થરગુડ
વાન શ્યામ કામ શ્વેત :
થરગુડ માર્શલ [૧૯૦૮-૧૯૯૩ ]
સન ૧૭૭૬માં અમેરિકા ઇંગ્લેન્ડની ગુલામીમાંથી મુક્ત થયું પણ રંગભેદના અનેક પ્રશ્નો દાયકાઓ સુધી ત્યાં ચાલુ રહ્યા હતા .તેના માટે અબ્રાહમ લિંકન , કેનેડી અને માર્ટીન લ્યુથર કિંગ જુનિયર વગેરે એ તેમના જીવન ખર્ચી નાંખ્યા આ યાદીમાં એક નામ શ્રી થરગુડ માર્શલનું ઉમેરવું જ પડે .તેઓ અમેરિકાના સૌપ્રથમ આફ્રિકન -અમેરિકન ન્યાયાધીશ હતા .નાગરિક અધિકારોના રખેવાળ તરીકે પણ તેઓ પસિદ્ધ છે.
૨ જુલાઈ ૧૯૦૮ ના રોજ તેમનો જન્મ અમેરિકાના મેરીલેન્ડના બાલ્ટીમોરમાં થયો હતો .તેમનો કૌટુંબિક વારસો જોતાં કોઈ ને કલ્પના પણ ન આવે કે આવા કુટુંબમાં જન્મેલો બાળક અમેરિકામાં નાગરિક અધિકાર આંદોલનના ક્ષેત્રે અગ્રેસર બનશે .પણ જે ઝાડને ઊગવું હોય તે દીવાલ ફાડીને ઉગતું હોય છે તેમ કોન્ગોમાંથી ગુલામ તરીકે પકડી લવાયેલાનો આ પૌત્ર અમેરિકાની સુપ્રીમ કોર્ટનો મુખ્ય ન્યાયધીશ બન્યો.
તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા થરગુડ ૧૯૨૫માં અમેરિકન સાહિત્ય અને તત્વજ્ઞાન સાથે લિંકન યુનિ.થી સ્નાતક થયા .વકીલ થવાના હેતુ સાથે ભણતા થરગુડને કાળા હોવાને લીધે જ મેંરીલેન્ડ લોં સ્કુલમાં પ્રવેશ ન મળ્યો .આ ઘટના એ તેમનું ભાવિ નક્કી કર્યું હતું .૧૯૩૩માં હાર્વડમાંથી કાયદાનો અભ્યાસ પૂરો કરી બાલ્ટીમોરથી વકીલાત શરુ કરી .આ પૂર્વે નેશનલ "એસોસિએશન ફોર દિ એડવાન્સમેન્ટ ઓફ કલર્ડ પિપલ "(N.A.A.C.P)સંસ્થા માટે કામ કરવાનું શરુ કર્યું .તેના ઉપક્રમે નાગરિક અધિકારોની રક્ષા કરતા અનેક કેસો લડ્યા અને જીત્યા.
તેમણે ન્યાયકીય કેમ્પેઈનનો ઉપયોગ અમેરિકન- આફ્રિકનોની સમાનતાની લડત માટે કર્યો હતો . તેમનો પસિદ્ધ કેસ "BROWN .V.BOARD OF EDUCATION OF TOPECA"હતો .આ કેસમાં ૧૭ મેં ૧૯૫૪ના રોજ સુપ્રિમ કોર્ટે કાળા અને ગોરા વિદ્યાર્થીઓની અલગ શાળાઓની સ્થાપનાને ગેરબંધારણીય ઠેરવી હતી .અમેરકામાં સમરસતા અને નાગરિક અધિકાર આંદોલનના ક્ષેત્રે આ મોટો વિજય હતો .આ કેસ પછી થરગુડ માર્શલ અમેરિકાના સફળ અને નામાંકિત વકીલ બન્યા હતા .
અમેરિકી પ્રમુખ જ્હોન એફ .કેનેડીએ તેમણે "યુનાઈટેડ સ્ટેટ્સ કોર્ટ ઓફ અપીલ્સ ફોર દિ સેકન્ડ સર્કિટ " માં અને પ્રમુખ જ્હોનસને સોલીસીટર જનરલ તરીકે નિયુક્ત કર્યા હતા સોલીસીટર તરીકે તેઓ ૧૯ માંથી ૧૪ કેસો જીત્યા હતા. ૧૩ જુન ૧૯૬૭ ના રોજ અમેરિકન સુપ્રિમ કોર્ટના જસ્ટીસ તરીકે નિયુક્ત કરાયા ત્યારે પ્રમુખ જ્હાન્સને કહ્યુ હતું કે "આ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યકિતની નિયુકિત છે."
થરગુડ માર્શલ સુપ્રિમ કોર્ટમાં પહેલા આફ્રિકન -અમેરિકન ન્યાયાધીશ હતા આ હોદ્દા પર ૨૪ વર્ષ રહ્યાં ૧૯૯૧ માં શારીરિક વ્યાધિઓને લઇ તેઓ નિવૃત થયા .૧૧૦ વર્ષ જીવવાની ખેવના રાખનાર જસ્ટીસ થરગુડ માર્શલનું ૮૪ વર્ષની વયે હદય બંધ પાડવાથી મેરીલંડમાં અવસાન થયું.
મેરીલેન્ડ સ્ટેટ હાઉસમાં તેમની ૮ ફૂટ ઉંચી પ્રતિમા અને વ્હાઈટ હાઉસમાં મુકાયેલું તૈલચિત્ર અને વિશેષ તો તેમનો વિચારવારસો (legacy )થરગુડની સ્મૃતિ કાયમ રાખી રહ્યા છે .
અરુણ વાઘેલા
સાદું જીવન , ઉચ્ચ વિચાર :
ગુલઝારીલાલ નંદા [૧૮૯૮-૧૯૯૮ ]
પ્રખર ગાંધીવાદી અને તદ્દન હંગામી ધોરણે ભારતનું વડાપ્રધાનપદ ભોગવનાર ગુલઝારીલાલ નંદાનો આજે જન્મદિવસ છે .
આજના પાકિસ્તાનના સિયાલકોટમાં તારીખ ૪ જુલાઈ ૧૮૯૮ ના રોજ જન્મેલા ગુલઝારીલાલે શિક્ષણ સિયાલકોટ, લાહોર ,આગ્રા અને અલ્હાબાદમાં લીધું હતું .૧૯૨૦-૨૧ માં અલ્હાબાદમાં જ મજૂર સમસ્યા પર સંશોધક અને તરતજ નેશનલ કોલેજ મુંબઈમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર બન્યા હતા.
આ ગાળો એક વર્ષમાં આઝાદીના ધ્યેય સાથે મહાત્મા ગાંધીએ શરુ કરેલા અસહકાર આંદોલનનો હતો ,જેણે અનેક નવલોહિયા યુવક -યુવતીઓને રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડ્યા હતા .નોકરી છોડી અસહકારમાં જોડાનારાઓમાં નંદાજી પણ એક હતા .આઝાદી આવી ત્યાં સુધી અને આઝાદી પછી પણ તેમની છબી એકંદરે મજુર નેતા તરીકેની રહી હતી. મજુર પ્રવૃતિઓ સાથે જોડાયેલા અનેક હોદ્દાઓ તેમણે કુશળતાપૂર્વક નિભાવ્યા હતા.
દેશ આઝાદ થયા પછી મોટે ભાગે આઝાદીના સંગ્રામ યોગદાન આપનાર નેતાઓ કાર્યકર્તાઓએ દેશ સંભાળ્યો હતો .ગુલઝારીલાલ આયોજનપંચના પ્રથમ ઉપાધ્યક્ષ બન્યા .તેઓ પાંચ વખત લોકસભાના સભ્ય રહ્યા હતા જેમાં ૧૯૬૨ની ચુંટણીમાં તો સરદારપુત્ર ડાહ્યાભાઈના સાળા પશાભાઈ પટેલ [ટ્રેક્ટરવાળા] ને ૨૫ હજાર મતે હરાવી જીત્યા હતા દરમિયાન મજુર ,રોજગાર ,આયોજન અને ગૃહ જેવા પ્રધાનપદા પણ સંભાળ્યા હતા.
નંદાજીનું એક વિશેષ પાસું તે તેઓ બે વાર અંતરિમ વડાપ્રધાન બન્યા તે છે .જવાહરલાલ નહેરુ અને લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન પછી તેઓ ૧૩-૧૩ દિવસ (૨૭ મેં થી ૯ જુન ૧૯૬૪ અને ૧૧ જાન્યુ .થી ૨૪ જાન્યુ .૧૯૬૬ ) માટે ભારતના પ્રધાનમંત્રી થયા હતા કારણકે ભારતના બંધારણની જોગવાઈ અનુસાર વડાપ્રધાનનું પદ ખાલી રાખી શકાતું નથી .ભૂતપૂર્વ વડાપ્રધાન હોવા છતાં ગુલઝારીલાલે સાદાઈ છોડી ન હતી તેમના નામે કોઈ વ્યકિતગત સંપતિ ન હતી , સ્વાતંત્ર્ય સૈનિકને મળતા પેન્શન પર નિભાવ કરતા હતા ગાંધીના અનુયાયી હોય અને કઈ ન લખે તોજ નવાઈ ગણાય." some aspects of khadi","approuch to the second five year plan"અને "guru tegbahadur "જેવા પુસ્તકો તેમણે લખ્યા છે.
હિંમતનગર પાસે અનેરામાં વિશ્વમંગલમનો શિલાન્યાસ કરતા તેમણે પાર્થના કરેલી આજના રાજકારણીઓએ પણ સાંભળવા જેવી છે :
" હે પ્રભુ ! આ સંસ્થાને તું સારી રીતે ફેલાવજે .શહેરોમાં મોટી યુનિ .ઓ કે કોલેજો થાય તેના કરતા આવી જીવનનું ધડતર કરનારી જીવનશાળાઓ થાય તેને હું દેશનો સાચો વિકાસ સમજુ છું ."
ઈશ્વર અને ગાંધીને સમર્પિત એવા પદ્મવિભૂષણ ,ભારતરત્ન શ્રી ગુલઝારીલાલ નંદાનું ૧૫ જાન્યુ .૧૯૯૮ ના રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
જમણેરી બોલર ડાબેરી બેટસમેન :
સર રીચાર્ડ હેડલી [જન્મ :૧૯૫૧ ]
ન્યુઝીલેન્ડે એક ટીમ તરીકે ભલે વિશ્વ ક્રિકેટમાં કાઠું ન કાઢયુ હોય પણ વ્યક્તિગત ધોરણે ઘણા મહાન ખેલાડીઓની ભેટ આપી છે .ગ્લેન ટર્નર ,માર્ટીન ક્રોવ અને સર રીચાર્ડ હેડલી આવા મહાન ખેલાડીઓની યાદીમાં સ્થાન પામે છે.
રેર કિસ્સામાં જોવા મળે એવી જમણેરી બોલિંગ અને ડાબેરી બોલિંગ એક્શન ધરાવતા રીચાર્ડ હેડલીનો જન્મ આજના દિવસે ૧૯૫૧ના વર્ષે થયો હતો .ક્રિકેટ તેના લોહીમાં હતું ,કારણકે પિતા વોલ્ટેર હેડલી ઉપરાંત તેના બે ભાઈઓ બેરી અને ડેલી હેડલી અને પહેલા પત્ની પણ પણ ક્રિકેટર હતા .
હેડલીનો અર્થ "ખરાબ કે વેરાન જમીનની કાંટાળી વનસ્પતિ " એવો થાય છે .પણ નામ અને કામને વિશેષ સંબધ હોતો નથી .રીચાર્ડ હેડલી એ ૨ ફેબ્રુઅરી ૧૯૭૩ના રોજ પાકિસ્તાન સામે તેની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી .પણ ૧૯૭૬ સુધી વિશ્વ ક્રિકેટમાં તેની ખાસ નોંધ લેવાઈ ન હતી .તે પછી હેડલીનો સિતારો બુલંદી પર પહોચ્યો હતો .સ્વીંગના અસલ સુલતાન તરીકે હેડલી પસિદ્ધ થયો .એક સમયે તો ન્યુઝીલેન્ડની સમ્રગ્ર બોલીંગનો ભાર તેના ખભા પર હતો .ટેસ્ટ ક્રિકેટમાં ૮૬ ટેસ્ટ માં ૪૩૧ વિકેટ ઝડપી વિશ્વ વિક્રમ નોંધાવ્યો ,ટેસ્ટ ક્રિકેટમાં ૪૦૦ વિકેટ લેનાર પહેલો બોલર પણ હેડલી જ હતો .સાથે બે સદી સાથે ૩૧૨૪ રન કરી ઓલરાઉન્ડર તરીકેનું મજબુત પ્રમાણ પણ આપ્યું .
ફાસ્ટ બોલર માટે જરૂરી ૬ ફૂટ ૧ ઇંચની ઊંચાઈ ધરાવતા હેડલી એ ટેસ્ટ ક્રિકેટમાં ૯ વખત ૧૦ વિકેટ લીધી હતી હેડલીના સમયમાં વન ડે ક્રિકેટ પણ ગતિ કરી રહ્યું હતું .વન ડે માં તેણે ૧૧૫ વિકેટ અને ૧૭૫૧ રાન નોંધાવ્યા છે .હેડલી તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટની છેલ્લી ટેસ્ટ (૫ જુલાઈ ૧૯૯૦)અને છેલ્લી વન ડે (૨૫ મેં ૧૯૯૦)ઇંગ્લેન્ડ સામે રમ્યો.
તેના સમયમાં ઇયાન બોથમ ,ઇમરાનખાન ,કપિલદેવ અને પોતે એમ ચાર ઓલરાઉન્ડરો શ્રેષ્ઠ ગણાતા પણ બોલીંગનો સરતાજ તો હેડલી જ હતો .
ટેસ્ટ ક્રિકેટમાં હેડલી ભારત સામે સારો રેકોર્ડ ધરાવે છે .૧૯૭૬માં ૧૭ ફેબ્રુઆરી તારીખે તેને ૨૩ રનમાં સાત વિકેટ અને ટેસ્ટ ક્રિકેટની વિક્રમી ૩૭૪મી વિકેટ બેંગ્લોરમાં લીધી હતી તો તેની ૪૦૦મી વિકેટ પણ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકર બન્યો હતો .સારા ક્રિકેટપ્રેમીઓએ હમેંશા તેની રમતનો આનંદ લીધો હતો.
ક્રિકેટના ક્ષેત્રે તેના યોગદાનને લઇ હેડલીને M.B.E(મેંબર ઓફ દિ ઓર્ડર ઓફ બ્રિટીશ એમ્પાયર),"આઈ .સી .સી હોલ ઓફ ફ્રેમ" (૨૦૦૯) વગેરેથી સન્માનવામાં આવ્યો છે ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના ચેરમેન પણ રહેલા હેડલીને ઇંગ્લેન્ડની નોટીંગહામ યુનિ.એ ડોકટરેટની માનદ પદવી પણ આપી છે .હેડલીને હેપ્પી બર્થડે ..........
-અરુણ વાઘેલા
Comments
Post a Comment