અમૃતલાલ શેઠ
સોરઠનો સાવજ :અમૃતલાલ શેઠ [૧૮૯૧-૧૯૫૪]
કવિઓ,પત્રકારો સમાજ પરિવર્તન અને ક્રાંતિનું મસ્તિષ્ક છે.ગુલામ ભારતમાં ગુજરાત અને ખાસ તો કાઠીયાવાડને જગાડવાનું યુગપરિવર્તનકારી કાર્ય અનેક પત્રકારોએ કર્યું તેમાંનું એક ગૌરવશાળી નામ અમૃતલાલ દલપતરામ શેઠનું છે. જન્મભૂમિ લીંબડી અને કર્મભૂમિ રાણપુર.બચપણથી લાલ,બાલ,પાલની રાષ્ટ્રવાદી ત્રિપુટીથી ગાઢ રીતે પ્રભાવિત થઇ તેમની છબીઓ ઘરમાં ટીંગાડી હતી ,છબીઓ ઉતારવા આવેલા પોલીસોને તે ઉતારવા દીધી ન હતી.આવી દેશદાઝથી કાર્યરત અમૃતલાલની મુખ્ય ઓળખ રાષ્ટ્રવાદી પત્રકાર તરીકે છે.
" ખીચો ન કમાનો કો,ન તલવાર ચલાવો,
જબ તોપ મુકાબીલ હો તબ અખબાર ચલાવો"
કાવ્ય કણિકા અનુસાર પરાધીનતાનો મુકાબલો પત્રકારત્વથી કરવાનો નિર્ધાર કર્યો.
ચુનીલાલ વર્ધમાન શાહ પાસે તેઓ પત્રકારત્વનો એકડો ઘૂંટતા શીખ્યા હતા અમૃતલાલે "બોમ્બે ક્રોનિકલ"માં કાઠીયાવાડ લેટર લખવાથી પોતાનું પત્રકારત્વ શરુ કર્યું હતું .પણ તેમનું મન તો અમુક અપવાદોને બાદ કરતાં લગભગ અંધેર વહીવટ અને અમલદારશાહીમાં સબડતા સૌરાષ્ટ્રની વેદનાને વાચા આપવા તડપતુ હતું .પરિણામે ૨ ઓકટો.૧૯૨૧ના રોજ ગાંધી જયંતિના રોજ રાણપુરથી "સૌરાષ્ટ્ર"સાપ્તાહિક શરુ કર્યું .જાનના જોખમે પણ રજવાડી ગુજરાતની કમજોરીઓ સૌરાષ્ટ્રના પાને પ્રગટાવતા .મેઘાણી જેવા અનેક સર્જકો તેમની નિશ્રામાં પાંગર્યા હતા ૧૯૩૧માં સૌરાષ્ટ્ર ઉપર પ્રતિબંધ મુકાયો હતો .અમૃતલાલ શેઠ ૧૯૩૪માં રાણપુર છોડી મુંબઈમાં સ્થાયી થયા તે પહેલા ધોલેરા મીઠા સત્યાગ્રહમાં સ્થાનિક પ્રજાને કુશળ નેતૃત્વ પૂરું પાડી ચુક્યા હતા.
મુંબઈથી તેમણે "જન્મભૂમિ" [૧૯૩૪],"ડેઈલી સન"[૧૯૩૪],"નુતન ગુજરાત "[૧૯૪૨] જેવા પત્રો શરુ કર્યા હતા તો ૧૯૩૫માં મરાઠી દૈનિક" લોકમાન્ય" પણ ખરીદી લીધું હતું .
તેઓ પત્રકારત્વના વ્યવસાય સાથે સંબધિત અનેક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા.૧૯૪૦-૪૮ દરમિયાનના ગાંધી-જિન્હા પત્રવ્યવહારનું પ્રકાશન અને ૧૯૪૬માં વોર કોરસપોંડસ તરીકે જીવના જોખમે આઝાદ હિન્દ ફોઝનું સાહિત્ય બર્માથી ભારત લઇ આવ્યા તે ઘટનાઓ તેમની પત્રકારત્વની કારકિર્દીમાં યશકલગી સમાન છે .
કાઠીયાવાડ રાજકીય પરિષદ,આરઝી હકુમત જેવી સંસ્થાકીય પ્રવુંતિઓ અને શિક્ષણની અનેક સંસ્થાઓમાં પણ અમૃતલાલ શેઠનું બહુમુલ્ય યોગદાન રહ્યું હતું .
રાષ્ટ્રવાદી પત્રકાર અને ઉમદા સ્વત્રતંતા સૈનિક અમૃતલાલ શેઠનું ૩૦ જુલાઈ ૧૯૫૪ન રોજ મુંબઈમાં અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૫ ઓગસ્ટ,૨૦૧૭, અમદાવાદ
Comments
Post a Comment