અમૃતલાલ પઢિયાર


સૌરાષ્ટ્રના સાધુ: અમૃતલાલ પઢિયાર (૧૮૭૦..૧૯૧૯)

      ૩ એપ્રિલના દિવસે કમલાદેવી ચટ્ટોપાધ્યાય, જનરલ માણેકશા અને "સૌરાષ્ટ્રના સાધુ "તરીકે બીરદાવાયેલા અમૃતલાલ સુંદરજી પઢિયારનો જન્મદિન છે.
     ચોરવાડ માં જન્મેલા અમૃતલાલે માંડ પાંચમાં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો પણ અપાર જીજ્ઞાસાવૃત્તિ હોવાથી લખવાનો છંદ લાગ્યો હતો. શરૂના કઠિન દિવસોમાં ચણા ફાકીને પણ ગુજરાન ચલાવ્યું હતું. આર્ય વિધવા શીર્ષકથી પુસ્તક પ્રકાશિત કર્યું અને
રૂઢિચુસ્તોનો ખોફ વહોરી લીધો.
       મુંબઇ ગયા ત્યાંજ સ્થાયી થવાનું નક્કી કર્યું. અહી ચોરવાડમાં પિતાએ પુત્રના લગ્નની તૈયારી કરી, અમૃતલાલે મુંબઈથી ના કહેવડાવી, પિતા આઘાત જીરવી ન શક્યા અને મૃત્યુ પામ્યાં.દરમિયાન મુંબઈમાં માંદા પડ્યા અને ચોરવાડ પાછા આવ્યા. વૈદકનો અભ્યાસ કરી વૈદ તરીકે પંકાયા.
        સમાંતરે છાપા અને સામયિકોમાં લેખો લખી લેખક તરીકે પ્રસ્થાપિત થયા.ફરી મુંબઇ ગયા અને શેઠ લક્ષ્મીદાસ ખીમજીને ત્યાં નોકરીએ રહ્યા. શેઠને ત્યાં છાપા વાંચી સંભાળવતા " જામે જમશેદ", "વીસમી સદી", "સમાલોચક", "આર્યપ્રકાશ", "નુરે ઈલમ" અને "ગુજરાતી "જેવાં સામયિકોમાં લેખો લખતા. તેનાં વિસ્તૃત અને સ્વતંત્ર રૂપે "આર્ય વિધવા", "અમૃત વચનો", "મહાપુરુષોના વચનો", "નવા યુગની વાતો", "સંસારમાં સ્વર્ગ" (૧૪ ભાગ) અને "અંત્યજ સ્ત્રોત "જેવાં પુસ્તકો લખ્યાં. તેમાં સંસારમાં સ્વર્ગ અને અંત્યજ સ્ત્રોત જેવાં પુસ્તકો ખાસ્સાં ચર્ચાસ્પદ રહ્યા હતા.
        હું તો ગામડાના લોકો માટે લખું છું તેમ કહેનાર અમૃતલાલનું  નીરક્ષરોમાં ધર્મ અને અધ્યાત્મ વિષયક માહિતી પહોંચાડવામાં મોટું યોગદાન રહ્યું છે.
        ગુજરાતના જ્ઞાનજગતમાં લગભગ અવગણાંયેલા કહી શકાય એવા અમૃતલાલ પઢિયારનું બીજી જુલાઇ ૧૯૧૯ ના રોજ મુંબઈમાં કોલેરાથી અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૩ એપ્રિલ,૨૦૧૮, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ