રાજા રામમોહનરાય
ભારતીય નવજાગરણના જનક :
રાજા રામમોહનરાય (૧૭૭૨-૧૮૩૩)
"૯ વર્ષના બાળકના મોટાભાઈ જગમોહનનું અવસાન થયું ઘરમાં રોકકળની સાથે પરિવારજનો ભાભી અલકમંજરીને સોળે શણગાર સજાવી રહ્યા હતા.સતીમાતાની જયના પોકારો સાથે સહુ સ્મશાન ગયા અલકમંજરીને રીતસર ચિતા પર ચડાવી સતી કરી દીધી .બાળક વિચારે છે આ સ્વેચ્છિક સતી નહિ હત્યા જ છે .અને આવી ક્રૂર ,અમાનવીય પ્રથાને નાબુદ કરવાનું મનમાં નક્કી કરી લીધું ."
આ બાળક એટલે રાજા રામમોહનરાય અને આજે તેમનો જન્મદિવસ છે.તેમને રાજાનું બિરુદ મુઘલ બાદશાહ અકબર બીજાએ આપ્યું હતું.
બંગાળના હુગલી જીલ્લાના રાધાનગર ગામે તેઓનો જન્મ થયો હતો.અરબી.ફારસી,સંસ્કૃત અને બંગાળીનો વિશદ અભ્યાસ કર્યો."આત્મીય સભા"(૧૮૧૫)અને "બહ્મોસમાજ" (૧૮૨૮)જેવી સંસ્થાઓ સ્થાપી,"મીરાં-ઉલ-અખબાર" અને "સંવાદ કૌમુદી" જેવા અખબારો ચલાવ્યા ,વેદ-ઉપનિષદોનું બંગાળીમાં ભાષાંતર કર્યું.
બાળલગ્નો,બહુપત્નીત્વ ,સતીપ્રથા,જાતિવાદ અને કર્મકાંડો વિરુદ્ધ વિચારો વ્યક્ત કર્યા .આ બધા દ્રારા બંગાળના સમાજમાં સામાજિક ચેતનાની જબરદસ્ત લહેર પ્રસરાવી.તેમના પ્રયત્નો અને ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેંટીકના માનવતાવાદી અભિગમથી ૪ ડિસે.૧૮૨૯ના રોજ ઉચ્ચ વર્ણીય સ્ત્રીઓમાં પ્રચલિત સતીપ્રથા કાયદા દ્રારા નાબુદ થઇ .
ઇંગ્લેન્ડની રાણીને પત્ર લખી સંસ્કૃત અને ઉર્દુને બદલે અંગ્રેજીમાં શિક્ષણ આપવાની વકીલાત કરી.રામમોહનરાયના સુધારાવાદી અભિગમને રૂઢિચુસ્તો હિંદુ ધર્મ સામેનું કાવતરું અને તેમના પર ખ્રિસ્તી બની ગયા હોવાનું આળ મુક્યું હતું.પરતું ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ ખાતે ૨૬ સપ્ટે.૧૮૩૩ના રોજ આધુનિક ભારતના પિતા રાજા રામમોહનરાયનું અવસાન થયું ત્યારે તેમનો છેલ્લો શબ્દ "ઓમ"હતો.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૨ મે ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment