જુગતરામ દવે
વેડછીનો વડલો :જુગતરામ દવે [૧૮૯૭-૧૯૮૫]
કાકાસાહેબ કાલેલકરે જેમને "આપણી ભોળી જનતાના દરબારમાં પહોચી ગયેલા સંસ્કારી દુનિયાના એલચી "કહ્યા છે તેવા જુગતરામ દવેનો આજે જન્મદિવસ છે તેમનો જન્મદિન "સેવાદીન" તરીકે પણ ઉજવાય છે .જન્મભૂમિ લખતર પણ દક્ષિણ ગુજરાતના વેડછીને કર્મભૂમિ બનાવી હતી જુગતરામે શિક્ષણ વઢવાણ ,મુંબઈ અને ધાંગધ્રામાં લીધું હતું કારકિર્દીની "વીસમી સદી "સામયિકમાં નોકરી કરવાથી શરુ કરી હતી તે પછી કાકાસાહેબ કાલેલકરના સંસર્ગથી ગાંધી આશ્રમમાં શિક્ષણ કાર્ય માટે જોડાયા હતા "નવજીવન" "યંગ ઇન્ડિયા "અને "બારડોલી સત્યાગ્રહ પત્રિકા"નું સંચાલન પણ કર્યું હતું ગાંધીવિચારથી પ્રભાવિત થઇ પોતાનું આયખુ દિન-દુખિયા ,પીડિતો માટે સમર્પિત કરવાનું નક્કી કરી અને આદિવાસી સેવાની ધૂણી ધખાવી દક્ષિણ ગુજરાતમાં વેડછીમાં સ્થાયી થયા .વેડછીમાં જુગતરામેં જે ધગશ અને ભાવિદર્શનથી આદિવાસી ઉત્થાનનું કામ ઉપાડ્યું અને કર્યું તેનો સેવા કાર્યોના ઇતિહાસમાં જોટો જડે તેમ નથી ગાંધીમાર્ગે ચાલી અને ટકી શકે તેવા સેંકડો કાર્યકરો તેમણે તૈયાર કર્યા છે .તે એટલે સુધી કે તેમના તપના બળે એક સમયે આખા ભારતની "આદિવાસી નીતિ "વેડછીના આશ્રમથી નક્કી થતી હતી .તેમને આઝાદીના આંદોલનમાં ભાગ લઇ લગભગ ૯ વર્ષનો જેલવાસ પણ ભોગવ્યો હતો. રચનાત્મક કાર્યોના ભોગે સ્વતંત્રતાના આંદોલન માં આદિવાસી સેવકોએ ભાગ ન લેવો જોઇએ તેવો ભવિષ્યગામી અભિપ્રાય તેઓ ધરાવતા હતા. પણ તેમાં ઠક્કરબાપાની જેમ જુગતરામનું પણ કંઇ ઉપજ્યું ન હતું.જુગતરામ દવેની એક ઓળખાણ સાહિત્યકાર તરીકે પણ છે ."આત્મરચના અથવા આશ્રમી કેળવણી" ,"ગાંધીજી","કૌશિકાખ્યાન","જુગતરામના પાઠો ","ચાલણગાડી ","આંધળાનું ગાડું "જેવા અનેક પુસ્તકો સર્જાયા છે જેમાં આંધળાનું ગાડું તો લોકનાટકનો અદભુત નમુનો છે . સ્વરાજ્યયુગમાં સેંકડો ભાષણો અને અનેક ગ્રંથો ન કરી શકે તે કામ એક નાટકે કર્યું હતું .તે વ્યાપક પસિદ્ધી પણ પામ્યું હતું .આઝાદી પછી પણ તેઓ દેશસેવામાં રત રહ્યા હતા .ગાંધી મેળાઓ,"વટવૃક્ષ "સામયિકનું સંપાદનમાં પ્રવૃત હતા .૧૯૭૮ માં જમનાલાલ બજાજ એવોર્ડથી તેમનું સન્માન થયું હતું આદિવાસીઓના આ જુ.દાદાનું ૧૪ માર્ચ ૧૯૮૫ના રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧ સપ્ટે.૨૦૧૨, અમદાવાદ
Comments
Post a Comment