દાદાભાઈ નવરોજી
હિંદના દાદા :દાદાભાઈ નવરોજી [૧૮૨૫-૧૯૧૭]
"સંગઠિત થાવ,સતત પ્રયત્ન કરો અને સ્વશાસન મેળવો "પરાધીન ભારતમાં દેશવાસીઓને આવો મંત્ર આપનાર દાદાભાઈ નવરોજીનો આજેતારીખ ૪ સપ્ટે.ના રોજ જન્મદિવસ છે.
પિતા નવરોજી પાલનજી અને માતા માણેકબાઇ.બચપણમાં પિતાનું અવસાન થતા ઉછેર અને ભણતરની જવાબદારી માતાએ અદા કરી .૧૧ વર્ષે લગ્ન થયા ૧૫ વર્ષની ઉંમરે નક્કી કર્યું કે જીવનમાં કયારેય અપશબ્દો બોલવા નહિ અને મદ્યપાન ન કરવું.
કોલેજ શિક્ષણ પૂરું કરી ૨૭ વર્ષની ઉંમરે એલ્ફીન્સ્ન્ટ ઇન્સીટયુટમાં નોકરી શરુ કરી ૧૮૫૪ માં ગણિત અને ભૌતિક શાસ્ત્રના પ્રોફેસર બન્યા ત્યારે તેઓ પ્રથમ હિન્દી પ્રોફેસર હતા.એજ રીતે દેશમાં સ્ત્રી શિક્ષણની હિમાયત કરનારા પણ તેઓ જ સૌ પહેલા હતા.
પારસીઓમાં સમાજ સુધારા માટે "રાસ્ત ગોફતાર"(સત્ય વક્તા)નામનું સામયિક અને "રહનુંમાં -ઇ મઝદરયન "નામની સંસ્થા શરુ કરી હતી.
વધતી વયે દાદાભાઈને રાજનીતિમાં રસ પડ્યો કામ એન્ડ કંપનીએ પોતાની શાખા માટે ઇંગ્લેન્ડ મોકલ્યા પણ વ્યાપારી તોરતરીકાઓ માફક ન આવતા તેનાથી છુટા પડ્યા.
લંડનમાં ઇસ્ટ ઇન્ડિયા એસો.ની સ્થાપના કરી અને લંડન સ્થિત ભારતીય વિદ્યાર્થીઓ માટે પિતાતુલ્ય બન્યા .સિવિલ સર્વિસ પરીક્ષામાં હિન્દીઓને સ્થાન અને તેની પરીક્ષા ભારતમાં પણ લેવાય તે માટે લડ્યા અને સફળ થયા,વચ્ચે પાછા વડોદરાના દિવાન બન્યા અને રાજ્યનું તંત્ર ઠેકાણે પાડ્યું.
પ્રજાના દુઃખ-દર્દ પાર્લામેન્ટમાં જવાથી દુર થઇ શકે તેવી સમજ સાથે બ્રિટીશ પાર્લામેન્ટની ચુંટણી લડ્યા પહેલા હાર્યા પણ આખરે ૫ જુલાઈ ૧૮૯૨ના રોજ બ્રિટીશ પાર્લામેન્ટના સભ્ય બન્યા.
હિન્દી રાષ્ટ્રીય મહાસભા[કોંગ્રેસ]ના પણ ત્રણ વાર પ્રમુખ બન્યા હતા .સાદા-શુદ્ધ છતાં પ્રભાવશાળી દાદાભાઈએ "poverty end unbritish rule in india"નામના વિદ્વતાપૂર્ણ પુસ્તકમાં અંગ્રેજોની ભારતીયોની "લોહી ચૂસવાની નીતિ [ડ્રેઈન થિયરી }નો સિદ્ધાંત રજુ કર્યો હતો."ભારતીય રાષ્ટ્રવાદના પિતા" સમાન અને સમકાલીનોમાં સૌના વડીલ એવા દાદાભાઈ નવરોજીનું ૩૦ જુન ૧૯૧૭ના રોજ અવસાન થયું હતું .તેમના નામ અને કામ સાથે સંકળાયેલી અનેક સંસ્થાઓ આજે પણ દેશમાં કાર્યરત છે .
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૪ સપ્ટે.૨૦૧૭, અમદાવાદ
Comments
Post a Comment