સુમતિ મોરારજી
ફર્સ્ટ વુમન ઑફ ઇન્ડિયન શિપિંગ:
સુમતિ મોરારજી (૧૯૦૯..૧૯૯૮)
ઉદ્યોગ સાહસિકતા જ્યારે માત્ર પુરુષોનો જ ઇજારો ગણાતો હતો ત્યારે એક મહિલાએ વહાણવટા વ્યવસાયના ક્ષેત્રે કાઠું કાઢયું અને આ નવાચારી મહિલાનું નામ સુમતિ મોરારજી. આજે તેમનો જન્મદિવસ છે.
મુંબઇના પસિદ્ધ અને ધનાઢય પરિવારના મથુરદાસ ગોકુલદાસને ત્યાં છ દીકરાઓ વચ્ચે એકમાત્ર દીકરી તરીકે તેમનો જન્મ થયો હતો. મુૂળનામ યમુના હતું. જમાનાની પ્રણાલી મુજબ ૧૩ વર્ષની ઉંમરે તેમનાં લગ્ન એવા જ શ્રીમંત પરિવારના નરોત્તમ મોરારજી સાથે થયા. તેમનો વિવાહોત્સવ અઠવાડીયા સુધી સ્થાનિક સમાચારપત્રોમાં ચમકતો રહ્યો હતો.લગ્ન પછી પતિએ તેમનું નામ "સુમતિ " રાખ્યું હતું. સુમતિનો મતલબ"સદબુદ્ધિ"થાય છે.
હિન્દી, અંગ્રેજી અને મરાઠીમાં નિપૂણ સુમતિ એ પતિના ખાનદાની ધંધામાં અભિવૃદ્ધિ કરી હતી.૧૯૨૩માં પતિએ સ્થાપેલી સિંધિયા સ્ટીમ નેવિગશન કંપનીમાં મેનેજિંગ ડિરેકટર તરીકે જોડાયા હતાં, જ્યારે ૧૯૪૬માં કંપનીની સંપૂર્ણ કમાન સંભાળી લીધી અને રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણથી સ્થપાયેલી આ કંપનીને અંગ્રેજ અમલની તુમાખી વચ્ચે વૈશ્વિક પ્રસિદ્ધિ અપાવી હતી.
વલ્લભ સંપ્રદાય અને શ્રીનાથજીનાં ભક્ત સુમતિ ગાંધીજીથી પણ ગાઢ રીતે પ્રભાવિત હતાં. ગાંધીજી સાથે તેમના પત્રવ્યવહાર ઉપરાંત મુલાકાતો પણ થઈ હતી. ખુદ ગાંધીજીએ પણ તેમની કંપનીની પસંશા કરી હતી.
વિશ્વબંધૂતાના હિમાયતી સુમતિ મોરારજીનું પદ્મવિભૂષણથી સન્માન થયું હતું. આ નવાચારી મહિલા પ્રયોજકનું ૨૭ જૂન ૧૯૯૮ના રોજ ૮૯ વર્ષની વયે હદયની બીમારીથી અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧૩ માર્ચ,૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment