ગાંધીજીનો બાબલો : નારાયણ દેસાઈ (૧૯૨૪-૨૦૧૫)

ગાંધીજીના હનુમાન અને અંગત સચિવ મહાદેવ દેસાઈના પુત્ર,ગાંધીજીનો બાબલો અને પસિદ્ધ ગાંધીવાદી ચિંતક નારાયણ દેસાઈનો આજે જન્મદિવસ છે.જન્મભૂમિ વલસાડ અને કર્મભૂમિ ગાંધીવિચારનો ફેલાવો એટલેકે આખું જગત.મહાત્મા ગાંધી,વિનોબા અને જયપ્રકાશ નારાયણથી અત્યંત પ્રભાવિત રહેલા નારાયણદાદાનો ઉછેર અને વિકાસ અમદાવાદના ગાંધી આશ્રમ,અને સેવાગ્રામમાં થયો હતો.કોલેજનો દરવાજો ભાળ્યો ન હોવા છતાં ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, બંગાળી, મરાઠી, ઉડિયા, અને સંસ્કૃતના જ્ઞાતા હતા.તેમનું નામ અને કામ શિક્ષણ, કાંતણ, નઈ તાલીમ, સર્વોદય,ભૂદાન આન્દોલન, ગાંધીકથા ,ગ્રામ સ્વરાજ અને લોકતાંત્રિક સસ્થાઓ એમ અનેકવિધ ક્ષેત્રોમાં ફેલાયેલુ હતું.આઝાદી પછી કહેવાતા ગાંધીવાદીઓ પાટનગરોમાં આરૂઢ થયા ત્યારે દાદાએ જુગતરામ દવેના પગલે દક્ષીણ ગુજરાતના વેડછીને પોતાની કર્મભૂમિ બનાવી હતી.ગાંધીવાદી ચિંતકોની માફક નારાયણ દેસાઈએ પણ ગીતો, નાટક, ચરિત્રો અને અનુવાદો થકી ગાંધીવિચારને ધબકતો રાખ્યો હતો.પાવન પસંગો,જયપ્રકાશ નારાયણ,સામ્યયોગી વિનોબા, સોનાર બાંગ્લા, અહિંસક પ્રતિકારની કહાણી, વેડછીનો વડલો[સંપા.] અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ અને મારું જીવન એજ મારી વાણી[ચાર ભાગ] વગેરે તેમની જાણીતી કૃતિઓ છે. રણજીતરામ પુરસ્કાર,સાહિત્ય અકાદમી પુરસ્કાર,જમનાલાલ બજાજ એવોર્ડ અને મૂર્તિદેવી પુરસ્કાર જેવા અનેક પુરસ્કારોથી તેઓ સન્માનિત થયા હતા.નારાયણ દેસાઈ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પણ રહ્યા હતા. ગાંધીવિચારના આખરી ચિરાગો પૈકીના એક નારાયણ દેસાઈનું તારીખ ૧૫ માર્ચ ૨૦૧૫ના રોજ અવસાન થયું હતું.

......................................................................................................................
સૌજન્ય :
આજનો ઇતિહાસ, અરુણ વાઘેલા, 'દિવ્ય ભાસ્કર' દૈનિક, અમદાવાદ, ૨૪-૧૨-૨૦૧૭, રવિવાર, પૃષ્ઠ : ૦૬

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ