પહેલું પુસ્તક વેચવાના મારા પ્રયાસો

અરુણ વાઘેલા 
                  ૪. પહેલું પુસ્તક વે(વહેં)ચવાના મારાં પ્રયાસો 
પહેલો પ્રેમ , પહેલાં લગ્ન , પહેલું બાળક અને પહેલી નોકરીની જેમ જ પહેલાં પુસ્તકની સર્જન – લેખન પ્રક્રિયા , પ્રકાશન વેળાનો ધખારો કે ઉન્માદ ,પહેલાં પુસ્તકનું પ્રકાશિત થઇ આપણા હાથમાં આવવું વગેરેનો રોમાંચ પણ સાવ નોખો જ હોય છે . મને મારાં ઇતિહાસના પુસ્તકના પ્રકાશન માટે ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાય મળેલી . મારું પુસ્તક પ્રકાશિત થતાં વેંત આખું ગુજરાત તેને વધાવી લેશે ,તેની પ્રતો ચપોચપ વેચાઈ જશે અને મારું નવું પુસ્તક કયારે બહાર પડશે તેની ગુજરાત આખું કાગડોળે રાહ જોશે , તેની ચૌરે અને ચૌટે ચર્ચા થશે , દેશની અને વિદેશી ભાષાઓમાં તેનાં અનુવાદો થશે અને મારી સામે વિદ્યાકીય સન્માનોની હારમાળા સર્જાશે ! એવી કલ્પનાઓની હારમાળા હું પારકી આશ સદા નિરાશની જેમ સ્વયંભુ સર્જી દેતો .
પુસ્તક લખી નાંખ્યા પછી તેને છપાવવા માટે ટાઈપ કરવું પડે અને એટલે પ્રિન્ટીંગમાં આપવું પડે ! પ્રિન્ટરને આપ્યાં પછી હું ખુબ જ અધીરો બની ગયો હતો . પ્રિન્ટરને ત્યાં દિવસમાં બેવાર આંટા મારતો , મારા આંટાફેરાથી કંટાળી જવાબમાં તે કહેતો હજુ બે પાનાં ટાઈપ થયાં છે કહેતા હો તો બે પાનાંની ચોપડી કરી દઉં ? બે પાનની ચોપડી નહિ પણ ચોપાનિયું લાગશે એમ લાગતાં ધીરજ ધરવાનું નક્કી કર્યું . ટાઈપ , એકાધિક પૃફો , ટાઈટલ પેજ અને આખરે મારી પહેલી ચોપડી મારાં કરકમલમાં આવી .પરિવારની પરાણે-કમને હાજરી વચ્ચે મારાં જ વરદહસ્તે જ પુસ્તકનું વિમોચન કરી વિદ્યાજગતને ચરણે ધરી દીધુ . 
પછી શરૂ થયાં પહેલાં પુસ્તકને વેચવાના અને પછી વહેચવાના મારાં પ્રયત્નો ! શરૂમાં તો પુસ્તકનો ખરીદનાર મળે તે માટે હું સમય અને સંજોગો ઉભા કરી મારાં ઈતિહાસ વિષયક પુસ્તક વિષે લાંબુ ભાષણ કરતો .તેમાં કેટલાં પ્રકરણ છે , કેન્દ્રીય વિષયવસ્તુ , સંદર્ભગ્રંથો અને આવું પુસ્તક અત્યાર સુધી તો લખાયું નથી પણ ભવિષ્યમાં લખાશે પણ નહિ એવી અતિશયોક્તિપૂર્ણ વાતો હું ઊંચા આત્મવિશ્વાસ સાથે કરતો .તેનું મારા પક્ષે વિધાતક પરિણામ એ આવ્યું કે તેનાથી પ્રભાવિત થવાવાળા લોકો કરતાં મારાથી અંતર રાખવાવાળા લોકો વધવા લાગ્યાં . પછીના તબક્કે રાજકારણીઓ ચૂંટણી વખતે તેમની નીતિરીતિઓ બદલતા રહે છે તેમ મેં યુવાઓને સ્થાનિક ઇતિહાસથી અભિમુખ બનાવવાની રણનીતિ ઘડી . મારાં માટે યુવાનો એટલે કે મારાં વિદ્યાર્થીઓ . પણ મારી ‘ યુવા ઈતિહાસાભિમુખ નીતિ ‘ ની વિપરીત અસર પડી . ભારતીય શેરબજાર કકડભૂસ કરતું તૂટી પડે તેમ મારાં કલાસરૂમમાં વિધાર્થીઓની સંખ્યામાં અસાધારણ ઘટાડો થયો .વિશેષમાં મને જોઈ રસ્તો બદલી નાંખનારાઓ વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘણી વધી પડી .   
 સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી છાપેલી પાંચસો પ્રત વેચવા માટે હું મરણીયો થયો હતો . શરૂમાં દસ ટકા પછી વીસ થી લઇ પચાસ ટકા સુધી કમિશનો ઓફર કર્યા . વિતરકો પણ પડતાને પાટું મારતાં હોય તેમ મને કહેતા કે તમારાં માલ(પુસ્તકો)નો કોથળો કે બારદાન જે હોય તે અહી મુકીને જાવ , વરસે દહાડે તપાસ કરજો , વેચાઈ હશે તો હિસાબ કરીશું , નહિ તો હરિ હરિ ! પછી તો મારાં ઘરવાળાને પણ મારું પુસ્તક ખટકવા લાગ્યું . મારી ગેરહાજરીમાં પસ્તીવાળાને બોલાવી ઘટિત કરવાના અસ્તુત્ય પ્રયાસો પણ થયાં પણ અણીના સમયે હું આવી ચડતા તેમનાં પ્રયાસો અસફળતાને વર્યા . 
વિચારશીલ સર્જક અખતરા કરતાં અટકતો નથી , થાકતો નથી . પુસ્તક વેચાતું નથી તો કંઈ વાંધો નહિ વહેચી તો શકાય ને ? એટલે મેં પણ ભારતીય જ્ઞાનપરંપરામાં અર્થોપાર્જનને અવકાશ નથી તો મારે વિધાકીય પ્રવુતિમાં આર્થિક હેતુ શીદ રાખવો ? એમ વાર્યો ન વળે તે હાર્યો વળે એ કહેવત અનુસાર મન બીજી તરફ વાળ્યું . સપ્રેમ ભેટનો સિલસિલો શરૂ કર્યો .સપ્રેમ ભેટ પૂર્વે પણ હું ભેટમાં આપું છું તેવું પ્રસ્થાપિત કરવાં ‘ લેખક તરફથી સપ્રેમ ભેટ ’ નો સિક્કો બનાવડાવી  ધડોધડ સાડા ચારસો પ્રત પર દાનેશ્વરી અરુણ વાઘેલાના નામના સિક્કા મારી દીધા .એ વખતે મેં પણ રાજા-મહારાજાઓએ પોતાના નામના સિકકા પડાવ્યા જેટલો જ આનંદ અનુભવ્યો હતો . પછી ઓળખીતા તમામને પકડી-પકડીને ચોપડી મફતમાં પકડાવી . કેટલાક તો કહેતા પણ ખરા કે વાદળી પૂંઠાવાળી તમારી આ ચોપડી મને ત્રીજી વાર આપી .હવે તો હદ થાય છે !
પછીના ક્રમે ચાલતી નવરાત્રીમાં પુણ્ય કમાવવાનો અવસર શોધી કાઢ્યો .સોસાયટીમાં ચાલતાં નવરાત્ર મહોત્સવમાં દરેક સભ્ય પોતપોતાની રીતે નવરાત્રિમાં લ્હાણી આપતાં હતાં ,મારો વારો આવવાનો હતો . મે ચા ગાળવાની ગરણી ,પેન કે અન્ય સસ્તી વસ્તુ લ્હાણીમાં આપવાના બદલે પુરા એકસો દસ રૂપિયાનું મારું પુસ્તક આપવાનું નક્કી કર્યું . આગલા દિવસે માઈક પરથી જાહેરાત પણ કરાવી કે આવતીકાલે પ્રોફેસર અરુણ વાઘેલા તરફથી લ્હાણી આપવામાં આવશે . પ્રોફેસર છે એટલે પગાર સારો હશે એટલે લ્હાણી પણ સારી હશે એવાં તાર્કિક અભિગમ સાથે તે દિવસે ખલૈયાઓ અને જોનારાઓની સંખ્યા પણ ઘણી વધી ગઈ . હું આવા સ્વર્ણિમ અવસરની રાહ જ જોતો હતો . મે અત્યંત ઉદારતાથી ખેલૈયાઓથી લઇ ગાવા-વગાડવાવાળા સહુને મારું પુસ્તક સપ્રેમ ભેટ આપ્યું .’ સંચાલક પાસે..... ‘હવે પ્રોફેસર અને ડોકટર અરુણભાઈ વાઘેલા મુખ્ય ગાયકને પુસ્તક પ્રદાન કરશે’ , ‘સોસાયટીના ચેરમેન ,પ્રોફેસર અરુણ વાઘેલાનાં હસ્તે તેમનું પુસ્તક સ્વીકારશે .’ જેવી જાહેરાતો પુસ્તક ભેટ આપતાં પૂર્વે કરાવી ! એમણે પ્રેમથી સ્વીકાર્યું કે શરમના માર્યા એ આજેપણ મારા માટે સંશોધનનો વિષય છે. ઉપસ્થિત સહુના હાથમાં મારું પુસ્તક પહોચી ગયું છે તેની ખાતરી કર્યા બાદ અંતરાલના સમયે પુસ્તકની મુખ્ય વિષયવસ્તુ અને ઈતિહાસ ભવિષ્ય નિર્માણ માટે કેટલો ઉપયોગી છે તેને લગતું ટૂંકું ભાષણ પણ કર્યું .પુસ્તકમાંથી કેટલાક ફકરાઓ વાંચ્યા. તે વખતે શ્રોતાઓ પણ સમસંવેદન અનુભવી શકે તે માટે તેમને પુસ્તક ખોલી પાના નંબર અને ફકરા નંબર કહ્યાં . મેં પુસ્તકો સપ્રેમ ભેટ આપતાં તો આપી દીધા , અડધી રાતે ભાષણ પણ ઝણકાવ્યું .પણ તેની વિધાતક અસર એ થઇ કે સોસાયટીમાં બીજા દિવસે આઠમ હોવાં છતાં નવરાત્રીના ગરબા બંધ રહેલાં અને તેના કારણ તરીકે મારી પુસ્તકરૂપે આપવામાં આવેલી લ્હાણીને વગોવવામાં આવી હતી.એ રીતે હું ઈતિહાસ પણ બનેલો . 
આજે પ્રત્યેક પુસ્તકના પ્રકાશન પૂર્વે અગાઉના પુસ્તકના વેચવા અને વહેચવાના અનુભવો મગજમાંથી ખસવાનું નામ નથી લેતાં . નવું પુસ્તક જાતે છપાવવું કે નહિ તેની મુંઝવણ રહે છે . પણ લખવાનો અને પુસ્તકો છપાવવાનો ધખારો ઓછો થતો નથી. આને લખ-વા કે છાપ-વાની બીમારી તો ન કહેવાય ને ?

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ