કવિતા વિકાસ પરિષદની સભા

૧૩.  કવિતા વિકાસ પરિષદની સભા (હાસ્ય નાટિકા)
{પાત્રો : દિલેર દાદરા નગર હવેલીવાલા (કવિતા વિકાસ પરિષદના પ્રમુખશ્રી),કવિ ખુશમિજાજ (મહામંત્રી,કવિતા વિકાસ પરિષદ),કવિતાકારો:આતુર અમદાબાદી , ફાયર હૈદ્રાબાદી ,જુનૈદ ઝુનઝુનવાલા ,ઉસ્તાદઅલીખાં અને યુવા કવિયત્રી શૃંગારરત્ના તથા બીજા ૧૨૦ કવિઓ(જેમાં કવિતા વિકાસ પરિષદના ૫૬ ઉપપ્રમુખો , ઝોન મુજબ ચાર-ચાર સહમંત્રીઓ , એક ખજાનચી અને ૬૦ કારોબારી સભ્યોનો સમાવેશ થાય છે .) પોતપોતાનાં થેલામાં ઠાંસી ઠાંસીને ભરેલી કવિતાઓથી સુસજ્જ છે .}
સ્થળ : મહાનગર , માનવવસતિથી સેંકડો માઈલ દુર નિર્જન વગડો 
(સુત્રોચ્ચાર સાથે ટોળાનું આગમન થાય છે .)
‘ બંધ , કરો ,બંધ કરો ,........ ગુજરાતી કવિતાની મજાક બંધ કરો ’
‘ સાહિત્ય સમાજનું દર્પણ છે ....., દર્પણ છે ....દર્પણ છે ’
‘ સમાજમાં કવિતાને સન્માનજનક સ્થાન કોણ અપાવશે ?, અમે અપાવીશું , અમે અપાવીશું  ’
( શોરબકોર ધીમો થતાં)
યુવા કવિ ખુશમિજાજ : આ આપણા પ્રમુખ દાદરા નગર હવેલીવાળા કેમ હજુ દેખાતા નથી ?
કવિ આતુર અમદાબાદી : અનિયમિત આવવા માટે તેઓ ઘણાં નિયમિત છે .
ખુશમિજાજ : એક કવિ થઇ કવિતા વિકાસ પરિષદના પ્રમુખ વિષે આવું અશોભનીય ન બોલાય !
             ( લો આવી ગયાં આપણા પ્રમુખ દિલેર દાદરા નગર હવેલીવાળા સાહેબ ! )
(સર્વત્ર ક્ષણિક સ્તબ્ધતા)
(પગરવ નજીક આવતાં પુન : સુત્રોચ્ચાર – કવિ ખુશમિજાજની આગેવાનીમાં)
‘ ગુજરાતી કવિતા લાંબુ જીવો .... લાંબુ જીવો  ’
‘ ગુજરાતી કવિતા દીર્ઘાયુ નીવડો ....દીર્ઘાયુ નીવડો (માત્ર મારી કવિતા-કવિ અમદાવાદીનો જુદો આલાપ)’
‘ દાદરા નગર હવેલીવાલા ....ઝીન્દાબાદ .... ઝીન્દાબાદ ’
ફાયર હેદ્રાબાદી : મિત્રો , આ નિર્જન જગ્યામાં સુત્રોચ્ચાર કરવાવાળા અને સાંભળવાવાળા આપણે કવિતા વિકાસ પરિષદના સભ્યો જ છીએ .અહી થઈ રહેલાં સુત્રોચ્ચારથી આપણા સિવાય કોઈને ફેર પડે તેમ નથી .તેથી આપણે સુત્રોચ્ચાર બંધ કરી હેતુપૂર્તિની દિશામાં અગ્રેસર થવું જોઈએ !
દાદરા નગર હવેલીવાલા : હાં ! હાં ! કેમ નહિ?આપણે સભાની કાર્યવાહી મારાં પ્રમુખસ્થાને શરૂ કરી દેવી જોઈએ ! કેમ ખુશમિજાજ ? 
ખુશમિજાજ : (જાણે પ્રમુખના હુકમની રાહ જ જોઈ રહ્યાં હોય એટલી ઉત્કંઠાથી )કાવ્ય સર્જક મિત્રો ...., કવિતા વિકાસ પરિષદના પ્રમુખ , આપણી ભાષાના વિશ્વપ્રસિદ્ધ કવિ , જગવિખ્યાત નવલકથાકાર , યુગપ્રવર્તક વાર્તાકાર , ગુજરાતી સાહિત્યની કિમતી જણસ સમાન વ્યવસ્થાપક ,તેમની પાસે ઉભા હોઈએ તો હિમાલયની નિશ્રામાં હોઈએ એવી મને કાયમ અનુભૂતિ થઇ છે અને જેમનો પરિચય આપતાં શબ્દકોશના વિશેષણો ખૂટી પડે એવાં પરમ આદરણીય , પ્રાંત : સ્મરણીય અને સાંધ્ય વંદનીય , આપણા સહુના માર્ગદર્શક ..., મુરબ્બી દિલેર દાદરા નગર હવેલીવાળા સાહેબ પધારી ચુક્યા છે . કવિતા વિકાસ પરિષદની સભામાં તેઓશ્રીને આવકારતા હું અનહદ આનંદ અને સર્વૌચ્ચ ગૌરવની લાગણી અનુભવું છું .સાંપ્રત સમયમાં ગુજરાતી કવિતાની જનમાનસમાં ઘટતી જતી લોકપ્રિયતા અને સમાજથી વ્યથિત કવિઓની મનોદશાને વાચા આપવા તથા સભાનું સંચાલન કરવા હું તેઓશ્રીને સાદર વિનંતિ કરું છું .શ્રી દિલેર દાદરા નગર હવેલીવાળા સાહેબ આપના કોહીનુર હીરા જેવાં કિમતી વિચારોથી કવિતા વિકાસ પરિષદની સભાને દોરવણી આપો .
પ્રમુખ દાદરા નગર હવેલીવાળા : ગુજરાતી કવિતા વિકાસ પરિષદના હોદ્દેદારો અને માનવંતા સભ્યશ્રીઓ , આજે પ્રથમવાર કવિતા વિકાસ પરિષદની સભા મારા પ્રમુખસ્થાને યોજાઈ રહી છે , તેનો રાજીપો વ્યક્ત કરું છું , મારાં પ્રમુખસ્થાને કાંઈક યોજાઈ રહ્યું હોય એનાથી રૂડું શું હોઈ શકે ? આ ઘટના આપણા સહુ માટે આનંદ અને ગૌરવની ઘટના તો છે જ પણ ઐતિહાસિક પણ બની રહેવી જોઈએ .મિત્રો , હું જાણું અને સમજુ છું કે કવિઓ અને કવિતાઓ સામાન્ય લોકોમાં સતત મજાક અને રમૂજનું વિષયવસ્તુ બની રહ્યાં છે.આ તાકીદની(આમ તો કાયમી!)સમસ્યાના નિવારણ માટે હું આપ સહુના સૂચનો અને ઉપાયો આવકારતા આનંદ અનુભવું છું.
ફાયર હેદ્રાબાદી : “ સભા કવિઓની છે એટલે કાંઈક નિયમો-બિયમો તો હોવા જોઈએ નહિ, કવિ ખુશમિજાજના પ્રમુખ સાહેબ ? કારણ ,આપણાવાળા એકવાર બોલવા ચડશે તો .....
દાદરા નગર હવેલીવાળા : (વચ્ચેથી અટકાવતા)“ હાં ! હાં ! આ બાબત મારાં મસ્તિસ્કમાં રમતી જ હતી . આપણી સભાના નિયમોમાં .......
એક , દરેક કવિતાકારે અલ્પત્તમ સમયમાં ઉત્તમોત્તમ સૂચનો કરવા (આ નિયમ પ્રમુખને લાગુ પડશે નહિ)”
બે,પોતાના સૂચનના સમર્થનમાં કોઈ કવિએ પોતાની કાવ્યપંક્તિઓ ટાંકવી નહિ .(પ્રમુખની પંક્તિઓ કાવ્યસંગ્રહના નામ સાથે સાદર ટાંકી શકાશે !)
 ત્રણ ,દરેક જણ સમજદારીથી બોલે છે અને શ્રોતાઓ બહેરા નથી એ વાતનો ખ્યાલ રાખી કોઈએ પણ પોતાની વાતને કવિ સંમેલનમાં બોલાતી કવિતાની જેમ દોહરાવવી નહિ .
હવે હું કવિ ફાયર હેદ્રાબાદીને વિનંતિ કરું છું કે તેઓ પ્રસ્તુત મુદ્દા વિષે પોતાના વિચારો પ્રગટ કરે ! આમ પણ તેઓ વડીલ છે .
ફાયર હેદ્રાબાદી : “ પ્રમુખ સાહેબે ‘ વડીલ ’ શબ્દ મારા શારિરીક આયુષ્ય કરતાં સાહિત્યિક આયુષ્ય માટે વાપર્યો હશે એમ માનું છું ....., મૂળ વાત પર આવું તો ..., મિત્રો હવે નક્કી સમાજ કળીયુગમાં પ્રવેશી ચુક્યો છે ,શું થશે આ અસાહિત્યિક સમાજનું ?ઇતિહાસનો આધાર લઇ કવિઓ અને કવિતાઓની મજાક ઉડાવે છે ”
ખુશમિજાજ  : ના હોય ! હેદ્રાબાદી સાહેબ ?
હેદ્રાબાદી : હાં હમણાં મે એક ઇતિહાસકારને એવું કહેતા સાંભળ્યો હતો કે ...’ ગુપ્તકાળમાં ખૂનકેસના આરોપીને ફાંસીએ ચડવું છે કે ૫૦ કવિતા સાંભળવી છે ? એવો વિકલ્પ આપતાં આરોપીએ હસતા મુખે ફાંસીનો માંચડો ચૂમી લીધો હતો .’
પ્રમુખ : મડદા ઉખેડવાની વાતો ન કરો , સામ્પ્રતનું સોચો ! 
હેદ્રાબાદી : ના .., વાત એમ છે કે કેટલાક અસાહિત્યિક તત્વો આજની બેફામ ગુન્હેગારીને નેસ્તનાબૂદ કરવા,ધરમૂળથી ખોદી કાઢવા માટે પ્રસ્તુત પદ્ધતિ પરત લાવવા માંગે છે .હું તમને પૂછું છું ઝુનઝુનવાલા સાહેબ શું આપણે આટલા બધાં ક્રૂર છીએ ? 
ઝુનઝુનવાલા : હાં ! મે પણ એવું જ સાંભળ્યું છે કે લોકો એકબાજુ સિંહ ઉભો હોય ને બીજી બાજુ કવિ તો તાત્કાલિક મરવા માટે સિંહને પસંદ કરે છે.એટલુ જ નહિ કેટલાક બિનસાહિત્યિક તત્વો તો ત્રાસવાદીઓને શરણે લાવવા માટે કાશ્મીરમાં સોનેટ સર્જક કવિઓના ટોળાને મોકલવા માંગે છે .હવે તો પરિસ્થિતિ અસહ્ય બનતી જાય છે .
પ્રમુખ : આપણે અહી દંતકથાઓ સાંભળવા એકત્ર નથી થયાં , આપણે તો કવિતાને સમાજમાં લોકપ્રિય બનાવવા એકત્ર થયાં છીએ ,મહેરબાની કરીને એ વિષે વિચારો ! 
(કવિઓના ટોળામાં ધ્યાન જતાં)
“ અરે ! શૃંગારરત્ના તમે ક્યારે આવ્યાં ? અને ત્યાં તડકામાં કેમ ઊભા છો ? અહી ઝાડના છાંયામાં આવી જાવ, મારી બાજુમાં હજુ ઘણી જગ્યા છે . આમ પણ તમે કારોબારી સભ્ય અને કવિતા વિકાસ પરિષદના મહિલા મોરચાના પ્રમુખ છો ,એ નાતે પણ તમારે અહી બિરાજવું જ રહ્યું . ”
( પગરવ સાથે ઝાંઝરનું સ્થાનાંતર....... )
-‘ કેમ છો શૃંગારરત્નાબહેન ? ’   
-‘ કેમ છો કુમારી શૃંગારરત્ના ?’
-‘ કેમ છો શૃંગારરત્નાદેવી ?’ 
-‘ કેમ છો કવિયત્રી શૃંગારરત્ના ? , મજામાં છો ને ?’
(એકાધિક કવિઓ શૃંગારરત્નાને આવકારે છે , કવિ ખુશમિજાજ તો તેમને કામચલાઉ મંચ સુધી દોરી પણ લાવે છે . સાથે , ‘ મને કહ્યું હોત તો હું તમને તમારાં ઘરેથી અહી સુધી લેતો આવતો ને ? ’ જેવી ગુફ્તગુ પણ કરતાં રહે છે .)
પ્રમુખ “ બીજા મિત્રો પણ કંઈક સૂચન કરો ! આતુર અમદાબાદી તમે કેમ શાંત બેઠાં છો ? હવે તો શૃંગારરત્ના પણ આવી ગયાં છે ”
આતુર અમદાબાદી : ભાઈ હેદ્રાબાદી અને કવિ ઝુનઝુનવાલા સાહેબે જે સૂચનો કર્યા તે બદલ હું તેમના તરફ સહાનુભુતિની લાગણી વ્યક્ત કરું છું . આવા સંજોગોમાં મારું તો દ્રઢપણે માનવું છે કે આપણે કવિ સંમેલનોનો જોરશોરથી પ્રચાર કરીએ છીએ એ પ્રચાર કરવાનું જ બંધ કરી દેવો જોઈએ .....
હેદ્રાબાદી : (ગુસ્સામાં) “ પ્રચાર ન કરીએ તો શું કરીએ ? આટલા પ્રચાર પછીય શ્રોતાઓ ડોકાતા નથી , પ્રચાર ન કરીએ તો કવિ સંમેલનોમાં કાગડા ઉડશે કાગડા ! ”
અમદાબાદી : મારી પૂરી વાત તો સાંભળો , હું એમ કહેવા માંગું છું કે આપણે કવિ સંમેલન યોજાવાનું છે એમ જાહેરાત કરવાના બદલે આજે નગરખંડમાં સિનેતારિકા આલિયા ભટ્ટ આવવાની છે એવો પ્રચાર કરવાનો .....
પ્રમુખ : ‘ પણ આલિયા ભટ્ટના એક શોનો ભાવ ખબર છે ?, આપણે બધા ગીરો મુકાઈ જઈશું તોય રકમ ઓછી પડશે !’
અમદાબાદી : પણ મારી વાત તમે લોકો કેમ સમજતા નથી ?
ખુશમિજાજ : (મર્મમાં) તમારી કવિતા જેવી તમારી વાત પણ હોય તો ક્યાંથી સમજાય ?
અમદાબાદી : ખુશમિજાજ ! તે કાંગારુંના બચ્ચાની દુનિયા જોઈ છે ને ? (પ્રમુખ સામે જોઈ ),માણી પણ હશે ! આપણા પ્રમુખ કાંઈ પ્રમુખપદનો અમરપટો લખાવીને નથી આવ્યાં ! અને હું ક્યાં આલિયા ભટ્ટને લાવવા બેઠો છું , આતો યુવા દિલોની ધડકન સમાન આલિયાના નામે લોકો ભેગા થશે એટલે આપણે હોલના દરવાજે તાળા મરાવી કાવ્યપાઠ કરવાનો ! 
ખુશમિજાજ : ‘ મિ.અમદાબાદી કરતાં ઉમદા સૂચન કરું પ્રમુખ સાહેબ ?’
પ્રમુખ : ‘ હાં ,હાં ! કેમ નહિ ! આપણી સભામાં વાણી સ્વતંત્રતાનો બધાને અધિકાર છે .’
ખુશમિજાજ : પરમ આદરણીય દિલેર દાદરા નગર હવેલીવાળા સાહેબ,મને આપના પ્રમુખપણા હેઠળની કવિતા વિકાસ પરિષદની ભવ્ય અને ગૌરવવંતી સભામાં મારાં વિચારો મુકવાની તક મળી તે બદલ આપનો અંતરના ઊંડાણથી આભાર વ્યક્ત કરું છું . હું આપનો આજીવન ઋણી રહીશ .
અમદાબાદી : હવે આભારનું પુંછડું લાંબુ કર્યા વગર ઘરે જઈ ચરણસ્પર્શ કરી કે પગ ધોઈ પાણી પી લેજે . જલ્દી સૂચન કર 
ખુશમિજાજ : આપણે ટાંચા આર્થિક સાધનોને લીધે આલિયા ભટ્ટના બદલે ગુજરાતી કવિતાની જ નહિ ,સમગ્રતયા વિશ્વ કવિતાની ઉજ્જવળ આવતીકાલ સમાન શૃંગારરત્નાબહેનના પ્રમુખસ્થાને ‘ યુવા કવયિત્રી સંમેલન ’ની જાહેરાત કરી શકીએ ? . તે નિમિત્તે દર્શકો .....,માફ કરજો શ્રોતાઓથી આખો હોલ ભરાઈ જશે ! 
કવિ હેદ્રાબાદી : મિત્રો , આવા તુક્કાઓ અજમાવવા જશો તો હોલની બહાર પોલિસ બંદોબસ્ત અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ રાખવી પડશે .સમજ્યાને ? પ્લીઝ ,કવિતા સિવાયના વિષય પર તો મગજથી વિચારો ! 
ઝુનઝુનવાલા : “ આ સમસ્યા તો દરેક શહેરમાં બનતી જાય છે . હમણાં મે એવું સાંભળ્યું કે ફલાણા શહેરમાં તો કવિઓ પૈસા ચૂકવી શાકભાજી ખરીદતા જ નથી , નગરમાં યોજાતા કવિ સંમેલનો તેમની આ જરૂરિયાતોની પૂર્તિ કરે છે . કવિઓના કુટુંબીજનો પણ આવાં આકર્ષણોથી પ્રેરાઈ કવિઓને વારંવાર કવિ સંમેલનો કરવા અને શાકમાર્કેટની નજીક કવિ સંમેલનો યોજવા મોટા બારદાન-કોથળા સાથે મોકલી પ્રોત્સાહિત કરે છે .”
શૃંગારરત્ના : કાશ હું એ શહેરમાં રહેતી હોત તો ? ......., (ધીમેથી)તાજી શાકભાજી ફેંકે છે ?
પ્રમુખ : ખુશમિજાજને માર્કેટ મોકલી તાજી શાકભાજી હું તને લાવી આપીશ શૃંગારરત્ના .....,સવાલ એ નગરમાં રહેવાનો નથી , સવાલ એ સ્થિતિને નિવારવાનો છે !
ઝુનઝુનવાલા : મારું તો માનવું છે કે કવિ સંમેલનમાં આવતાં દરેક ભાવકની ‘ વેજીટેબલ ડીરેક્ટર ’ થી તપાસ કરવી જોઈએ ! , કેવું હેદ્રાબાદી સાહેબ ?
હેદ્રાબાદી : કવિ સંમેલનોમાં ભાવકો આવતાં જ નથી એવું તો ન કહેવાય પણ મને તો આપણી બહુમુલ્ય કાવ્યકણિકાઓને હાલરડાં માની નિદ્રાધીન થતાં અ-ભાવકો સામે વાંધો છે .

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ