વેડછીની વડવાઈ : મકનજીબાબા ( ૧૯૦૫- )



વેડછીની વડવાઈ : મકનજીબાબા ( ૧૯૦૫-     )  
 આજે ૨૦૧૮નો પહેલો દિવસ.આજે જેમનો જન્મ દિવસ છે તેવા મકનજી કોટાભાઈ ચૌધરી ઉર્ફે મકનજીબાબાનું નામ ઘણા ખરાએ સાંભળ્યું પણ નહિ હોય ,કઈ વાંધો નહિ આજે  તેમના વિષે થોડુક જાણીએ.ભારતના ઇતિહાસમાં ૧૯૨૦થી ૧૯૪૭ સુધીનો ગાળો ગાંધીયુગ તરીકે ઓળખાય છે.આ દરમિયાન શહેરોથી લઇ ગામડાઓ અને સમાજના ભદ્ર વર્ગથી વંચિતો સુધી ગાંધીવાદી કાર્યકરોની સુંદર શ્રેણી તૈયાર થઇ હતી .આ યાદીમાં એક ગૌરવવંતુ નામ મકનજી કોટાભાઈ ચૌધરીનું છે.દક્ષિણ ગુજરાતમાં સુરત જીલ્લાના બેડ્કુવા ગામે જન્મેલા મકનજી વેડછી ગામની શાળામાં શિક્ષક હતા,ભાવનાશીલ,ચીવટવાળા ,ચારિત્રવાન , સ્વાશ્રયી અને સાદાઈ જેવા અનેક સદગુણો ધરાવતા મકનજીભાઈ સુરત જીલ્લામાં ગાંધી પ્રવુંતિઓનો સીમાસ્તંભ હતા.ચુનીલાલ મહેતા અને જુગતરામ દવે જેવા ગાંધીવાદીઓ મકનજી જેવા આદિવાસી કાર્યકર્તાઓની મદદથી તેમની પ્રવુંતિઓ વિસ્તારી શક્યા હતા.ખાદીનો પ્રચાર હોય કે રેંટીયા પ્રવુંતિઓ  હોય તેઓ દરેક બાબતોમાં આગેવાની કરતા હતા. ગાંધીવાદી હોય એટલે આઝાદીના આન્દોલનો સાથે સીધો નાતો હોય જ.  દાંડીકૂચમાં તેમણે અરુણ ટુકડીમાં ભાગ લીધો હતો.ધરાસણા સત્યાગ્રહમાં પણ તેમણે માર ખાધો હતો. હિન્દ છોડો આન્દોલન દરમિયાન તેઓએ વાલોડ મથકે કામ કર્યું ધરપકડ પણ વહોરી એકવાર તો પોલીસે તેમનો દેખાવ  કિશોર જેવો લાગતો હોવાથી ધમકાવી કાઢી મુક્યા પણ તેમના કામની ગંભીરતા જોઈ જેલમાં ધકેલી દીધા ત્યાંથી છૂટ્યા પછી પણ સત્યાગ્રહીઓને મદદ કરવાનું ,ઘાયલોની સેવા કરવાનું ચાલુ રાખ્યું હતું.મકનજીભાઈનું એક મહત્વનું કામ ૧૯૩૭ના  વર્ષે અમલમાં આવેલા  ગણોતધારાનો પ્રચાર અને પ્રસાર કરવાનું હતું.જમીનદારોનો ખોફ સહન કરીને પણ તેઓએ ઋણ રાહતધારા અને ગણોતધારાનો લાભ  આદિવાસીઓને અપાવ્યો હતો .આઝાદી પછી પણ સર્વોદય,ભૂદાન વગેરે જેવી અનેક પ્રવુંતિઓમાં તેઓ અગ્રેસર રહ્યા હતા .મકનજીના જીવનની વિશેષતા એ હતી કે જીવનમાં એક પણ ક્ષણ વ્યર્થ  વેડફતા નહિ અને દરેક બાબતમાં "ઉપદેશ નહિ ઉદાહરણરૂપ બનો " જેવા ગાંધીવાક્યને અમલમાં મુકતા હતા.સ્થાનિક સ્તરે તેઓ "લઘુ ગાંધી"તરીકે પંકાયા હતા.સ્વતંત્રતા સૈનિક અને મોટા ગજાના રચનાત્મક કાર્યકર મકનજીભાઈ ચૌધરીના જીવન અને કાર્ય વિષે ગુજરાતમાં વિશેષ સંશોધનની  તાતી જરૂર છે.
અરુણ વાઘેલા 
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,૧ જાન્યુ.૨૦૧૮ ,અમદાવાદ 

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ