આશાપૂર્ણાદેવી
પ્રથમ મહિલા જ્ઞાનપીઠ વિજેતા:આશાપૂર્ણાદેવી(૧૯૦૯- ૧૯૯૫)
આજે 8 ફેબ્રુઆરી, બંગાળના મહાન સાહિત્યકાર આશાપૂર્ણાદેવીનો જન્મદિવસ છે. પશ્ચિમ બંગાળમાં કોલકાતા પાસે પોટલદંગામાં ચિત્રકાર પિતા અને સાહિત્યકાર માતાને ત્યાં તેમનો જન્મ થયો હતો છતાં ઘરમાં સાહિત્ય સર્જન માટે વાતાવરણ આશાસ્પદ ન હતું. વિપરીત સંજોગોમાં પણ આશાદેવીએ તેર વર્ષની ઉંમરે લેખનનો પ્રારંભ કર્યો. પહેલી કૃતિ " જલ ઓર જામુન " વાર્તા સંગ્રહ હતો. સમગ્ર જીવનકાળ દરમિયાન 225 થી વધુ કૃતિઓનું સર્જન કર્યુ. તેમાં સ્વર્ણલતા,પ્રથમ પ્રતિશ્રુતિ,પ્રેમ ઓ પ્રયોજન, અગ્નિ પરીક્ષા, બકુલ કથા, ગાછે પાતા નીલ, છાડપત્ર, માયા દર્પણ, આકાશ માટી, અધુરે સપને, અપને અપને દર્પણમે, આનંદધામ, ઉદાસ મન, ચશ્મે બદલ જાતે હે, મનકી આવાઝ, પ્યાર કા ચહેરા,મન કી ઉડાન જેવી અનેક નવલકથાઓ, વાર્તાસંગ્રહો વગેરેનો સમાવેશ થાય છે. તેમના લેખનનો પ્રધાન સૂર નારીજીવન અને કુટુંબ જીવનની સમસ્યાઓનું ચિત્રણ છે. આશાદેવીએ મહિલા સર્જક તરીકે નારી મનોવિજ્ઞાનની સૂક્ષ્મ અભિવ્યક્તિ કરી છે. વક્તવ્યપ્રધાન, સમસ્યાપ્રધાન અને આવેગપ્રધાન લેખન તેમની વિશેષતા રહી છે. તેમના પુસ્તકોનો ભારતની મોટા ભાગની ભાષાઓમાં અનુવાદો થયાં છે. બંગાળમાં તો ટાગોર, બકીમચંદ્ર અને શરતચંદ્ર પછી તેઓ સૌથી વધુ વંચાતા લેખક છે. આશાપૂર્ણાદેવીનું 1976માં જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માન થયું ત્યારે તેઓ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પહેલા મહિલા સર્જક હતા."હું તો સરસ્વતીની સ્ટૅનો છું."તેમ માનનાર આશાદેવીનું 13 જુલાઈ 1995ના રોજ 86 વર્ષની વયે અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,8 ફેબ્રુઆરી 2018,અમદાવાદ
Comments
Post a Comment