કરતારસિંહ સરાભા
કરતારસિંહ સરાભા:(૧૮૯૬..૧૯૧૫)
"તેરી ખિદમત મૈ યે ભારત ! યે સર જાયે યે જા જાયે,
તો સમજુંગા કિ મરના હૈ હયાતે.. જાદવા મેરા"
આ પંક્તિઓના સર્જક અને પરદેશમાં રહી ભારતની આઝાદી માટે બલિદાન આપનાર યુવા ક્રાંતિકારી કરતારસિંહ સરાભાનો આજે જન્મદિવસ છે.
પંજાબના લુધિયાણા જિલ્લાના સરાભા ગામે જન્મેલા કરતારસિંહના પિતાનું બચપણમાં જ અવસાન થયું હતું.કરતારસિંહ ને નાનપણમાં મિત્રો અફલાતૂન" કહી બોલાવતા હતા.
સરાભા, લુધિયાણા, ઓરિસ્સામાં શરૂનું શિક્ષણ લઈ ૧ જાન્યુ.૧૯૧૨ ના રોજ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાની બર્કલ યુનિ.માં રસાયણ શાસ્ત્રમાં દાખલ થયા હતા. ત્યાં પંજાબી હોસ્ટેલમાં રહેતાં લાલા હરદયાલના પ્રભાવમાં આવી ગદર પક્ષની નેતાગીરી સંભાળી.ચાર.. ચાર ભાષાઓમાં "ગદર " પત્ર ચલાવ્યું. અમેરિકામાં વસતાં ભારતીયોમાં આઝાદી માટે કુરબાનીનું જોશ ભર્યું.
પ્રથમ વિશ્વયુદ્ધના સાનુકૂળ સંજોગોમાં સશસ્ત્ર વિદ્રોહની યોજના બનાવી તેને આંતરરાષ્ટ્રિય સ્વરૂપ આપ્યું. ગદરમાં તેમનું સ્થાન લોકનાયક જેવું હતું. હજારો ગદર અનુયાયીઓને ભારતમાં અંગ્રેજો સામે હિંસક સંગ્રામ કરવા ભારત આવવા પ્રેર્યા, પોતે પણ શ્રીલંકાના રસ્તે કોલકાતા પહોંચ્યા.
૨૧ ફેબ્રઆરી ૧૯૧૫ ના રોજ ભારતમાં ગદર ની તેમની યોજના ખુલ્લી પડી ગઈ. સરાભાને દગાથી પકડવામાં આવ્યા. સરાભા સાથે ૨૪ ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી.૧૬ નવે.૧૯૧૫ ના રોજ તેમને ફાંસી અપાઇ તે પહેલાં ખાઈ.. પી વજન વધારી કવિતાઓ ગાતાં હસતે મુખે ફાંસીના માચડે લટકી ગયા.
ભગતસિંહ તો કરતારસિંહ થી એટલાં પ્રભાવિત હતાં કે તેમનો ફોટો ખિસ્સામાં રાખતા હતા.
અરુણ વાઘેલા
સૌજન્ય; દિવ્ય ભાસ્કર,૨૪ મે ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment