પી.એન. ઑક
ઇતિહાસલેખનનો હિંદુ અવાજ :
પી. એન. ઓક (૧૯૧૭...૨૦૦૭)
ઇતિહાસ વસ્તુલક્ષી દ્રષ્ટિકોણથી લખાવો જોઇએ તેવો સામાન્ય મત હોવા છતાં ઈતિહાસલેખન પર વિચારધારાઓ હાવી રહી છે. સંસ્થાનવાદી, માર્ક્સવાદી અને રાષ્ટ્રવાદી વગેરે ઇતિહાસલેખન શાખાઓ તેના દાખલા છે.
આઝાદી પછી ઇતિહાસ લેખનનો ઉગ્ર હિંદુ મત આવ્યો તેનો એક મુકામ પી. એન. ઓક હતા. આખુંનામ પુરુષોત્તમ નાગેશ ઓક અને જન્મ ઈદોરમાં. મુંબઇ યુનિ. થી વિનયન અનુંસ્નાતક અને એલ.એલ. બી થયેલાં પી. એન ઓક બીજાં વિશ્વયુદ્ધમાં આઝાદ હિંદ ફોઝ વતી જાપાની સૈન્ય સામે લડ્યા હતા.
આઝાદી પછી "હિન્દુસ્તાન ટાઇમ્સ "અને "દિ સ્ટેટ્સમેન "જેવા પત્રોમાં રિપોર્ટર તરીકે કામ કર્યું હતું. ઓકની સેવાઓ આકાશવાણી, જન મંત્રાલય અને. ભારતીય દૂતાવાસમાં પણ રહી હતી. પણ પી. એન ઓક જાણીતા બન્યાં તેમના ઇતિહાસ સંશોધનના ઉગ્ર હિંદુવાદી દૃષ્ટિકોણથી.
ભારતનો ઇતિહાસ હુમલાખોરો અને સાંસ્થાનિક માનસિકતા ધરાવતા લોકો દ્વારા પક્ષપાતી અને તોડી મરોડી રજૂ કરાયો છે અને તેથી તેનું પૂન: લેખન અનિવાર્ય છે તેવાં ખ્યાલ સાથે તેઓએ "ઇતિહાસ પત્રિકા" સામયિક અને "ભારતીય ઇતિહાસ પુનરાવલોકન સંસ્થાન" સંસ્થા શરૂ કર્યા હતાં.
તેમણે લખેલા પુસ્તકોમાં "અમર સેનાની સાવરકર", "તાજમહલ મેં હિન્દુ ટેમ્પલ", "કૌન કહેતા હૈ કી અકબર મહાન થા?", "વૈદિક વિશ્વ રાષ્ટ્ર કા ઇતિહાસ "(૪ ભાગ), "ભારત કા દ્વિતીય સ્વાતંત્ર્ય સમર", "some blunders of Indian historical research" વગેરે મુખ્ય છે.
ઓકે હિન્દી ઉપરાંત અંગેજી અને મરાઠીમાં પણ પુસ્તકો લખ્યાં છે.
તાજમહલને હિન્દુ સ્મારક ઘોષિત કરવા તેમણે કોર્ટમાં યાચિકા પણ દાખલ કરી હતી. જે રદ થઇ હતી.
૪ ડિસે.૨૦૦૭ ના રોજ પુનામાં તેમનું અવસાન થયું હતું.ઓકનું ઇતિહાસ સંશોધન ભલે મુખ્યધારાના લેખનમાં ન સ્વીકારાયું હોય છતાં ભારતમાં ઉગ્ર હિંદુવાદી ઇતિહાસ રૂચિ ઘડવામાં પી. એન.ઓકનુ નામ લાંબા સમય સુધી યાદ રહેશે.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર, ૨ માર્ચ,2018,અમદાવાદ
Comments
Post a Comment