સહાય પછી પણ બંગાળ બચાવવામાં સફળતા ન મળતા મીરકાસીમ હવે નવાબીની આશા મેલી દિલ્હી ભણી ભાગી ગયો, જ્યાં અત્યંત કંગાલિયત અને વિક્ષિપ્ત અવસ્થામાં ૧૭૭૭માં તેનું અવસાન થયું હતું.
આમ બક્સરનું યુદ્ધ પૂરું થયું પણ સાથે તેણે ભારતીય શાસકો, અરે! મુઘલ બાદશાહ સુધીના શાસકોની શાખનું પણ ધોવાણ પણ કર્યું હતું. યુદ્ધમાં વિજયથી પ્રેરિત થઇ રોબર્ટ લાઇવ ફરી બંગાળનો ગવર્નર બન્યો. તેણે કંપની વતી ૧૬ ઓગસ્ટ ૧૭૬૫ના રોજ મુઘલ બાદશાહ શાહઆલમ અને અવધના નવાબ સાથે અલ્હાબાદની સંધિ કરી. ભારતનું ગુલામી ખત લખનારી આ સંધિ પછી જ દેશમાં અંગ્રેજી સામ્રાજ્યનો મજબુત પાયો નંખાયો હતો. સાપેક્ષ રીતે જોઈએ તો પ્લાસીના યુદ્ધે અંગ્રેજોને બંગાળની ધરાતલ પર પગ રાખવાની તક પૂરી પાડી હતી તો બક્સર પછી તો આખું બંગાળ અંગ્રેજોનું થઇ ગયું હતું .એ રીતે માત્ર ૩ જ કલાક ચાલ્યું હોવા છતાં અંગ્રેજો માટે પ્લાસી કરતા બક્સર વધુ ફળદાયી નીવડ્યું હતું .
*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in (28)
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post
Comments
Post a Comment