જી.એસ. સરદેસાઈ
રિયાસતકાર :જી.એસ.સરદેસાઈ (૧૮૬૫-૧૯૫૯)
મરાઠા ઇતિહાસના નિષ્ણાત ઇતિહાસકાર જી.એસ.સરદેસાઈનો આજે જન્મદિવસ છે.આખુંનામ ગોવિંદ સખારામ સરદેસાઈ અને જન્મ મહારાષ્ટ્રના રત્નાગીરી જીલ્લાના હાંસોલ ગામે થયો હતો.
સરદેસાઈએ હાંસોલ અને રત્નાગીરી,પુનામાં શરૂનું શિક્ષણ મેળવી મુંબઈ યુનિ.માંથી વિનયન સ્નાતકની પદવી મેળવી હતી.સ્નાતક પછી વડોદરાની ગાયકવાડી સરકારમાં કારકુન,હિસાબનીશ,રાજકુમારોના ટ્યુટર એવા પદો પર ૩૬ વર્ષ નોકરી કરી હતી.
દરમિયાન મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથે ચાર વાર વિદેશયાત્રા પણ કરી હતી.સરદેસાઈએ લેખન કારકિર્દીનો પ્રારંભ મેકિયાવેલીના "પ્રિન્સ"પુસ્તકનો "રાજધર્મ"નામે સીલીના પસિદ્ધ ગ્રંથ "એક્સપાન્સન ઓવ ઇંગ્લેન્ડ "નો ઇંગ્લેન્ડ દેશા ચા વિસ્તાર "નામે અનુવાદો કરીને કરી હતી.
તે પછી પોતાની સંશોધન ક્ષમતા દેખાડતા મુસલમાની રિયાસત(૨ ભાગ),મરાઠી રિયાસત (૮ ભાગ,૩૮૦૦ પાના ),બ્રિટીશ રિયાસત (૨ ભાગ),ઐતિહાસિક વંશાવળી,ન્યુ હિસ્ટરી ઓવ મરાઠાઝ ,મૈઈન કરન્ટ ઓવ મરાઠા હિસ્ટરી,પેશ્વા દફતરનું સંકલન,પુના રેસીડેન્સી કરસપોન્ડંસ જેવા ગ્રંથો લખ્યા અને સંપાદિત કર્યા.સરદેસાઈએ ઈતિહાસકારોમાં અપવાદરૂપ ગણાય એવી "માંઝી સંસારયાત્રા"નામે આત્મકથા પણ લખી છે.
મહાન ઇતિહાસકાર જદુનાથ સરકાર સાથેનો તેમનો એકપણ અંગત વાત વિનાનો,શુદ્ધ સંશોધનાત્મક અભિગમવાળો ૧૩૦૦ પત્રોનો પત્રવ્યવહાર પણ પ્રકાશિત થયો છે.
ગોવિંદ સખારામ સરદેસાઈના સંશોધન કાર્યનું રાવ બહાદુર(૧૯૪૬),ભારત ઈતિહાસ પરિષદના પ્રમુખ(૧૯૫૧),ઈતિહાસ માર્તંડ,પુના યુનિ.દ્રારા ડી.લિટ્ટ (૧૯૫૧)અને પદ્મભૂષણ(૧૯૫૭) એમ વિવિધ રીતે સન્માન થયું હતું.
પોતાને સતત શ્રમ કરનાર અને સંકલનકાર તરીકે જ ઓળખાવતા જી.એસ સરદેસાઈનું ૨૯ નવે.૧૯૫૯ના રોજ અવસાન થયું હતું.તે દ્રારા ઈતિહાસકારો લાંબુ જીવતા હોય છે તે વાતને સાચી ઠેરવી હતી.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧૭ મે ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment