બહાદુર યાર જંગ
બહાદુર યાર જંગ (૧૯૦૫-૧૯૪૪)
આજે પાકિસ્તાન ચળવળના એક નેતા, શક્તિશાળી વક્તા બહાદુર યાર જંગનો જન્મદિવસ છે. મૂળનામ મુહમ્મદ બહાદુર ખાન પણ ઉમદા ચારિત્ર્ય અને નેતૃત્વ ના ગુણોને લઈ ખુદ હૈદરાબાદ નિઝામે તેમને નવાબ બહાદુર યાર જંગનું ઉપનામ આપ્યું હતું.હૈદરાબાદના જમીનદાર પરિવારમાં જન્મેલા જંગના માતા તેમની સાત વર્ષની અને પિતા અઢાર વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા. તેમનો ઉછેર દાદીએ કર્યો હતો. યુવાવસ્થામાં બહાદુર જંગે સામાજિક સેવાઓ થકી પોતાની નેતાગીરી શરૂ કરી હતી. બહાદુર યાર જંગ અદભુત વક્તા અને ભણેલા-અભણ શ્રોતાઓ પર જાદૂઈ અસર ઉપજાવી શકતા હતા.તેઓ કવિ,ઇસ્લામી ચિંતક ઉપરાંત કુશળ સંગઠક પણ હતાં.1938માં " મજલિશ-ઇ-ઇત્તેહાદુલ મુસલમીન સંસ્થાના પ્રમુખ બન્યા અને જીવન પર્યન્ત આ હોદ્દા પર રહ્યા.તે અને બીજી સંસ્થાઓના નેજા નીચે અલગ પાકિસ્તાનની ચળવળને વેગ આપ્યો.તેમના વિચારોથી હજારો યુવાઓ પાકિસ્તાન આંદોલનમાં જોડાયા હતાં. તેઓ હૈદરાબાદમાં તેમના લોકપ્રભાવને કારણે જીવનના અંત સમયે તો હૈદરાબાદમાં જંગ નિઝામ કરતાં પણ વધુ શક્તિશાળી બની ગયા હતા.મુસ્લિમ લીગ અને મુહમ્મદ અલી જીન્હા સાથે પણ તેમનો ગાઢ અનુબંધ રહેલો. પાકિસ્તાનના ભાવિ બંધારણ માટે તેમણે જીન્હાને સૂચનો પણ કર્યા હતાં. હૈદરાબાદમાં વિશાળ સંગઠન અને યુવાઓમાં ઈસ્લામિક ચેતનાનો સંચાર કરનાર બહાદુર યાર જંગનું હુકકામાં ઝેર આપવાથી મૃત્યુ થયુ હોવાનું કહેવાય છે. તેમના નામ અને કામ સાથે સકલાયેલી અનેક સંસ્થાઓ હૈદરાબાદ અને પાકિસ્તાનમાં કાર્યરત છે. કરાંચી પાસેના ઍક નગરનું નામ બહાદુરાબાદ રાખવામાં આવ્યું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,3 ફેબ્રુઆરી,2018, અમદાવાદ
Comments
Post a Comment