ઉચ્છંગરાય ઢેબર
આકાશ જેવા આદમી :
ઉચ્છંગરાય ઢેબર [૧૮૯૫-૧૯૭૭]
ગુજરાતમાં "ઢેબરભાઈ "તરીકે પસિદ્ધ થયેલા ઉચ્છંગરાય ઢેબરનો આજે જન્મદિવસ છે.જામનગર જીલ્લાના ગંગાજળા ગામે જન્મ અને વતન ખંભાલીયા.પ્રાથમિક શિક્ષણ રાજકોટ અને હાઈસ્કુલ તથા ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં થયું હતું.બ્રિટીશ ન્યાય પ્રથાના ચાહક ઢેબરભાઈએ તે જમાનામાં હાઇકોર્ટ ડિસ્ટ્રીકટ ર્પ્લીડરની અઘરી ગણાય તેવી પરીક્ષા પાસ કરી રાજકોટમાં વકીલાત શરુ કરી હતી.તેમની છાપ પ્રમાણિક વકીલ તરીકેની હતી.૧૯૨૯માં ગાંધીપ્રેરિત રચનાત્મક કાર્યોમાં જોડાયા.૧૯૩૬માં વકીલાત છોડી . રાજકોટ કાપડ મિલ હડતાલમાં કામદારોની પડખે ઉભા રહ્યા તો સૌરાષ્ટ્રના રજવાડી તંત્રો સામે પણ ઝીંક ઝીલી.તેના કારણે ,માત્ર સુવાના સમયે જ માથેથી ઉતરતી ઢેબરભાઈની ગાંધીટોપી પણ રજવાડાના માણસોએ ઉછાળી હતી તેમનું અપમાન કર્યું હતું.વાઈના દર્દી પત્ની મંદાકિનીબેન એક અકસ્માતમાં દાઝી ગયા અને ૩૯ વર્ષની વયે તેઓ વિધુર થયા.પણ કોટુમ્બીક મુદ્દાઓને કોરાણે મૂકી ઢેબરભાઈ રાષ્ટ્રીય પ્રવૃતિઓમાં આગળ ધપતા રહ્યા.આઝાદી પછી રચાયેલા સૌરાષ્ટ્રના નવા રાજ્યમાં તેઓ મુખ્યમંત્રી બન્યા હતા જમીન સુધારણા ધારો,મજુર કાયદાઓ ,ગરાસદારી અને બારખલીની નાબુદી ઢેબરભાઈની દેન છે.
"ગાયને જો ઘાસના બદલે કાગળ ખાવા પડે તો તેને હું મારી અધુરી વ્યવસ્થા ગણું છું"
તેમના પ્રજાકલ્યાણકરી કાર્યોની આજે પણ દુહાઈ દેવામાં આવે છે .રાજનીતિમાં ગળાડૂબ હોવા છતાં તેઓ વાંચનપ્રેમી હતા તેઓ કહેતા કે
"કોઈ સુંદર પુસ્તક હું જોઉં અને હું ખરીદી ન શકું ત્યારે મને લાગે છે કે હું ગરીબ છું."
તેઓ કોંગ્રેસ પક્ષ અને ખાદી કમીશનના ચેરમેન પણ રહ્યા હતા.૩૧ માર્ચ ૧૯૭૨ના રોજ ઢેબરભાઈ રાજકારણમાંથી નિવૃત થયા અને ૧૧ માર્ચ ૧૯૭૭ના રોજ તેમનું અવસાન થયું .કવિ કાગે તેમને" આકાશ જેવા આદમી" અને સરદાર પટેલે "બત્રીસ લક્ષણા પુરુષ"તરીકે નવાજ્યા છે
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૧ સપ્ટે.૨૦૧૭, અમદાવાદ
Comments
Post a Comment