સુખદેવ થાપર
મેરા રંગ દે બસંતી ચોલા:
સુખદેવ થાપર (૧૯૦૭..૧૯૩૧)
ખૂલ્લી આંખે ભારતની આઝાદીનું સ્વપ્ન સેવનાર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની ક્રાંતિકારી ત્રિપુટી પૈકીના એક સુખદેવ થાપરનો આજે જન્મદિવસ છે.
પંજાબમાં લુધિયાણામાં જન્મેલાં સુખદેવના પિતાનું બચપણ માં જ અવસાન થતાં તેમનો ઉછેર કાકાએ કર્યો હતો. બાલ્યાવસ્થાથી જ અંગેજોના ભારતીયો પરના અત્યાચારો જોઈ રહેલાં સુખદેવ "યહ શિર જાવે તો જાવે પર આઝાદી ઘર આવે"આવેની ક્રાંતિકારી ભાવના સાથે જીવતાં હતાં.
યુવાનીમાં તેઓ લાહોરમાં નેશનલ કોલેજમાં ભગતસિંહના સહાધ્ધાયી હતાં. કોલેજમાં તેઓ રાષ્ટ્રવાદી હેતુથી ભારતનો ઇતિહાસ પણ ભણાવતાં હતાં. ક્રાંતિકારી સંગઠનો જેવાં કે હિન્દુસ્તાની સોસ્યાલિસ્ટ રિપબ્લિક એસોસીએશન, નવજવાન ભારત સભા, ભારતીય સ્વતત્રતા અભિયાન, વગેરેના સુખદેવ સક્રિય સભ્ય હતા.
લાલા લજપતરાયની હત્યા પછી લાહોર કાવતરાં કેસ અને એસેમ્બ્લી બોંબ કેસમાં પણ તેઓ સક્રીય રીતે જોડાયેલા હતા. આ કેસો તથા અન્ય ક્રાંતિકારી ગતિવિધિઓ બદલ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ને ફાંસીની સજા કરવામાં આવી હતી.
૨૩ માર્ચ ૧૯૩૧ ના રોજ સાંજે સાડા સાત વાગ્યે ક્રાંતિકારી ત્રિપૂટી ને ફાંસી આપી, કેરોસીન છાંટી સળગાવી તેમનાં અસ્થિઓ સતલજ નદીમાં ફેંકી દીધા હતા. ફાંસી પહેલાં સુખદેવે ગાંધીજીને પત્ર લખી"ગાંધી.. ઇરવિન કરાર" પછી થયેલી સમાધાનની શરતો સામે ગંભીર સવાલો કર્યા હતા.
પોતાની શહીદી દ્વારા લાખો યુવાઓને દેશહિત માટે જાગૃત કરનાર અને આજે પણ યુવાનોના આદર્શ બની રહેનાર ક્રાંતિકારી ત્રિપુટીનો ફાંસીનો દિવસ" શહીદ દિવસ" તરીકે મનાવાય છે.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧૫ મે ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment