બિસ્માર્ક
લોહી અને તલવાર : બિસ્માર્ક (૧૮૧૫..૧૮૯૮)
"આજની આપણી સમસ્યાઓનું સમાધાન બૌદ્ધિક ભાષણો, આદર્શવાદ કે બહુમતીના જોરે નહીં,પણ " લોહી અને તલવાર"(blood and iron) ની નીતિથી જ આવી શકશે" આમ કહેનાર અને કરનાર તથા જેમની સરદાર પટેલ સાથે ગેરવ્યાજબી તુલના થાય છે તેવા પ્રિન્સ ઓટોવોન બિસ્માંર્કનોનો આજે જન્મદિવસ છે.
જર્મનીમાં બેડનબર્ગના હૌસેં ખાતે તેનો જન્મ થયો હતો. બિસ્માર્ક કાયદાનો અભ્યાસ કરી પ્રશિયાના નાગરિક અને સૈનિક સેવા વિભાગમાં જોડાયા. ગ્રામીણ જીવન,તરવું, ઘોડેસવારી, શિકાર અને નિશાનબાજી વગેરે તેમના શોખ હતાં.
રાજકીય રીતે બિસ્માર્ક પ્રશિયાનું ધારાસભ્યપદ, રાજદૂત, વિદેશપ્રધાન વગેરે પગથિયાં ચડી જર્મનીના પહેલા ચાંન્સેલર બન્યાં હતાં. બિસ્માર્કનું અત્યંત મહત્વનું યોગદાન તે ૩૯ ટુકડાઓમાં વહેચાયેલા જર્મનીનું એક શક્તિશાળી રાજયમાં સંગઠન. આ માટે ડેન્માર્ક, ઑસ્ટ્રિયા અને ફ્રાન્સ સાથે ભીષણ યુદ્ધો પણ ખેલ્યા.૧૮૭૦..૭૧ માં ફ્રાન્સ સાથે કરેલું યુધ્ધ (ફ્રાંકો.. પ્રશિયન યુદ્ધ) તો સંસારના મોટા યુદ્ધો પૈકીનું એક હતું. ઇતિહાસકારો તો પહેલાં વિશ્વયુદ્ધનો (૧૯૧૪..૧૮) પાયો અહીંથી નંખાયો હોવાનું કહે છે. યુરોપીય રાજકારણમાં કુટીલતારૂપી સોગઠાં ગોઠવી તેણે કરેલું જર્મનીનું એકીકરણ રાજનીતિજ્ઞ તરીકે બિસ્માર્કની મહાન સફળતા હતી.તે માટે ત્રિપક્ષી સંધિઓ દ્વારા યુરોપનું બે જૂથોમાં વિભાજન કરવાની શરૂઆત પણ કરી.
જર્મન સંસદમાં વડાપ્રધાનના નાતે એકહથ્થુ નિર્ણયો લીધા જે ૧૮૯૦ માં સત્તા પર આવેલા નવા શાસક વિલિયમ કૈસર બીજાને માફક ન આવ્યું, તેણે મહાન રાષ્ટ્ર જર્મનીના નિર્માણમાં ગંજાવર યોગદાન આપનાર બિસ્માર્કને રાજીનામું આપવાની ફરજ પાડી.
૩૦ જુલાઇ ૧૮૯૮ ના રોજ ,લૂઇ ૧૪મા અને
નેપોલિયન બોનાપાર્ટ પછીના આ મહાન રાજનીતિજ્ઞનું ૮૩ વર્ષની વયે અવસાન થયું.
તેના કેટલાક વિચારો:
" મૂર્ખાઓ ભૂલોમાંથી શીખે છે, બુદ્ધિશાળીઓ બીજાની ભૂલોમાંથી"
" લોકો ચૂંટણી, યુદ્ધના મેદાનમાં અને શિકાર વખતે સૌથી વધુ જુઠ્ઠ બોલે છે."
"દગાખોર વ્યક્તિ સાથે તેણે કરેલી દગાખોરીથી વધુ દગાખોરી કરો"
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧ એપ્રિલ ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment