ભોગીલાલ સાંડેસરા
ભોગીલાલ સાંડેસરા (૧૯૧૫-૧૯૯૫)
આજે ૧૩ એપ્રિલ ,જલિયાવાલા હત્યાકાંડ દિવસ અને ગુજરાતના વિદ્યાજગતના મોટા ગજાના વિવેચક,સંપાદક અને ઈતિહાસ સંશોધક ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરાનો જન્મદિવસ છે.
પાટણ પાસે સંડેરમાં જન્મેલા ભોગીલાલ સાંડેસરા મેટ્રિક થઇ સમાચારપત્રોમાં જોડાયા પણ જીવ સંશોધનનો હોવાથી અભ્યાસયાત્રા આગળ વધારી ૧૯૪૧મા ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ અને ૧૯૪૩મા એમ.એ થઇ તે સમયની પ્રતિષ્ઠિત શેઠ ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન અને સંશોધન સંસ્થામાં અધ્યાપક તરીકે જોડાયા.૧૯૫૦મા પીએચ.ડી થયા મહારાજા સયાજીરાવ યુનિ.માં ગુજરાતીના અધ્યાપક અને અધ્યક્ષ બન્યા.
ગુજરાતી,હિન્દી,સંસ્કૃત,અંગ્રેજી,માગધી,અર્ધ માગધી અને પ્રાકુત ભાષાઓના જ્ઞાતા ભોગીલાલ સાંડેસરાએ "ગુજરાતી સાહિત્યમાં વૃતરચના","શબ્દ અને અર્થ ","મહામાત્ય વસ્તુપાળનું સાહિત્ય મંડળ અને સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો","જૈન આગમ સાહિત્યમાં ગુજરાત","પ્રદક્ષિણા","દયારામ","સંશોધનની કેડીએ","અન્વેષણા ",અનુસ્મૃતિ","ઈતિહાસ અને સાહિત્ય ","મુનિ જિનવિજયજી:જીવન અને કાર્ય ","વાઘેલાઓનું ગુજરાત ","જગન્નાથપૂરી અને ઓરિસ્સાના પુરાતન અવશેષો "જેવા ઘણા સંશોધન ગ્રંથો લખ્યા છે.સમ્પાદન ક્ષેત્રે "માધવદાસ કૃત રૂપસુંદરકથા ","સિંહાસન બત્રીસી","સત્તરમાં શતકના પ્રાચીન ગુર્જરકાવ્ય","ગંગદાસપ્રતાપવિલાસ ","હમ્મીર પ્રબંધ "અને "વાસુદેવહીડી"તેમના યોગદાન છે.
ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં પણ તેઓએ પુસ્તકો લખ્યા છે. વસ્તુલક્ષી અને સ્પષ્ટ અભિપ્રાય એ ભોગીલાલ સાંડેસરાના વિવેચન અને સંશોધનનો વિષય રહ્યો છે. ગુજરાતમાં સાહિત્ય અને ઈતિહાસનો આંતર શાસ્ત્રીય મેળ બેસાડવામાં તેમનું મોટું યોગદાન છે.
તેમની સંશોધન પ્રવુંતિઓનું સાહિત્ય પરિષદ અને ઈતિહાસ પરિષદના પ્રમુખ,નર્મદ ચંદ્રક,રણજીતરામ સુવર્ણચંદ્રક એમ અનેક રીતે સન્માન થયું છે.૧૮ જાન્યુ.૧૯૯૫ના રોજ ભોગીલાલ સાંડેસરાનું અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧૩ એપ્રિલ ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment