મૃદુલા સારાભાઈ
મૃદુલાબેન સારાભાઇ (૧૯૧૧-૧૯૭૪)
અમદાવાદ,ગુજરાત અને ભારતના સમાજજીવનમાં સારાભાઇ પરિવારનું યોગદાન સુવિદિત છે.આજે સારાભાઇ પરિવારના મૃદુલાબેન સારાભાઈનો જન્મદિન છે.ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈના ત્યાં તેમનો જન્મ થયો હતો.
શ્રીમંત ઘરમાં ભારતીય અને યુરોપિયન શિક્ષકોને રોકી ઘર માં જ મૃદુલાબેનને શિક્ષણ અપાતું.દરમિયાન મહાત્મા ગાંધીના પ્રભાવમાં આવ્યા અને કોલેજ શિક્ષણ માટે તાજી સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા.
૧૯૩૦મા મીઠાના સત્યાગ્રહ શરુ થતા મૃદુલાબેને ભણતર છોડી તેમાં ઝુકાવ્યું,વાનરસેના (બાળ સત્યાગ્રહીઓ)ના સભ્ય અને નેતા બન્યા.તે પછી તો સ્વદેશી,બહિષ્કાર,ખાદી,પીકેટીંગ જેવી ગાંધીવાદી રચનાત્મક પ્રવુતિઓમાં પણ યોગદાન આપ્યું.હિન્દી રાષ્ટ્રીય મહાસભાના મહિલા મોરચામાં નેતૃત્વ કર્યું.સવિનય કાનુન ભંગ અને હિન્દ છોડો તથા બીજી નાની લડતોમાં ભાગ લઇ ઘણી વાર જેલવાસ ભોગવ્યો હતો.
આઝાદી પહેલા તેમની નિમણુક કોંગ્રેસના મહામંત્રી તરીકે થઇ હતી પરંતુ દેશમાં કોમી દાવાનળ ફાટી નીકળતા મૃદુલાબેન ત્યાંથી રાજીનામું આપી ગાંધીના પગલે કોમી એખલાસ માટે નીકળી પડ્યા .ભાગલા વખતના કોમી ઐક્યના તેમના પ્રયાસો ભારત ઉપરાંત પાકિસ્તાનમાં પણ વખણાયા હતા.
મૃદુલાબેન સારાભાઈએ જ્યોતિસંઘ અને વિકાસગૃહ જેવી સ્ત્રી ઉત્કર્ષની સંસ્થાઓમાં પણ માતબર યોગદાન આપ્યું હતું.
૨૭ ઓક્ટોબર ૧૯૭૪ના રોજ તેમનું અવસાન થયું હતું.તેમના જીવન અને કાર્યને પ્રમાણતું "રિબેલ વિથ કોઝ"નામે પુસ્તક અપર્ણા બાસુએ લખ્યું છે.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૬ મે ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment