પંચમહાલના નાયકાઓનું કોઈ રણીધણી ખરું?




પંચમહાલના નાયકાઓનું  કોઈ રણીધણી ખરું?
ગુજરાતમાં ચુંટણીની મોસમ સોળે કળાએ ખીલી છે જાતિ-ધર્મ,સાંપ્રદાયિકતા અને બીજી અનેક પ્રકારની સોગઠાબાજી પણ સમાંતર ચાલી રહી છે ,પણ તેમાં બળિયાના બે ભાગના શક્તિ પદર્શનમાં નાની અને લઘુમતી જ્ઞાતિઓનું તો કોઈ વજુદ જ દેખાતું નથી ઉદા.તરીકે  પંચમહાલની નાયક જાતિ.મધ્ય ગુજરાતમાં અંદાજે ત્રણ લાખ અને આખા ગુજરાતમાં સાડા ચાર લાખથી વધુ નાયક આદિવાસીઓ વસે છે. આ દેશના સ્વતંત્રતા સંગ્રામમાં નાયકોના ત્યાગ અને બલિદાનોનો ગુજરાતમાં તો જોટો જડે તેમ નથી મેં લખેલા પુસ્તક વિસરાયેલા શહીદો-પંચમહાલના નાયક આદિવાસીઓનો આઝાદીનો જંગ(૨૦૧૧,૨૦૧૬)નો હવાલો આપી કહું તો ૧૮૨૬થી અંગ્રેજો સામે જંગ ખેલી રહેલી નાયક પ્રજાએ ૧૮૬૮ સુધીમાં સેંકડોની સંખ્યામાં શહીદો આપ્યા છે. જોરિયા પરમેશ્વર,રૂપસિંહ નાયક,ગલાલ નાયક,બાબર નાયક વગેરેના ત્યાગ,બલિદાન અને સર્મપણનો ઈતિહાસ અખિલ ભારત સ્તરના ઈતિહાસમાં સ્થાન પામે તેવો છે પણ કમનસીબે તેમ થઇ શક્યું નથી કે નથી તેમના ઈતિહાસને આઝાદીના સંગ્રામમાં યાદ કરાતો .તેનું કારણ આ પ્રજાની ગરીબાઈ,નિરક્ષરતા અને નેતૃત્વનો અભાવ છે.૧૯૬૨થી આજ સુધી નાયકાઓમાં માત્ર એક ધારાસભ્ય થયો છે. ૧૯૪૭માં દેશ આઝાદ થયો અને ૧૯૬૦મા મહારાષ્ટ્રથી ગુજરાત છુટું પડ્યું અને પહેલી ચુંટણી ૧૯૬૨માં થઇ દેશના રાજકારણમાં કોંગ્રેસનો દબદબો હતો પણ રાજગોપાલાચારી નામના મોટા ગજાના નેતાએ કોંગ્રેસથી છુટા પડી સ્વતત્ર પક્ષની સ્થાપના કરી તેણે ગુજરાતમાં ખાસ્સું  કાઠું કાઢ્યું તેનું કારણ વિદ્યાનગરના વિશ્વકર્મા તરીકે પંકાયેલા ભાઈલાલભાઈ પટેલ ઉર્ફે ભાઈકાકાનું તેને નેતૃત્વ મળ્યું હતું. આ પક્ષે પહેલી ચુંટણીમાં ઝંપલાવ્યું તે વખતે પહેલી [અને કદાચ છેલ્લી વાર]નાયક આદિવાસીને ટીકીટ આપવામાં આવી તેમને હાલોલ મતવિસ્તાર માટે માનસિંહ વેચલાભાઈ નાયક નામના નાયક આદિવાસીને  અહીંથી લડાવ્યા અને  ખેતી અને સમાજ સેવાને પોતાનો વ્યવસાય માનતા માનસિંહભાઈ ડંકાની ચોટ  પર વિજેતા થયા તેઓ પાવાગઢ પાસેના ગોકળપર ગામના વતની  અને માત્ર ચોથી ચોપડી ભણેલા હતા. માનસિંહભાઈ એકવાર ધારાસભ્ય બન્યા પણ બીજી વખત  ન તો માનસિહભાઈએ પ્રતિનિધિત્વ  કરવાની તક મળી કે ન  તો બીજા કોઈ નાયકને .તે પછી તો નાયક આદિવાસીઓ લગભગ રાજકીય કારાવાસમાં જીવતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ જેવી કે તાલુકા પંચાયત  અને જીલ્લા પંચાયતોમાં પણ તેમનું કોઈ સન્માનજનક સ્થાન નથી  બોર્ડ-નિગમના ચેરમેન કે ડીરેક્ટર જેવા હોદ્દાઓ  તો જોજનો દુર રહ્યા તેના કારણો જુઓ:
એક તો,,નાયકો ખાસ્સું વસ્તીબળ ધરાવે છે પરંતુ એક જુમલે રહેવાને બદલે વેરવિખેર વસ્યા છે.
બીજું કે તેમનામાં  પોતાના સમાજના પ્રશ્નોની ઉગ્ર રજૂઆત કરી શકે તેવી નેતાગીરીનો વ્યાપક અભાવ છે ,
ત્રીજું નાયકાઓમાં જમીન માલિકી બહુ ઓછી જોવા મળે છે.પરિણામે આર્થીક પછાતપણું તેમનો પીછો છોડતું નથી .
ચાર,આજે તો આદિવાસીઓમાં પણ શિક્ષણનું સ્તર ઘણું ઉચુ આવ્યું છે પણ નાયક ને તેમાંથી બાકાત રાખવા પડે આજે પણ તેમનામાં શિક્ષણની સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે સમાજમાં પરિવર્તન અને વ્યાપક સમાજમાં આપણો સ્વીકાર થાય તે માટે શિક્ષણ કરતા મોટી જડીબુટ્ટી બીજી કોઈ નથી
પાંચ,આજે તેઓમાં નાના પાયે જાતિગત સંગઠનો દ્રારા જાગૃતિ આવી છે પણ તે પર્યાપ્ત નથી તમારી સંગઠિત શક્તિ જન જન સુધી પહોચવી જોઈએ 
છ,પંચમહાલ કે ગુંજરાતની કહેવાતી સભ્ય જ્ઞાતિઓ કે સાક્ષરજનો એ તેમનો હાથ નથી પકડ્યો કે ન તો તેમના અસ્તિત્વની નોંધ લીધી છે .
     આ બધાની ફલશ્રુતિ એ કે  એકવારની જુજારું નાયક પ્રજાએ  અપના હાથ જગન્નાથ માની ગુજરાતના રાજકારણ અને જાહેરજીવનમાં પોતાનો અવાજ બુલંદ બનાવવો પડશે .આપણે આશા રાખીએ આવું જલ્દી થાય .
પ્રોફેસર અરુણ વાઘેલા
સૌજન્ય:ઉદય ગુજરાત ,સાંધ્ય દૈનિક,ગોધરા
         

Comments

Post a Comment

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ