નીલમ સંજીવ રેડ્ડી
રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી (૧૯૧૩-૧૯૯૬)
આજે ભારતના બે પૂર્વ રાષ્ટ્રપતિઓ ,અનુક્રમે ફકરુદીન અલી એહમદ અને નીલમ સંજીવ રેડ્ડીનો જન્મદિવસ છે.
નીલમ સંજીવ રેડ્ડીનો જન્મ જુના મદ્રાસ પ્રાંતના અનંતપુરમાં થયો હતો.શરૂનું શિક્ષણ અને કોલેજ અનંતપુરમાં કરી.૧૯૨૯મા મહાત્મા ગાંધીની અનંતપુરની મુલાકાત પછી ભણતર છોડી સત્યાગ્રહમાં જોડાયા.
૧૯૪૨ના હિન્દ છોડો અન્દોલનમાં ભાગ લઇ જેલવાસ પણ ભોગવ્યો.દરમિયાન નીલમ સંજીવ રેડ્ડીની રાજકીય વિકાસયાત્રા પણ ચાલુ હતી.૧૯૪૬ માં મદ્રાસ લેજીસ્લેટીવ એસેમ્બલીના સભ્ય બન્યા.આન્ધ્રપ્રદેશના પહેલા મુખ્યમંત્રી(૧૯૬૨-૬૪),બે વાર લોકસભાના સ્પીકર(૧૯૬૭-૬૯), કેન્દ્ર સરકારમાં મંત્રી,કોંગ્રેસના પ્રમુખ(૧૯૬૦-૬૨)અને ભારતના રાષ્ટ્રપતિ એ શ્રી રેડ્ડીનો પોલીટીકલ ગ્રાફ હતો.લોકસભાના સ્પીકર થતા જ તેઓએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય તરીકેથી રાજીનામું આપી દીધું હતું.
પહેલીવાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પરાજિત થતા સક્રિય રાજકારણ છોડી માદરે વતન ચાલ્યા ગયા પણ કટોકટીના ગાળામાં જયપ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાંતિના આહવાન પછી રાજનીતિમાં પુન:સક્રિય થયા.મોરારજી સરકારમાં સ્પીકર અને ૨૫ જુલાઈ ૧૯૭૭ થી ૨૫ જુલાઈ ૧૯૮૨ દરમિયાન જનતા પક્ષના ઉમેદવાર તરીકે ભારતના છઠા રાષ્ટ્રપતિ બન્યા .
તેમના રાષ્ટ્રપતિકાળ દરમિયાન મોરારજી દેસાઈ,ચરણસિંહ અને ઇન્દિરા ગાંધી એમ ત્રણ વડાપ્રધાનો આવ્યા હતા. તે સમયે તેઓ ભારતના સૌથી યુવા રાષ્ટ્રપતિ હતા.
તેમના સ્થાનિક અને રાષ્ટ્રીય રાજકારણની બે મોટી ફલશ્રુતિ એટલે નાગાર્જુન સાગર બંધનો પ્રારંભ અને અનુસુચિત જાતિ અને જનજાતિ સમિતિઓની રચના. રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીનું ૧ જુન ૧૯૯૬ના રોજ ૮૩ વર્ષની વયે બેંગ્લોરમાં અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧૩ મે ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment