મુસોલિની
સરમુખત્યાર :બેનિટો મુસોલીની :૧૮૮૩-૧૯૪૫)
આજે તારીખ ૨૯ જુલાઈ.અને ઇટાલિયન સરમુખત્યાર બેનિટો મુસોલીનીનો જન્મદિવસ છે.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઈટાલીમાં "લેનિન અમર રહો"નો નારો બુલંદ થયો પરંતુ ઇટાલી સામ્યવાદી બનવાને બદલે ફાંસીવાદી બન્યું.તેનો સુત્રધાર એટલે બેનિટો મુસોલીની.
ગરીબ લુહારના ઘરે જન્મેલો મુસોલીની અત્યંત રાષ્ટ્રવાદી હતો પહેલા વિશ્વયુદ્ધ (૧૯૧૪-૧૯૧૮)માં ભાગ લઇ ઘાયલ થયો હતો.સમાજવાદી માનસ ધરાવતા મુસોલીનીના આદર્શો તરીકે સીઝર અને નેપોલિયન હતા પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઇટાલીની વિટંબણાઓથી વ્યથિત થઇ ૨૩ માર્ચ ૧૯૧૯ના રોજ મિલાનમાં "ફેસિયો દિ કમ્બેટીમેન્ટો "યા ફાસીવાદી દળની સ્થાપન કરી."ફેસીસ"નો અર્થ લાકડાની ભારી અને કુહાડી એવો થતો ,જે પ્રાચીન રોમન શહેનશાહોની સર્વોપરિતાનું પ્રતિક હતું.
તેના નેજા નીચે ઇટાલીની અસ્મિતા અને યુરોપીય પ્રભુત્વ સ્થાપવાની કવાયત શરુ કરી.મુસોલીની "ડયુસ"એટલે કે તેનો નેતા હતો.તે કહેતો કે તમે મને અનુસરો,જો હું પાછો હટુ તો મને ગોળી મારી દેજો. મને શાંતિમાં શ્રદ્ધા નથી .તેના વિચારોમાં સામ્યવાદ,લોકશાહી અને બુદ્ધિવાદને પણ કોઈ સ્થાન ન હતું.લોકશાહીને તો તે મુર્ખ લોકોની,લાંચ-રુશ્વતની બદીઓથી ભરપુર અને ગોકળગાયની ગતિએ કામ કરતી સ્વપ્નસેવી સંસ્થા ગણતો.રાજ્યમાં બધું સમાઈ જાય છે ,રાજ્ય વિરુદ્ધ કઈ નહિ અને રાજ્યની બહાર પણ કઈ નહિ તે બેનિટોનું સૂત્ર હતું.
પોતે હમેશા સાચો જ હોય છે તેવા અલૌકિક ખ્યાલમાં તે રાચતો રહેતો હતો.ફાસીવાદી વિચારધારાને બળે ૨૯ ઓક્ટોબર ૧૯૨૨ માં ઈટાલીમાં ફાસીવાદી સરકારની સ્થાપના કરી.જર્મની અને જાપાન સાથે રોમ,બર્લિન-ટોકિયો ધરી રચી બીજા વિશ્વયુદ્ધમાં ઝંપલાવ્યું અને ઇટાલીનું પતન થયું.મુસોલીની હાર્યો,પકડાયો અને હિટલરની આત્મહત્યા પછી ઇટાલીના દેશભક્તોએ તેને ગોળીએ દીધો હતો.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૯ જુલાઈ ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment