તલત મહેમૂદ
ગઝલ સમ્રાટ:તલત મહેમૂદ (૧૯૨૪...૧૯૯૮)
"નવાબોની નગરી" લખનૌમાં જન્મેલા અને કોલકાતા, મુંબઈમાં પાંગરેલા ગીતકાર તલત મહેમૂદનો આજે જન્મદિવસ છે.
શિક્ષિત અને સુસંસ્કૃત પરિવારના તલતનાં ગીતકાર તરીકે આદર્શ કુંદનલાલ સાયગલ હતા. ગાયકી અને અભિનયમાં કારકિર્દી બનાવવાના સ્વપ્ન સાથે તેઓ માયાનગરી મુંબઇ આવ્યા જ્યાં ઓલ ઇન્ડિયા રેડિયો અને બિનફિલ્મી ગીતો ગાવા સાથે શરૂઆત કરી.
મુંબઇમાં તેમની પ્રતિભા પારખી રાયચંદ બોરાલ, તિમીર બરન પંકજ મલિક અને અનિલ બિશ્વાસ વગેરેએ તલત સાહેબને સંગીતના શીર્ષસ્થાને લઇ જવામાં યોગદાન આપ્યું હતું. તેમાં પણ સંગીત નિર્દેશક અનિલ બિશ્વાસનું તલતની પ્રગતિમાં મોટું યોગદાન હતું."જાન પહેચાન"ફિલ્મના "સબ દિન એક સમાન નહિ થા"થી ગાયકીનો પ્રારંભ કરનાર તલત મહેમૂદે તે પછી સેંકડો ગીતો ગાયા અને પોતાના કોમળ.. રેશમી અવાજથી અનોખી ઓળખ ઊભી કરી." શુક્રીયા એ પ્યાર તેરા શુક્રીયા", "એક મે હું એક મેરી બેકસી કી શામ", "તેરા ખયાલ દિલ સે મીટાયા નહિ અભી", "મેરી યાદ મે તુમ આંસુ ન બહાના", "જાગો મુસાફિર જાગો "કેટલાં ગીતો ગણાવવા? તેમના ગીતકાર તરીકેની સફળતાના પરિચાયક છે.
ગાયક સાથે તલત અભિનેતા બનવા પણ ઈચ્છતા હતાં.પણ તેમાં તેઓને સરિયામ નિષ્ફળતા મળી. પણ ગઝલગાયક તલતની સફળતા સામે અભિનેતા તલતની નિષ્ફળતાની કશી વિસાત નથી.
તલત મહેમુદનું ૭ મે ૧૯૯૮ ના રોજ મુંબઇમાં અવસાન થયું હતું.પદ્મભૂષણ જેવા માનવંતા એવોર્ડ ઉપરાંત સંગીત ક્ષેત્રના અનેક સન્માનો તેમને પ્રાપ્ત થયા છે. તલત મહેમુદે ભલે રફી,મુકેશ અને કિશોર જેવી અભૂતપૂર્વ લોકપ્રિયતા હાંસલ ન કરી હોય છતાં તેઓ ગાયકીનો એક સીમાસ્તંભ છે અને સૌથી વિશેષ તો તલત મહેમુદનો અનોખો અને નક્કર ચાહક વર્ગ છે.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૪ ફેબ્રઆરી,૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment