આઈ.પી.દેસાઈ
આઈ .પી . : ઈશ્વરલાલ પ્રાગજીભાઈ દેસાઈ
( ૧૯૧૧ - ૧૯૮૫ )
આજે ઇતિહાસકાર દામોદર ધર્માનંદ કૌસમ્બી ,સાહિત્યકાર પ્રેમચંદ મુન્શી,સ્થાપત્ય વિદ્યાના નિષ્ણાત મધુસુદન ઢાંકી ,કેળવણીકાર દાઉદભાઈ ઘાંચી અને સમાજશાસ્ત્રી ઈશ્વરલાલ પ્રાગજીભાઈ દેસાઈ ઉર્ફે આઈ.પી .દેસાઈનો જન્મદિવસ અને સાહિત્યકાર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ,મહમંદ રફી અને તત્વજ્ઞ દીદેરોની
પુણ્યતિથિ છે .
નવસારીના પરજુન ગામે જન્મેલા આઈ .પી .દેસાઈએ સુરત અને મુંબઈમાં શિક્ષણ લીધું હતું .મુંબઈમાં ખ્યાતનામ સમાજશાસ્ત્રી જી.એસ.ઘુર્યેના નિર્દેશનમાં "ગુન્હાઓના સામાજિક પરિબળો "શીર્ષકથી
મહાનિબંધ લખી પોતાની સમાજશાસ્ત્રી તરીકેની કારકિર્દી શરુ કરી હતી . આઈ.પી ભાવનગરની પ્રખ્યાત શામળદાસ કોલેજ અને વડોદરાની એમ.એસ.યુનિ . પુનાની ડેક્કન કોલેજમાં અધ્યાપક રહ્યા હતા .તેઓનું સૌથી મોટું યોગદાન તે સુરતમાં સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના અને
તેનો વિકાસ .
આઈ.પી .દેસાઈએ વેડછી આંદોલન ,ગ્રામીણ ગુજરાતમાં અસ્પુશ્યતા ,પછાતપણાનો માપદંડ , ગુજરાતમાં આદિવાસી સ્વાયત્ત રાજ્યનું સૂત્ર ,દિ ક્રાફ્ટસ ઓફ સોસિયોલોજી એન્ડ અધર એસેઝ ,સમ આસ્પેકટસ ઓફ ફેમિલી ઇન મહુવા જેવા ગુણવત્તાસભર પુસ્તકો અને અનેક સંશોધન અહેવાલો લખી ગુજરાત અને ભારતમાં સમાજશાસ્ત્રીય સંશોધનોને નવી દિશા જ નહિ સમાજ્શાસ્ત્રીઓની પેઢીઓ તૈયાર કરી છે .
સમાજશાસ્ત્રનું મુખ્ય કામ દુનિયામાં માનવતા વિકસાવવાનું છે ,ભારતીય સંવિધાનમાં જે શોષણવિહીન ન્યાયી સમાજરચનાની ઉમેદ છે તેવા ભાવિ ભારતીય સમાજનું નિર્માણ કરવા આપણે મથવું જોઈએ અને સમાજશાસ્ત્રની ભારતીય પદ્ધતિ વિકસાવવી જોઈએ ,જેવી સમાજશાસ્ત્ર ઇન એક્શનની વિચારધારામાં માનતા આઈ.પી.વિદ્યાર્થીઓની આંખમાં સપના વાવતા હતા .સાદાઈના પર્યાય સમા
,જ્ઞાનના ભાર વિના જીવનારા ,આજીવન કુંવારા , અને સશોધનરત તથા ગુજરાતી ભાષામાં મૌલિક સમાજ ચિંતન વિકસાવવાના હિમાયતી આઈ.પી .દેસાઈનું ૨૬
જાન્યુ.૧૯૮૫ના રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૩૧ જુલાઈ ૨૦૧૯,અમદાવાદ
Comments
Post a Comment