રણછોડલાલ છોટાલાલ
કાપડ ઉદ્યોગના જનક :
રણછોડલાલ છોટાલાલ (૧૮૨૩-૧૮૯૮)
"અંગેજો આપણા દેશમાંથી કાચો માલ લઇ જાય,ધન ઢસડી જાય અને માત્ર મશીનોના માલિક હોવાથી કાપડ પેદા કરે અને મોંઘાદાટ ભાવે ભારતમાં ઠલવે ,આપણે મશીનો આયાત કરી અહી જ કાપડ ઉત્પાદન ન કરી શકીએ "
પરાધીન ભારતમાં આ પ્રકારની વિચારણા સાથે એક યુવાને ભારતમાં કાપડ મિલ સ્થાપવાનું બીડું ઉઠાવ્યું અને સાર્થક કર્યું .આ યુવાન ઉદ્યોગપતિ નામે રણછોડલાલ છોટાલાલનો આજે જન્મદિવસ છે.ડાકોરમાં જન્મ થયો હોવાથી માતા-પિતાએ નામ રણછોડ રાખ્યું .
૨૦ વર્ષ સુધી જકાત અને દફતર ખાતાઓમાં નોકરી કરી.સમાચારપત્રો,પુસ્તકો અને નિષ્ણાતો પાસેથી જ્ઞાન લઇ કાપડ મિલનું પ્રયોજન કર્યું તે માટે બ્રિટનથી મશીનરી મંગાવી પણ ભારત આવતા પહેલા ખંભાતના દરિયામાં ડૂબી ગઈ અને ઈજનેર પણ કોલેરામાં મૃત્યુ પામ્યો છતાં હિંમત હાર્યા વગર પ્રયત્નો ચાલુ રાખ્યા અને ૨૬ મેં ૧૮૬૧ના રોજ " અમદાવાદ સ્પીનીંગ એન્ડ વિવિંગ મિલ કંપની "શાહપૂરમાં શરુ કરી.અને ભાવિ માન્ચેસ્ટરનો પાયો નાંખ્યો .અમદાવાદમાં મીલમાલિકોનું મંડળ સ્થાપી તેના પ્રમુખ પણ બન્યા હતા.
રણછોડલાલ અમદાવાદ મ્યુનિ.ના પ્રમુખ તરીકે પણ નિયુક્ત થયા હતા.પ્રમુખ તરીકે ૧૮૮૨મા લોકોના ઘર સુધી પાણી પહોચાડવાની વ્યવસ્થા ઉભી કરી હતી.તે પહેલાં અમદાવાદના રૂઢિચસ્ત સમાજનો ખોફ પણ સહન કર્યો હતો.ઉદ્યોગપતિ ઉપરાંત અમદાવાદના જાહેરજીવન અને સામાજિક સંસ્થાઓમાં પણ તેઓ સક્રિય રહ્યા હતા.
અમદાવાદમાં એક દાનવીર તરીકે મહિલા દવાખાનું ઉભું કરી ત્યાં મહિલા ડોક્ટરની પણ સુવિદ્યા કરી હતી.
૧૯મા સૈકાના આ મહાન ઉદ્યોગપતિ ઊંચી મહત્વાકાંક્ષા,પાકી ગણતરી અને પદ્ધતિસરની કાર્યયોજનાનું જવલંત ઉદાહરણ હતા.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૩ એપ્રિલ,૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment