વિદ્યાબેન નીલકંઠ
પહેલાં મહિલા સ્નાતક:
વિદ્યાગૌરી નીલકંઠ (૧૮૭૬..૧૯૫૮)
આજે જુનનો પહેલો દિવસ અને ગુજરાતી મહિલાઓમાં પહેલાં સ્નાતક વિદ્યાગૌરી નીલકંઠ,અભિનેત્રી નરગીસ અને તદ્દન અજાણ્યા પણ ગાંધીજીના રચનાત્મક કાર્યકર અને આઝાદીના સૈનિક શ્રીમતી દંડાબેન ચૌધરીનો જન્મદિવસ છે.
અમદાવાદમાં જન્મેલા વિદ્યાબેનના લગ્ન માત્ર ૯ વર્ષની વયે રમણભાઈ નીલકંઠ સાથે થયાં હતાં. તેમનું પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં થયું હતું.૧૯૦૧ માં તેઓ ગુજરાત કોલેજમાંથી બહેન શારદાબેન મહેતા સાથે વિનયન સ્નાતક થયાં ત્યારે તે ગુજરાતી સમાજમાં ઐતિહાસિક ઘટના બની હતી. વિદ્યાબેન મોરલ ફિલોસોફી અને લોજીક જેવાં વિષયો સાથે સ્નાતક થયા હતા.
ગુજરાતી સમાજમાં સ્વભાવિકપણે આટલું ભણેલી મહિલાઓ તે સમયે ન હોવાથી તેમણે નેતાગીરીની કમાન પણ સંભાળી હતી.૧૯૦૨ માં અમદાવાદમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું અધિવેશન યોજાયું ત્યારે તેમણે મંચ પરથી વંદે માતરમ્ ગીત ગાયું હતું. તે પછી તો ગુજરાતની પ્રત્યેક મહિલા અને જાહેરજીવનની પ્રવૃતિમાં વિદ્યાબેનનું પ્રત્યક્ષ કે પરોક્ષ યોગદાન રહ્યું હતું.
વડોદરામાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવે શનમાં તેઓ પરિષદના પહેલા મહિલા પ્રમુખ બન્યાં હતાં. અને અહી ગુજરાત યુનિ. સ્થાપવી જોઈએ તેવો મજબૂત ઠરાવ થયો હતો.
વિદ્યાબેને ફોરમ,ગૃહદીપિકા, નારીકુંજ, જ્ઞાનસુધા, ઘોડું કેશવ કર્વનું જીવનચરિત્ર જેવાં મૌલિક પુસ્તકો અને હિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સ્થાન જેવું અનુવાદના પુસ્તક લખ્યા છે.
ગુજરાતી સમાજના આ આરંભના મહિલા સમાજ સુધારક,શિક્ષણકાર અને લેખિકાનું ૭ ડીસે.૧૯૫૮ નાં રોજ ૮૨ વર્ષની ઉંમરે અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧ જૂન ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment