શાહિર ઉધ્યાનવી
શાહિર લુધ્યાનવી (૧૯૨૧ -૧૯૮૦)
શાયર, ગીતકાર શાહિર લુધ્યાનવીનો આજે જન્મ દિવસ છે. પંજાબનાં લુધિયાનામાં તેમનો જન્મ થયો હતો. જાગીરદાર પિતાએ પુત્રનું નામ અબદુલહયી રાખ્યું કારણકે તેમના રાજ્કીય વિરોધીનું નામ અબ્દુલમયી હતું અને પુત્રના નામનો આશરો લઇ દુશમનને ભરપેટ ગાળો દઈ શકાય.
શાહિર પિતાની ૧૨ બેગમોમાં ૧૧મી બેગમના પુત્ર હતા. શાહિરને બચપણથી જ શેરો-શાયરી અને નાટકોનો ખૂબ શોખ હતો, પણ તેમના પિતાને શાહિરની આ પ્રવૃત્તિઓ લેશમાત્ર પસંદ ન હતી.
૧૯૪૩માં શાહિર લાહોર આવ્યા.તે પહેલાં મેટ્રીકના અભ્યાસ દરમિયાન પોતાનું મૂળનામ અબ્દુલમયી બદલી શાહિર રાખ્યું હતું. લાહોરમાં તેઓ ચાર પત્રિકાઓનું સંપાદન સંભાળતા હતાં જેનાંથી તેમની સર્જનાત્મક શક્તિઓમાં વૃદ્ધિ થઈ હતી.
૧૯૪૯માં ઉજ્જવળ ભાવિની કામના સાથે મુંબઈમાં સ્થાયી થયા. તે પહેલાં 'તલખિયા" અને "પરછાઇયા" સંગ્રહો દ્રારા તેઓ સાહીત્ય જગતમાં જાણીતા બની ચુક્યા હતાં. તેમની શાયરીનો અંદાજ તત્કાલીન સમસ્યાઓ અને આમ ઈન્સાનોની સ્થિતિનું ચિત્રણ છે. તેમના પુસ્તકોના અનેક ભાષાઓમાં અનુવાદો થયા છે.
" આઝાદી કી રાહ "પર ફિલ્મથી પહેલીવાર ફિલ્મી ગીતો લખનાર શાહિર "નવજવાન" ફિલ્મના "ઠંડી હવા લહરા કે આયે" ગીતથી પ્રસિદ્ધ થયાં હતાં. તે પછી તો અહલે દિલ ઔર ભી હૈ,ઇસ તરફ સે ગુજરે થે, કિસીકો ઉદાસ દેખકર,મૈ પલ દો પલ કા શાયર હું, બાબુલ કી દુવાયે લેતી જા,જીનહે હિન્દ પર નાઝ હૈં પર વે કહા હૈં ?, જેવાં સેંકડો સફળ ફિલ્મી ગીતો લખ્યાં. એટલુંજ નહીં ગીતકારો માટે રોયલ્ટીની સુવિદ્યા પણ ઉભી કરાવી.
ફિલ્મી સાથે કોમી સંવાદિતાને લગતા અનેક ગીતો દ્રારા શાહિરે કવિધર્મ બજાવ્યો હતો.
વ્યક્તિગત જીવનમાં તેમણે જેટલું ધ્યાન બીજા પર આપ્યું તેટલું પોતાની જાત પર આપ્યું ન હતું.
આજીવન કુંવારા અને નાસ્તિક શાહિર લુધ્યાનવીનું ૨૫ ઓક્ટો.૧૯૮૦ના રોજ ૫૯ વર્ષની વયે અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,૮ માર્ચ,૨૦૧૮,અમદાવાદ
Comments
Post a Comment