નિરંજન ભગત
હું તો બસ ફરવા આવ્યો છું :
નિરંજન ભગત (૧૯૨૬-૨૦૧૮)
વિદ્યાર્થીપ્રિય અધ્યાપક,ભગત સાહેબના હુલામણા નામથી પંકાયેલા અને આપણી ભાષાના મોટા ગજાના કવિ-વિવેચક શ્રી નિરંજન નરહરિલાલ ભગતનો આજે જન્મદિવસ છે.
અમદાવાદમાં જન્મેલા નિરંજન ભગતે અમદાવાદ અને મુંબઈથી શિક્ષણ લીધું હતું.૧૯૪૨ના હિન્દ છોડો આન્દોલનના જુવાળમાં અભ્યાસ છોડ્યો,૧૯૪૪મા મેટ્રિક,૧૯૪૮મા વિનયન સ્નાતક અને ૧૯૫૦મા અમદાવાદથી અનુસ્નાતક થયા.૧૯૫૦ થી ૧૯૮૬ સુધી અમદાવાદની કોલેજોમાં અધ્યાપન કાર્ય કર્યું.
અધ્યાપક તરીકે ભગત સાહેબે જે વિદ્યાર્થીપ્રિયતા પ્રાપ્ત કરી છે તે બહુ ઓછા અધ્યાપકોને મળી છે.શરૂમાં વર્તમાનપત્રોમાં સાહિત્ય વિભાગનું અને "ગ્રંથ"સામયિકનું સંપાદન કાર્ય પણ કરતા હતા.
સાહિત્યસર્જન ક્ષેત્રે
છંદોલય,કિન્નરી,અલ્પવિરામ,૩૩ કાવ્યો,આધુનિક કવિતા :કેટલાક પ્રશ્નો,સ્વાધ્યાયલોક ,યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા,ન્હાનાલાલની ઊર્મિ કવિતા,કવિતા કાનથી વાંચો,મીરાબાઈ,એલિયેટ ,બ.ક ઠાકોર અધ્યયન ગ્રંથ,સુન્દરમ કેટલાક કાવ્યો,મૃદુલા સારાભાઇ પ્રથમ પ્રત્યાઘાત:બાપુની બિહાર યાત્રા ,ચિત્રાંગદા ,ઓડેનના કાવ્યો વગેરે તેમના કવિતા,વિવેચન,સંપાદન અને અનુવાદ ક્ષેત્રે પ્રદાનો છે.
નિરંજન ભગતે થોકબંધ નથી લખ્યું પણ તેમના સર્જનો ગુજરાતી સાહિત્યનું ભારતીય અને વૈશ્વિક સાહિત્યમાં પ્રતિનિધિત્વ કરે છે.
તેમના યોગદાનને ધ્યાને લઇ ગુજરાતી સાહિત્યમાં કવિતા ક્ષેત્રે નિરંજન-રાજેન્દ્ર (શાહ)યુગ પણ અસ્તિત્વમાં છે.નિરંજન ભગતના યોગદાનનું કુમાર ચંદ્રક,નર્મદ ચંદ્રક,પ્રેમાનંદ સુવર્ણચંદ્રક રણજીતરામ સુવર્ણચંદક નરસિહ મહેતા પુરસ્કાર ,સાહિત્ય અકાદમી પુરસ્કાર ,સાહિત્ય અકાદમી દિલ્હીના સલાહકાર સમિતિના સભ્ય અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ એમ અનેક રીતે સન્માન થયું છે.
પસિદ્ધિની ઝાકમઝોળથી જોજનો દુર રહી માત્ર સાહિત્ય પદાર્થની ખેવનામાં મસ્ત રહેલા આપણી ભાષાના શ્રેષ્ઠતમ સાહિત્યકાર ભગત સાહેબનું ૧ ફેબ્રુ.૨૦૧૮ના રોજ ૯૧ વર્ષની વયે અવસાન થયું હતું.
"હું તો બસ ફરવા આવ્યો છું,
હું ક્યાં એકે કામ તમારું કરવા આવ્યો છું."
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧૮ મે ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment