બાબાસાહેબ આંબેડકર

                      જય ભીમ :
        ડો.બાબાસાહેબ આંબેડકર(૧૮૯૧-૧૯૫૬)

         "હું કઈ ધૂળનું ઢેફું નથી કે પાણીના પ્રવાહમાં ઓગળી જાઉં ,હું તો ખડક છું જે પાણીને પણ તેનું વહેણ બદલવા ફરજ પાડે "
            આ શબ્દો બોલનાર અને ચરિતાર્થ કરનાર બાબાસાહેબ આંબેડકરનો આજે જન્મદિવસ છે.
           કબીર પંથની પરંપરા,પિતાની લશ્કરી કારકિર્દીનો વારસો,આકાશ જેટલી સમાજ સર્જિત આફતો અને તેની સામે ચટ્ટાનની જેમ ખડા રહેવું આદિ પરિબળોએ આધુનિક ભારતીય ઇતિહાસના આ નાયકનું સર્જન કર્યું હતું.
           "જે ઝાડને ઉગવું હોય તે દીવાલ ફાડીને ઉગી નીકળતું હોય છે "તેવું કહેવતરૂપ જીવન જીવી કરોડો ભારતીયોના જીવનમાં આજે પણ અજવાળું પથારી રહેલા બાબાસાહેબનું જીવન મહાકાવ્ય સમું હતું.
             "મુક્નાયક" અને "બહિષ્કૃત ભારત" જેવા સામયિકો ચલાવવાની વાત હોય,"શુદ્રો કોણ હતા","જાતિ વિચ્છેદ","બુદ્ધ એન્ડ હીઝ ધમ્મ" ,"પ્રોબ્લેમ ઓફ રુપી" અને "થ્રોટસ ઓન પાકિસ્તાન " સરીખા પુસ્તકો લખવાની બાબત હોય  કે મહાડ જળ સત્યાગ્રહ અને નાસિકના કાલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહનું કર્તુત્વ હોય ભીમરાવ પોતાના જમાનાથી ઉફરા ચાલ્યા.
              "સન્માન સાથે જીવતા શીખો,ઊંચી મહત્વાકાંક્ષા રાખો,જે સંઘર્ષ કરે છે તે જ કઈક પ્રાપ્ત કરે છે.નિરાશાનો યુગ આથમી ગયો છે,નુતન યુગનો પ્રારંભ થઇ ચુક્યો છે "જેવી વાણી ઉચ્ચારનાર અને એક સમયે માત્ર દલિતોના નેતા ગણાતા બાબાસાહેબ વિષે આજે ભારત અને વિશ્વમાં અધ્યયન અને સંશોધનો વધી રહ્યા છે અને તે જ તેમની મહત્તા છે .
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧૪ એપ્રિલ ૨૦૧૮, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ