જોસેફ મેકવાન
દલિત સાહિત્યના દાદા:જોસેફ મેકવાન [૧૯૩૬-૨૦૧૦]
"દલિત સાહિત્યના દાદા","જંગમ વિદ્યાપીઠ","વંચિતોના વકીલ "જેવા અનેક ઉપનામોથી ઓળખાયેલા જોસેફ મેક્વાનનો આજે જન્મ દિવસ છે.ખેડા જીલ્લાના ઓડ પાસેના ત્રણોલ ગામે દલિત ઈસાઈ કુટુંબમાં જન્મેલા જોસેફભાઈ એમ.એ ,બી.એડ હતા.તે પછી હિન્દીના શિક્ષક બન્યા.જોસેફભાઈની સાહિત્ય સર્જન યાત્રા "ગેન્ગડીના ફૂલ"કૃતિથી થઇ હતી.તે પછી વ્યથાના વીતક , આંગળિયાત, લક્ષ્મણની અગ્નિપરીક્ષા ,મારી પરણેતર,સાધનાની આરાધના,,મારી ભિલ્લુ,,ફરી મ્હોરે આંબો ,વાટના વિસામા,,માણસ હોવાની યંત્રણા,ભીની માટી કોરા મન,લખ્યા લલાટે લેખ,અનામતની આંધી જેવા નવલકથા,રેખાચિત્રો,વિવેચન ,સંશોધનના પુસ્તકો લખ્યા.તેમના સર્જનોમાં આગલિયાત અને વ્યથાના વીતક તથા મારી ભિલ્લુ ખાસ નોંધપાત્ર છે.ચરોતરી સમાજમાં વ્યાપ્ત અસ્પૃશ્યતાને તેમણે સાહિત્યમાં વાચા આપી છે.તેમની બળુકી તળપદી ભાષામાં બોલીનું ભાષાકર્મ ઉડીને આંખે વળગે છે.દલિતોના જીવન સંઘર્ષનું દસ્તાવેજી મુલ્ય ધરાવતી તેમની આંગળિયાત નવલકથા ગુજરાતી નવલકથા સાહિત્યનુ પ્રતિનિધિત્વ કરે છે .તેને ગુજરાતી સાહિત્ય અકાદમી ઉપરાંત કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક પણ પ્રાપ્ત થયું હતું.આ ઉપરાંત ગુજરાતી સાહિત્યના મુનશી અને ધનજી કાનજી એવોર્ડ પણ તેમને મળ્યા છે.તેમનું સાહિત્ય સર્જન અનેક ભાષાઓમાં અનુદિત પણ થયું છે.તેમની સાહિત્ય અને સમાજ સેવાને બિરદાવતો "જીંદગી જીવ્યાનો હરખ"નામે દળદાર ગ્રંથ પણ થયો છે.ગુજરાતી સાહિત્યના બળુકા સર્જક અને કર્મશીલ જોસેફભાઈનું તારીખ ૨૮ માર્ચ ૨૦૧૦ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૯ ઓકટો.૨૦૧૭, અમદાવાદ
Comments
Post a Comment