અરદેશર કોટવાળ
વિસ્મૃત પ્રતિભા :
અરદેશર કોટવાળ (૧૭૯૬-૧૮૫૬)
"બહાદુર ને બલવંત ,ઇન્સાફમાં અફસર,
પરમાર્થમાં પૂરો ,શુરવીર અરદેશર ". આવા નેકદિલ અને પ્રતિભાશાળી ,૬ ફૂટ ૨ ઇંચ ઊંચાઈ,ભરાવદાર અને કસરતી શરીર ,ગૌરવર્ણ ,મારકણી આંખો તથા હિંમત અને બહાદુરીના પર્યાય છતાં ગુજરાતીઓ દ્રારા અવગણાયેલા અરદેશર કોટવાળનો આજે જન્મદિવસ છે.
સુરતમાં પારસી પરિવારમાં જન્મેલા અરદેશરનું મુળનામ અરદેશર બહેરમંદખાન હતું .તેમના પૂર્વજો મુઘલાઈમાં બાદશાહોની શાસકોની સેવા કરી ઘણા માનપાન પામ્યા હતા.
૨૩ વર્ષની યુવા વયે અરદેશરે અદાલતમાં કારકુન તરીકે કારકિર્દી શરુ કરી હતી.૧૮૨૧મા અરદેશરને સુરત નગરની કોટવાળી મળી હતી.તેમના કોટવાળીના સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થાનું એવું તે સુનિયોજન હતું કે સુરતીઓ ઘરના બારણા ઉઘાડા રાખી સુઈ શકતા.સુરતમાં તેઓએ રાત્રીના સમયે હાક મારી જાગતા રહેવાની જવાબદારી અદા કરે તેવી ડાંડિયાની પ્રથા પણ શરુ કરાવી હતી.તેના પરથી પાછળથી કવિ નર્મદે ડાંડિયો નામનું સાપ્તાહિક શરુ કર્યું હતું.
અરદેશર ફારસી અને અંગ્રેજી ભાષાઓ જાણતા હતા તેથી વડોદરા રાજ્યએ તેમને દીવાનપદ ઓફર કર્યું હતું પણ તેઓએ તેનો વિવેકપૂર્વક ઇનકાર કર્યો હતો.સુરતમાં આગ અને પુર વખતે (૨૪ એપ્રિલ ૧૮૩૭)તેમની સેવાઓ ઘણી સરાહનીય રહી હતી.
સને ૧૮૨૫મા સહજાનંદ સ્વામિ સાથે અરદેશરની મુલાકાત થઇ ત્યારે સ્વામિએ તેઓને પાઘડી પહેરાવી અભિવાદન કર્યું હતું.આ પાઘડી આજે પણ તેમના વંશજો પાસે સચવાઈ છે.તેઓ ઉદાર સખાવતી પણ હતા.તેમના ઘરથી કદી કોઈપણ ધર્મ-જાતિનો યાચક ખાલી હાથે પાછો જતો નહિ.
૧૮૫૬મા અરદેશર કોટવાળનું અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૯ જૂન ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment