લક્ષ્મીકુમારી ચૂડાવત
લક્ષ્મીકુમારી ચુડાવત (૧૯૧૬-૨૦૧૪)
"ફોઝ્માં નગારા અને વાર્તામાં હોંકારા -અર્થાત લશ્કરને પોરસાવવા માટે નગારા વગાડવા પડે છે તેમ વાર્તા સંભળાવતી વખતે શ્રોતાઓ હોંકારો ન ભરે તો વાર્તા કથવાની મજા મારી જાય છે "
આ વાત લક્ષ્મીકુમારી ચુંડાવતે કહી હતી. આજે તેમનો જન્મદિવસ છે .સાહિત્યકાર અને રાજકારણી લક્ષ્મીકુમારીનો જન્મ મેવાડમાં દેવગઢ ઠીકાનામાં થયો હતો.
તેમનો પહેલો પરિચય ક્રાંતિકારી મહિલા તરીકે છે.રાજસ્થાન જેવા સામંતશાહી પ્રદેશમાં આઝાદી પછી ઘૂંઘટ છોડી ,સમાજની નારાજગી વહોરી રાજનીતિમાં પ્રવેશનાર તેઓ પહેલા મહિલા હતા.રાજસ્થાન વિધાનસભાના સભ્ય,રાજ્યસભાના સભ્ય અને રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ વગેરે તેમની રાજકીય વિકાસયાત્રા હતી.
તેમનો બીજો પરિચય લેખિકા તરીકેનો છે.તેઓ જાતે ઉર્દુ અને અંગ્રેજી તથા મોટર ચલાવતા શીખ્યા હતા.ઇનામી સ્પર્ધાઓ અને અખબારોથી લેખન શરુ કરનાર લક્ષ્મીદેવી એ ફ્રોમ પર્દા ટુ દિ પીપલ,ફોકલોર ઓવ રાજસ્થાન,સક્ષિપ્ત રાજસ્થાન,મુમાલ,દેવનારાયણ બગદાવત મહાગાથા,લેનિન કી જીવની,હિન્દુસ્તાન કે ઉસ પાર ,રાજસ્થાન કે રીતિ રીવાજ,શાંતિ કે લિયે સંઘર્ષ જેવા પુસ્તકો લખ્યા છે.તેમના પુસ્તકોનો બીજી ભાષાઓમાં અનુવાદો પણ થયા છે.રાજસ્થાનીને એક ભાષા લેખે માન્યતા અપાવવાના પણ તેઓએ ભરચક પ્રયાસો કર્યા હતા.
લક્ષ્મીદેવી ચુડાવતનું પદ્મશ્રી ,સાહિત્ય મહામોપાધ્યાય,રાજસ્થાન રત્ન,મહારાણા કુંભા સન્માન,સોવિયેત-નહેરુ લેન્ડ એવોર્ડ વગેરેથી સન્માન થયું હતું.
તેમનું ૨૪ મેં ૨૦૧૪ના રોજ ૯૭ વર્ષની જૈફ વયે અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૪ મે ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment