શંભાજી મહારાજ
શિવાજીપુત્ર શંભાજી (૧૬૫૭-૧૬૮૯)
આજે સમાજવાદી વિચારક રોબર્ટ ઓવન, લેખક રફીક હુસૈન અને શંભાજી મહારાજનો જન્મદિવસ છે.
શિવાજીના ત્રણ પત્નીઓ પૈકીના પહેલા પત્નીના આ પુત્રનો જન્મ પુરન્દરમાં થયો હતો.જન્મના બે વર્ષમાંજ માતાનું અવસાન થતા તેમનો ઉછેર માતા જીજાબાઇએ કર્યો હતો.તેઓ હુલામણા નામ "છવા" (શાવક)એટલે કે "સિંહનું બચ્ચું "તરીકે પણ ઓળખાતા હતા.
શિવાજીના ઔરગઝેબ સાથેના સંઘર્ષમાં તેઓ મરાઠા સૈન્યની કરોડરજ્જુ હતા તેથી ઔરગઝેબે જ્યાં સુધી સંભાજી ન પકડાય ત્યાં સુધી માથા પર તાજ ધારણ નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
શિવાજીના મૃત્યુ પછી રાજકીય કાવાદાવાઓમાં રાજારામ શાસક બન્યા પણ ટૂંક જ સમયમાં મરાઠા સરદારોની મદદથી ૧૦ જાન્યુ.૧૬૮૧ ના રોજ તેઓ છત્રપતિ બન્યા.પોર્ટુગીઝો અને દગાખોર સ્થાનિક દુશ્મનોને હંફાવી દીધા.પરંતુ સ્થાનિક વતનદારની મુઘલ સેના સાથે મિલીભગતથી સંભાજી ઔરગઝેબ સાથેનું યુદ્ધ હાર્યા ,ઔરંગઝેબે એક મહિના સુધી તડપાવી તેમની જીભ કાપી આંખો ફોડી શરીરના ટુકડા કરી તુલાપુરની નદીમાં ફેંકી દીધા.
શંભાજીને મારતા પહેલા ઔરંગઝેબે કહેલું કે શંભાજી મારા ચારમાંથી એક છોકરો તારા જેવો હોત તો આખું હિન્દુસ્તાન મુઘલો હસ્તક હોત !
આમ માત્ર ૩૧ વર્ષની વયે શંભાજીની રાજકીય કારકિર્દીનો કરુણ અંત આવ્યો.તેમના બલિદાનનો મહિનો મહારાષ્ટ્રમાં "ધર્મવીર બલિદાન માસ" તરીકે ઉજવાય છે અને ઘણા લોકો એ દિવસોમાં પોતાને પ્રિય હોય તેવી બાબતનો ત્યાગ કરે છે.
૯ ભાષાઓ જાણતા શંભાજીએ બુદ્ધભૂષણ ,નખશીખ અને નાયિકાભેદ-સાત સાતક જેવા પુસ્તકો પણ લખ્યા છે.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧૪ મે ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment