અંબાલાલ સાકરલાલ
ગાંધી પહેલાના ગાંધી:
અંબાલાલ સાકરલાલ દેસાઈ (૧૮૪૪-૧૯૧૪)
ગાંધી પહેલાના ગાંધી ગણી શકાય પણ ગુજરાતીઓ દ્રારા અવગણાયેલા અંબાલાલ સાકરલાલ દેસાઈનો આજે જન્મદિવસ છે.
જુના ખેડા જીલ્લાના અલીણા ગામે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં તેમનો જન્મ થયો હતો.બી.એ ,એમ.એ થયા ગુજરાતી સમાજમાં તેઓ પહેલા અનુસ્નાતક હતા.વકીલાતનો અભ્યાસ પણ કર્યો,પરંતુ વકીલાત કરવાને બદલે શિક્ષકનો પવિત્ર વ્યવસાય સ્વીકાર્યો .અમદાવાદની સૌથી જૂની કોલેજ ગુજરાત કોલેજમાં પણ અધ્યાપન કાર્ય કર્યુ હતું.
અંબાલાલ સાકરલાલ ગુજરાતમાં આર્થિક રાષ્ટ્રવાદના પ્રણેતા પણ કહેવાય છે.સ્વદેશીને લગતી ઘણી સંસ્થાઓ,સ્વદેશી પ્રદર્શનોમાં તેમનું સીધું યોગદાન રહ્યું હતું.૨૦મા સૈકાના પ્રારંભે મહાત્મા ગાંધી જે વાતો દેશ સમક્ષ કરવાના હતા તેમાંની સ્વદેશી અને વિદેશી બહિષ્કારને લગતી વાતો અને વ્યવહારુ અમલ તેઓ ૧૯મા સૈકાના ઉતરાર્ધમાં જ કરી ચૂકયા હતા.નડિયાદમાં સ્વદેશી મિલની પણ સ્થાપના કરી હતી.સ્વદેશી અને આર્થિક રાષ્ટ્રવાદને પોષતા અનેક લેખો તેઓએ ગુજરાતી સામયિકો અને કલકત્તાથી નીકળતા મોડર્ન રીવ્યુ સામાયિક માટે લખ્યા હતા.સાદાઈ,સંયમ,માતૃભાષાના હિમાયતી અંબાલાલ સાકરલાલ ગુજરાતી સાહિત્ય પરિષદ(૧૯૦૯,રાજકોટ)સહીત અનેક સંસ્થાઓના પ્રમુખ પણ હતા.ગુજરાતની જાહેરજીવનની એક પણ સંસ્થા એવી ન હતી કે જેમાં અંબાલાલ સાકરલાલનું સીધું કે આડક્તરું યોગદાન ન હોય !
ગાંધી પહેલાના આ ગાંધીનું ૧૯૧૪મા ૭૦ વર્ષની વયે અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૫ માર્ચ ૨૦૧૮,અમદાવાદ
Comments
Post a Comment