નમૅદ
અર્વાચીનોમાં આદ્ય:નર્મદ [૧૮૩૩-૧૮૮૬]
"છતરિયો હંમે કા ન હોડીએ ,
પગરખા હમું કેમ ન પહેરીયે ,
રાંડેલીના લગ્ન કા નહિ "
અલ્પ સ્ત્રી સ્વતંત્રતાના જમાનામાં આવી વાત "યાહોમ કરીને પડો ફતેહ છે આગે "નો સર્જક નર્મદે કરી હતી .કવિ ,વિવેચક ,નિબંધકાર અને સુધારાના કડખેદ તરીકે પસિદ્ધ થયેલા નર્મદનો જન્મ ૨૪ ઓગસ્ટના રોજ સુરત ખાતે થયો હતો પ્રારમ્ભિક શિક્ષણ સુરત અને ઉચ્ચ શિક્ષણ મુંબઈની એલ્ફીન્સંટ કોલેજમાં લીધું ;દુર્ગારામ મહેતાજીને ગુરુ માની સમાજસુધારાના ક્ષેત્રે અહાલેક જગાવી.સમાજસુધારાને સમર્થન આપતી અનેક સંસ્થાઓ જેવી કે સ્ટુડન્ટ લિટરરી એન્ડ સાયન્ટીફીક સોસાયટી ,બુદ્ધિવર્ધક સભા ,જ્ઞાનપ્રસારક મંડળી વગેરે સાથે નર્મદનું સીધું અનુસંધાન હતું .નર્મકોશ,નર્મગદ્ય,મારી હકીકત,પ્રેમાનંદ કૃત દશમસ્કંધનું સંપાદન ,સુરતની મુખ્તેસર હકીકત ,અલંકાર પ્રવેશ ,રાજ્યરંગ ,કાઠીયાવાડ સર્વસંગ્રહ ,ગુજરાત સર્વસંગ્રહ જેવા અનેક પુસ્તકો લખ્યા,સંપાદિત કર્યા કે અનુદિત કર્યા છે તેની "જય જય ગરવી ગુજરાત "અને સૌ ચાલો જીતવા જંગ બ્યુગલો વાગે "જેવી પંક્તિઓ તો આજે કહેવતો સમી બની રહી છે .પત્રકારત્વના ક્ષેત્રે આજે પણ મિશાલ ગણાય તેવું "ડાંડિયો"[૧૮૬૪-૧૮૬૯]નામનું સાપ્તાહિક ચલાવ્યું આદિવાસીઓને પણ ભણાવવા જોઈએ તેવી વાત ડાંડિયો મારફત કરનાર સૌપહેલો નર્મદ હતો.
સુધારક જીવનના પ્રારંભે "ડગલું ભર્યું તે ના હઠવું ,
ના હઠવું ,સમજીને તો પગલું ભરવું ,
મુકીને ના બ્હીવું "
એમ કહેનાર નર્મદ પાછલી અવસ્થામાં પલટાયો અને "પશ્રિમના ભૌતિકવાદ કરતા ભારતીય અધ્યાત્મવાદ ચડિયાતો છે "એવું સ્વીકારતો થયો..ઈતિહાસ ,સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના અભ્યાસી અને અર્વાચીનોમાં આદ્ય નર્મદનું ૧૮૮૬માં અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,૨૪ ઓગસ્ટ,૨૦૧૭, અમદાવાદ
Comments
Post a Comment