અવધૂત: મામાસાહેબ ફડકે

  અવધૂત :મામાસાહેબ ફડકે [૧૮૮૭-૧૯૭૪]
              આજથી ૧૦૦ વર્ષ પહેલા તમે કલ્પના કરી શકો કે ભારતની સૌથી ઉચ્ચ બ્રાહ્મણ જ્ઞાતિનો વ્યક્તિ હિંદુ સમાજની કહેવાતી નીચી ગણાતી વાલ્મીકી જ્ઞાતિના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કરી દે ?અનાથ બાળકની બીમારી વખતે તેનો ઝાડો તપાસવાથી લઇ તેના લગ્ન સુકન્યા સાથે થાય તેની કાળજી રાખે ?જી હા! આશ્ચર્ય અવશ્ય થાય પણ આ મહામાનવ હતા મામાસાહેબ ફડકે.આજના દિવસે મહારાષ્ટ્રમાં નેતૃત્વની ખાણ ગણાતા રત્નાગીરી જીલ્લાના જામ્બુલઆડ ગામે તેમનો જન્મ થયો હતો,મુળનામ વિઠ્ઠલ લક્ષ્મણ ફડકે પણ જાણીતા થયા મામાસાહેબના નામે .શાળાજીવનથીજ દેશસેવાની એવી તો લગની લાગેલી કે સ્વદેશીનો દાખલો બેસાડવા શાળામાં સ્વદેશી ધાબળો ઓઢીને ગયેલા.ગામમાં જ સાત ધોરણ સુધીનું શિક્ષણ મેળવી વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાં જોડાયા .ગાંધીજીના સ્વરાજ્ય અને સુરાજ્યના  વિચારોથી ભારે પ્રભાવિત થયા ,હિંદુ ધર્મમાં પ્રચલિત અસ્પુશ્યતાનું પાપ કોઈ બ્રાહ્મણ જ ધોઈ શકે તેવું ગાંધીજી માનતા હતા.આ વિચારને માથે ચડાવી મામાસાહેબ ૧૯૧૯થી ગોધરાના અંત્યજ આશ્રમમાં સ્થિર થયા.અહી તેમણે જીંદગીના અંદાજે ૫૦ વર્ષ ખર્ચી નાંખ્યા ,દલિત બાળકોને ભણાવી-ગણાવી ઈજ્જતભેર સમાજની મુખ્યધારામાં મૂકી આપ્યા.સમાંતરે આદિવાસી કલ્યાણ,ખાદી,મદ્યપાનનિષેધ જેવી અનેક પ્રવુંતિઓમાં સક્રિય રહ્યા.ખાદીની બચત કરવા તેઓ "ઉપદેશ નહિ પણ ઉદાહરણરૂપ બનો "જેવા ગાંધીવાક્યને અનુસરી ધોતિયાને બદલે ખાદીની ચડ્ડી પહેરતા,મામાસાહેબના કામને "સાંદીપની ઋષિ",શાંત ક્રાંતિના પ્રણેતા "જેવા વિશેષણોથી વધાવવામાં આવ્યું છે.તેમની અંતિમ ઈચ્છા એ હતી કે મારા છેલ્લા દિવસો કોઈ વાલ્મિકીના ઘરે પસાર થાય.૧૯૭૪મા તેમનું અવસાન થયું તેમને ૧૯૬૯મા પદ્મભૂષણ એનાયત થયો હતો.માંમાંસાહેબે "મારી જીવનકથા "નામથી  આત્મકથા પણ લખી છે.
અરુણ વાઘેલા 
સૌજન્ય :દિવ્ય ભાસ્કર,૨ ડિસે.૨૦૧૭ ,અમદાવાદ 

Attachments area

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ