કરસનદાસ મૂળજી
વીર પત્રકાર : કરસનદાસ મૂળજી (૧૮૩૨..૧૮૭૧)
"ખીંચો ન કમાનો કો ન તલવાર ચલાઓ,
જબ તોપ મુકાબીલ હો તબ અખબાર નીકાલો"
પ્રસ્તુત કાવ્યપંકિત ગુજરાતી પત્રકારત્વમાં કોઈએ સિદ્ધ કરી હોય તો તે શ્રી કરસનદાસ મૂળજીએ. આજે તેમનો જન્મદિવસ છે.
મુંબઇમાં જન્મેલા કરસનદાસે શિક્ષણ પણ મુંબઈમાં જ લીધું હતું. આ મહામાનવનું સ્મરણ ખાસ કરીને ૧૮૬૨ માં થયેલા મહારાજ લાયબલ કેસ માટે થાય છે.૧૮૫૫ માં " સત્યપ્રકાશ" નામનું સામયિક શરૂ કર્યું અને નામ પ્રમાણે પત્રકારત્વ ખેડ્યું.
તત્કાલીન વૈષ્ણવ સંપ્રદાયમાં ચાલતી કુરિતીઓ સામે રીતસર અહાલેક જગાવી. તે મુદ્દે મુંબઇ હાઈકોર્ટ માં કેસ ચાલ્યો અને ધાર્મિક સત્તા સામે ૩૦ વર્ષના યુવાનના તર્કબુદ્ધિવાદી અભિગમનો જ્વલંત બીજા થયો. મહારાજ લાયબલ કેસ સમગ્ર પશ્રિમ ભારતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. અને કરસનદાસ ગુજરાતના અગ્રણી સુધારક તરીકે પ્રસ્થાપિત થયા હતા.
૧૮૬૨માં ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડ્યો અને સ્વાનુભવને આધારે " ઇંગ્લેન્ડમાં પ્રવાસ" નામનું સુંદર પ્રવાસ વર્ણન લખ્યું. જેનો મરાઠીમાં પણ અનુવાદ થયો છે. કરસનદાસે નીતિ સંગ્રહ અને સંસાર સુખ નામના પુસ્તકો પણ લખ્યાં છે.
બહુશ્રુતતા, સુક્ષ્મ અવલોકનશક્તિ અને વિગતવાર વિવરણ એ કરસનદાસ મૂળજીના લેખનનો વિશેષ છે. લીંબડી અને રાજકોટમાં વહીવટકર્તા તરીકે પણ તેઓએ સેવાઓ આપી હતી.
વીર પત્રકાર અને ગુજરાતના માર્ટિન લ્યુથર તરીકે પંકાયેલા. કરસનદાસ મૂળજીનું ૨૮ ઓગસ્ટ ૧૮૭૧ના રોજ અવસાન થયું હતું. ગુજરાતના સમાજ સુધારાના ઇતિહાસમાં સીમાસ્તંભ સમા આ સુધારકની પૂરતી કદર થઈ નથી.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૫ જુલાઈ ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment