રમેશચંદ્ર દત્ત
આર્થિક વિચારક: રમેશચંદ્ર દત્ત (૧૮૪૮..૧૯૦૯)
૧૯મા સૈકામાં બ્રિટીશ સંસ્થાનવાદને વૈચારિક રીતે પડકાર આપનાર આર્થિક વિચારકો પૈકીના એક રમેશ ચંદ્ર દત્તનો આજે તારીખ ૧૩ ઓગસ્ટનાં રોજ જન્મદિવસ છે.
કલકત્તાના આર્થિક રીતે સક્ષમ અને શિક્ષિત પરિવારમાં તેમનો જન્મ થયો હતો. ૨૦ વર્ષની વયે ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા ત્રીજા નંબરે પાસ કરી. આઇ. સી. એસ થઇ ભારત પરત ફર્યાં સાથે જે. એસ.મીલ અને ચાર્લ્સ ડિકનસના ઉદારવાદી વિચારોથી પ્રભાવિત પણ થયાં હતાં. બંગાળમાં ૨૪ પરગણા વિસ્તારના નાયબ ન્યાયધીશ તરીકે નિમાયા.
બંકીમચંદ્ર ચેટર્જીની સલાહથી બંગાળીમાં લેખન પ્રવુતિઓ શરૂ કરી. ઐતિહાસિક નવલકથાઓ લખી ખ્યાત થયાં. ઋગ્વેદ, રામાયણ અને મહાભારતનો અનુવાદ કર્યો.૧૮૯૩ માં બંગીય સાહિત્ય પરિષદની સ્થાપના કરી. ત્રણ ભાગમાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ લખ્યો. સાથે ઇંગ્લેન્ડ ઍન્ડ ઇન્ડિયા નામનું અંગ્રેજી ભાષામાં પુસ્તક પણ લખ્યું.
આ બધું છતાં આર. સી. દત્તનું વિશેષ સ્મરણ તેમના ગ્રંથ ઇકોનોમિક હિસ્ટરી ઓફ ઇન્ડિયા (૨ ભાગ) અને ફેમાઈન ઈન ઈન્ડિયા માટે વિશેષ થાય છે. પ્રસ્તુત ગ્રંથ ભારતીય અર્થવ્યવસ્થાને લગતી મૂળભૂત જાણકારી માટે શ્રદ્ધેય ગ્રંથ ગણાય છે. તે દ્વારા તેઓએ ભારતીય ઇતિહાસનાં આર્થિક પાસાને અભ્યાસના અલગ ક્ષેત્ર તરીકે પ્રસ્થાપિત કર્યું હતું.
રમેશચંદ્ર દત્ત કોઇપણ કામ ગુપ્ત રીતે નહિ ખુલ્લી રીતે કરવામાં માનતા હતા. મહાન વિચારક, સાહિત્યકાર, ઇતિહાસકાર અને પ્રથમ કોટિના રાષ્ટ્રભક્ત રમેશચંદ્ર દત્તનું નવેમ્બર ૧૯૦૯ માં ૬૧ વર્ષની ઉંમરે અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
Comments
Post a Comment