એ.કે. ફોર્બ્સ
સવાયા ગુજરાતી :એ.કે.ફોર્બ્સ (૧૮૨૧-૧૮૬૫)
"કુથ્યા પુસ્તક કાપિને એનો ન કરીશ તું અસ્ત ,
ફરતો ફરતો ફારબસ ગ્રાહક મળ્યો ગૃહસ્થ "
આ પંક્તિ આપણા કવિ દલપતરામે વિદ્યાપ્રીતિને વરેલા અંગ્રેજ અધિકારી એલેક્ઝાંડર કિન્લોક ફોર્બ્સ માટે લખી હતી.આજે તેમનો જન્મદિવસ છે.
સ્કોટલેંડમાં જન્મેલા ફોર્બ્સને વારસામાં પિતાનું ઉમરાવ હદય અને માતાની વિદ્યાપ્રિતી મળી હતી.શિલ્પશાસ્ત્રમાં ઊંડો રસ ધરાવતા ફોર્બ્સને નસીબ નોકરીમાં ખેંચી ગયું અને ૧૫ નવે.૧૮૪૩મા સનદી અધિકારી તરીકે ભારત આવ્યા .
૧૮૪૬મા અમદાવાદમાં સહાયક ન્યાયાધીશના હોદ્દે બિરાજમાન થયા પણ મુખ્ય કામ તો કર્યું સાહિત્ય અને ઇતિહાસના અધ્યયન અને સંશોધનને પ્રોત્સાહન આપવાનું.
ફોર્બ્સ પોતે ચાલવાના ખુબ શોખીન હતા.પ્રવાસમાં લાકડી,પિસ્તોલ,નકશો અને નાણાની કોથળી સાથે રાખતા.વટેમાર્ગુઓના ખબર અંતર પણ પૂછતા.ભાટચારણો પાસેથી કથા વાર્તાઓ સાંભળી ગુજરાતના ઇતિહાસનું પહેલું કહી શકાય તેવું "રાસમાળા "નામનું પુસ્તક ૧૮૫૬મા પસિદ્ધ કર્યું.
કવિઓ અને લેખકો તથા જરૂરિયાતમંદોને એટલી મદદ કરતા કે તેમનો પગાર તો તેમાંજ પૂરો થઇ જતો અને ફોર્બ્સે પૈસા વિલાયતથી મંગાવવા પડતા.દલપતરામ પાસેથી માત્ર છ મહિનામાં ગુજરાતી શીખ્યા હતા વિદ્યાપ્રીતિને કારણે તેઓને ભોજની ઉપમા પણ મળી હતી.
ગુજરાત પ્રત્યે ફોર્બ્સને એટલો તો લગાવ હતો કે અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (૧૮૪૮),ગુજરાતી સભા (૧૮૬૫) જેવી સંસ્થાઓ અને બુદ્ધિપ્રકાશ જેવા સામયિકો શરુ કર્યા હતા.
ગુજરાતી ભાષાના સાચા હિતૈષી અને શેક્સપિયરના પશંસક એવા એ.કે.ફોર્બ્સનું ૩૧ ઓગસ્ટ ૧૮૬૫ના રોજ નાની ઉમરે પુનામાં તેમનું અવસાન થયું હતું.
તેમની સ્મૃતિમાં મુંબઈમાં શ્રી ફાર્બસ ગુજરાતી સભા નામની સંસ્થા કાર્યરત છે.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૭ જુલાઇ ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment