મેઝીની
ઇટાલિયન રાષ્ટ્રવાદના પયગંબર :
ગ્યુસેપ મેઝીની (૧૮૦૫-૧૮૭૨)
ઇટાલીની એકતા (૧૮૭૦-૭૧)ના પ્રણેતા અને આધુનિક ઇટાલીના જન્મદાતા ગ્યુસેપ મેઝીનીનો આજે જન્મદિવસ છે.બચપણથી જ દયાળુ સ્વભાવ ધરાવતા ગ્યુસેપનો જન્મ ઇટાલીના જેનોઓમાં થયો હતો. મેઝીનીના પિતા દાકતર હતા.
યુરોપમાં ઇટાલી અનેક ટુકડાઓમાં વહેચાયેલું અને ભૌગોલિક અભિવ્યક્તિ માત્ર કહેવાતું હતું ત્યારે મેઝીનીએ ઇટાલીની એકતા અને આઝાદીનું સ્વપ્ન સેવ્યું હતું.તેઓ પોતે સ્થાપેલી "તરુણ ઇટાલી:સંસ્થાના સભ્યોને કહેતા કે "પ્રાચીન કાળથી આપણો પ્રદેશ ઇટાલી તરીકે ઓળખાય છે,આપણી સરહદો પ્રાકૃતિક અને બિલકુલ સ્પષ્ટ છે,આપણી ભાષા,ઈતિહાસ અને સંસ્કૃતિ યુરોપને અલંકૃત બનાવે છે છતાં આપણી પાસે રાષ્ટ્રધ્વજ નથી યુરોપના દેશોમાં આપણું કોઈ રાજનૈતિક અસ્તિત્વ નથી,વિદેશીઓ આપણને ગુલામ રાખે છે "
આ સ્થિતિમાંથી ઇટાલીને બહાર કાઢવા તેણે તરુણ ઇટાલીના સભ્યોને ત્યાગ અને બલિદાનનો મંત્ર અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખો,એકતા રાખો અને ઇટાલીને મુક્ત કરો જેવું સૂત્ર આપ્યુ..હજારોની સંખ્યામાં યુવાઓ આ સંસ્થામાં જોડાયા.
ઈટાલીમાં રાષ્ટ્રીય ચેતના જગાવવા બદલ મેઝીની એ દેશનિકાલ અને અનેકવાર જેલમાં પણ જવું પડ્યું .ઇટાલીના યુવાનો પર તેનો એવો તો જબરો પ્રભાવ હતો કે ઇટાલિયન યુવાનો મેઝીની માટે જાનન્યોચ્છાવર કરવા તૈયાર રહેતા હતા.
મેઝીનીના પ્રયત્નો અને પાછળથી કાવુર અને ગેરીબાલ્ડીના સહયોગથી ઇટાલી વિદેશીઓની ધૂંસરીમાંથી મુક્ત થયું હતું.
૧૦ માર્ચ ૧૮૭૨ના રોજ ઇંગ્લેન્ડ જતા રસ્તામાં અત્યંત ઠંડી લાગતા એક મિત્રના ઘરે તેમનું અવસાન થયું હતું.
મેઝીનીના વિચારો અને તરુણ ઇટાલી સંસ્થાથી ભારતમાં લાલા લજપતરાય સમેત સેંકડો યુવાનો પ્રભાવિત થયા હતા . લાલાજી એ તો તરુણ ઇટાલી સંસ્થામાંથી પ્રેરણા ઝીલી "તરુણ ભારત"સંસ્થા બનાવી હતી.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૨ જૂન ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment