નવલરામ ત્રિવેદી
સાહિત્યકાર નવલરામ ત્રિવેદી (૧૮૯૫ - ૧૯૪૪ )
આજે તારીખ ૧૧ ઓક્ટોબર અને વિવેચક ,સંશોધક ,હાસ્યકાર અને સંપાદક નવલરામ જગન્નાથ ત્રિવેદીનો જન્મદિવસ છે .
વઢવાણમાં જન્મેલા નવલરામ ૧૯૧૪મા મેટ્રિક ,૧૯૨૦મા સ્નાતક અને ૧૯૨૬મા અનુસ્નાતક થયા અને અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ મહિલા વિદ્યાલયમાં અધ્યાપક તરીકે જોડાયા હતા . ખંતીલો અને નિષ્ઠાવાન અધ્યાપક પોતાના સ્વાધ્યાય અને સંશોધનો દ્રારા સ્વવિકાસ સાથે પોતાની વિદ્યાશાખાને પણ સમૃદ્ધ કરતો રહે છે ,નવલરામ તેનું ઉમદા ઉદાહરણ છે .
નવલરામ ત્રિવેદીએ કારાવાસની કહાણી ,,બોટાદકરના કાવ્યો ,કેટલાક વિવેચનો ( કાવ્યો ),કેતકીના પુષ્પો ,પરિહાસ ,જયંતી વ્યાખ્યાનો ,નવા વિવેચનો ,શેષ વિવેચનો ,કલાપી ,શામળનું વાર્તા સાહિત્ય ,બુદ્ધિપ્રકાશ લેખ સંગ્રહ ( સહ સંપાદક) ,માનસશાસ્ત્ર ,બ્રિટીશ સામ્રાજ્યનો અર્વાચીન ઈતિહાસ ,હિંદનું નવું રાજ્ય બંધારણ અને સમાજ સુધારાનું રેખાદર્શન જેવા સંપાદન ,અનુવાદ ,વિવેચન ,નિબંધ અને સંશોધનને લગતા પુસ્તકો આપ્યા છે .
તેમાં કલાપી પુસ્તકમાં કલાપીના જીવન અને પ્રણય સંઘર્ષને રોચક શૈલીમાં નિરૂપણ થયું છે . તો સમાજ સુધારાનું રેખાદર્શન પુસ્તક ૧૯મા સૈકાના સમાજસુધારા આંદોલનનો પ્રમાણભૂત ઈતિહાસ છે .
વિવેચક તરીકે નવલરામે સમભાવી
,પૂર્વગ્રહમુક્ત તથા નીડર વિવેચક તરીકેની છબી ઉભી કરી હતી .એજ રીતે હળવી શૈલીના સર્જનાત્મક નિબંધકાર તરીકે પણ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર
યોગદાન આપ્યું છે . ડાબેરી ,પોણી પચ્ચીસ અને વૈનેતેયના ઉપનામે લખતા નવલરામે ગુજરાતી સાહિત્યની સંસ્થાઓમાં પણ પ્રશસ્ય સેવાઓ આપી હતી .
૧૮ મે ૧૯૪૪ના રોજ નવલરામ ત્રિવેદીનું અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧૧ ઓક્ટોબર ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment