પહેલું પુસ્તક વેચવાના મારા પ્રયાસો
અરુણ વાઘેલા ૪. પહેલું પુસ્તક વે(વહેં)ચવાના મારાં પ્રયાસો પહેલો પ્રેમ , પહેલાં લગ્ન , પહેલું બાળક અને પહેલી નોકરીની જેમ જ પહેલાં પુસ્તકની સર્જન – લેખન પ્રક્રિયા , પ્રકાશન વેળાનો ધખારો કે ઉન્માદ ,પહેલાં પુસ્તકનું પ્રકાશિત થઇ આપણા હાથમાં આવવું વગેરેનો રોમાંચ પણ સાવ નોખો જ હોય છે . મને મારાં ઇતિહાસના પુસ્તકના પ્રકાશન માટે ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાય મળેલી . મારું પુસ્તક પ્રકાશિત થતાં વેંત આખું ગુજરાત તેને વધાવી લેશે ,તેની પ્રતો ચપોચપ વેચાઈ જશે અને મારું નવું પુસ્તક કયારે બહાર પડશે તેની ગુજરાત આખું કાગડોળે રાહ જોશે , તેની ચૌરે અને ચૌટે ચર્ચા થશે , દેશની અને વિદેશી ભાષાઓમાં તેનાં અનુવાદો થશે અને મારી સામે વિદ્યાકીય સન્માનોની હારમાળા સર્જાશે ! એવી કલ્પનાઓની હારમાળા હું પારકી આશ સદા નિરાશની જેમ સ્વયંભુ સર્જી દેતો . પુસ્તક લખી નાંખ્યા પછી તેને છપાવવા માટે ટાઈપ કરવું પડે અને એટલે પ્રિન્ટીંગમાં આપવું પડે ! પ્રિન્ટરને આપ્યાં પછી હું ખુબ જ અધીરો બની ગયો હતો . પ્રિન્ટરને ત્યાં દિવસમાં બેવાર આંટા મારતો , મારા આંટાફેરાથી...