અમૃત જાની


          નટવર્ય :અમૃત જાની (૧૯૧૨-૧૯૯૭)
         આજે તારીખ ૧૭ જુલાઈ અને ભારતીય હવાઈ દળના ફલાઈંગ ઓફિસર ,પરમવીર ચક્ર વિજેતા નિર્મલજીત શેખો અને ગુજરાતી રંગભૂમિના ઉમદા નટ અમૃતલાલ જટાશંકર જાનીનો જન્મદિવસ છે.
          રંગભૂમિની પ્રયોગશાળા સમા મોરબી પાસે ટંકારામાં અમૃત જાનીનો જન્મ થયો હતો.બાલ્યાવસ્થામાં જ માતાનું અવસાન થયું હતું પિતા પણ રંગભૂમિના કલાકાર હોવા છતાં નાટકમાં કામ કરવું  તે જમાનામાં આબરૂભર્યું ન ગણાતું હોવાથી દીકરો આ વ્યવસાયમાં ન આવે તેમ ઈચ્છતા હતા.પણ મિત્રોના આગ્રહથી પિતાએ તેઓને નાટકમાં કામ કરવાની મંજુરી આપી અને અમૃતલાલની રંગભૂમિની યાત્રા શરુ થઇ.
              ૧૯૨૭મા ભારત ગૌરવ નાટકમાં છાયાદેવીના પાત્ર દ્રારા નટ તરીકે કારકિર્દી શરુ કરનાર અમૃત જાનીએ તે પછી રણગર્જના,લગ્ન બંધન,સમય સાથે શંભુ મેળો ,ગર્ભ શ્રીમંત સમેત ૪૫૦ થી વધુ નાટકોમાં અભિનયના ઓજસ પાથર્યા હતા.તેઓ નાટકમાં પ્રારંભે સ્ત્રીપાત્રો ભજવતા સાથે  ગીતો પણ ગાતા  હતા.
               અમૃતભાઈએ નાટકોમાં કરુણરસના પાત્રો ભજવવામાં સાર્થકતા અનુભવી હતી.તેઓએ પાછળથી પુરુષ પાત્રો પણ સફળતાપૂર્વક ભજવ્યા હતા જે સામાન્ય રીતે એકવાર સ્ત્રીપાત્રોની ઈમેજમાં બંધાઈ જનાર નટ માટે શક્ય બનતું ન હતું.વાંચનનો પુષ્કળ શોખ ધરાવતા અમૃત જાનીએ "ગુજરાતની જૂની રંગભૂમિ" ,"ઉમળકો "અને "અભિનય પંથે" (આત્મકથાનક) જેવા પુસ્તકો પણ લખ્યા છે.
                ચીન યુદ્ધ વખતે (૧૯૬૨) નાટકો કરી  વડાપ્રધાન રાહત ફંડમાં ફાળો આપી કલાકારનો રાષ્ટ્રધર્મ પણ અમૃત જાનીએ  અદા કર્યો હતો.
                  ગુજરાત સરકાર ,વડોદરાની ત્રિવેણી સંસ્થા અને સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર દ્રારા તેમની અભિનયયાત્રા પોન્ખાઈ છે.
                ગુજરાતના આ નટવર્યનું ૯ ઓગસ્ટ ૧૯૯૭ના રોજ ૮૬ વર્ષની વયે અવસાન થયું હતું.
અરુણ વાઘેલા  
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૧૭ જુલાઈ ૨૦૧૮, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ