કે. કા. શાસ્ત્રી
હાલતી.. ચાલતી વિદ્યાપીઠ: કે.કા. શાસ્ત્રી (૧૯૦૫..૨૦૦૬)
આજે તારીખ ૨૮ જુલાઈ અને કાર્લ પોપર અને હાલતી ચાલતી વિદ્યાપીઠ સમા મહામહોપાધ્યાય અને કે. કા. ના ટુંકા નામે પ્રસિદ્ધ થયેલા કેશવરામ કાશીરામ શાસ્ત્રીનો જન્મદિવસ છે.
જૂનાગઢનાં માંગરોળમાં જન્મેલાં કે. કા. શાસ્ત્રીની મૂળ અટક બાંભણીયા હતી. માંગરોળમાં ભણી શિક્ષકની નોકરી કરી અમદાવાદમાં સ્થાયી થયા હતા. ગુજરાત વરનાક્યુલર સોસાયટી અને પછી ભો.જે. વિદ્યાભવનમાં અધ્યાપક અને સંશોધક તરીકે જોડાયાં હતાં. અનુગ્રહ અને પ્રજાબંધુના તંત્રી પણ રહ્યાં હતાં.
કે. કા શાસ્ત્રીજી પ્રમુખપણે ગુજરાતી ગ્રંથોના સંપાદન, હસ્તપ્રતોને આધારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય , વ્યાકરણ અને ઇતિહાસ સાથે જોડાયેલાં હતાં. ગુજરાતી ભાષા, વ્યાકરણ અને કોશ સાહિત્યમાં કે. કા નું વિશેષ યોગદાન રહ્યું છે.૨૪૦ કરતાં વધુ પુસ્તકો અને દોઢ હજારથી વધુ લેખોના કર્તા કે. કા. ના ચાણક્યના નીતિ સૂત્રો, ઉર્દૂ.. ગુજરાતી શબ્દકોશ, પાયાનો સંસ્કૃત.. ગુજરાતી શબ્દકોશ, પ્રારંભિક સંસ્કૃત વ્યાકરણ, ગુજરાતી વ્યુત્પત્તિ કોશ, અપભ્રંશ વ્યાકરણ,ગુજરાતના સારસ્વતો, મીરાંના પદો, નરસિંહ મહેતા, પ્રેમાનંદ, લાલ બહાદુર શાસ્ત્રી, ભાલણ, કવિ ચરિત, ગુજરાતી વાગવિકાસ, સૌરાષ્ટ્ર ની પ્રાચીન નગરીઓ, પુરાણોમાં ગુજરાતની આદિમ જાતિઓ વગેરે મુખ્ય યોગદાન છે.
તેઓની સાહિત્ય અને સંશોધન સાધનાનું અનેક સંસ્થાઓમાં ,મંત્રી,પ્રમુખ, રણજિતરામ સુવર્ણચંદ્રક, વિદ્યા વાચસ્પતિ, પદ્મશ્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ એમ અનેક રીતે સન્માન થયું હતું. હજારો વિધાર્થીઓ તેમના સાહિત્ય અને ઇતિહાસના જ્ઞાનથી લાભાનવીત થયા હતાં.
સયમી, સંતુલિત અને નિયમિત જીવનના ચુસ્ત આગ્રહી કે. કા શાસ્ત્રીનું અવસાન ૯ સપ્ટેમ્બર ૨૦૦૬ ના રોજ થયું હતું. તેઓની સ્મૃતિમાં અનેક સંસ્થાઓ ચાલે છે.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૮ જુલાઈ ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment