ટીપુ સુલ્તાન
ટીપુ સુલ્તાન અને અંગ્રેજો વચ્ચેનો સંઘર્ષ :-
મૈસુર વિગ્રહો : ૧૭૬૬ - ૧૭૯૯ )
૧૭૫૭માં પ્લાસીના યુદ્ધ અને બક્સરના ૧૭૬૪ના યુદ્ધ પછી ભારતમાં પ્રભાવશાળી સત્તા તરીકે અંગ્રેજો આગળ વધી રહ્યા હતા .રોબર્ટ કલાઇવથી શરુ
થયેલી અંગ્રેજ ગવર્નર જનરલોની સામ્રાજ્યવાદી પ્રવુંતિઓ સમયના વહેણ સાથે આક્રમક રીતે ગતિ કરતી રહી હતી .વોરન હેસ્ટીગ્સ ,લોર્ડ કોર્નવોલીસ ,અને
વિશેષત : લોર્ડ વેલેસ્લીના સમયમાં બ્રિટીશ સામ્રાજ્ય ત્રીવ ગતિએ આગળ વધતું ગયું .બાહુબળ ,વ્યૂહરચનાઓ અને ભારતીય સમાજને સમજવાનો સશોધાનાત્મ્ક પ્રયાસ વગેરે ભારતમાં અંગ્રેજી શાસનના પાયામાં હતા .બંગાળથી શરુ થયેલી
બ્રિટીશરોની સામ્રાજ્યવાદી પ્રવુંતિઓ વેલેસ્લીની સહાયકારી નીતિના પરિણામે દક્ષિણમાં પણ મજબુત રીતે આગળ વધી હતી . દક્ષિણમાં ૧૮મા સૈકાના ઉતરાર્ધમાં અંગ્રેજોની સામે મજબુત મુકાબલો મૈસુર રાજ્ય અને તેના નવાબો હૈદરઅલી અને તેના પુત્ર ટીપુ સુલ્તાને કર્યો હતો .
મૈસુરના નવાબ તરીકે આરૂઢ થઇ અંગ્રેજો સામે ઝીંક ઝીલનાર હૈદરઅલીનો જન્મ સામાન્ય પરિવારમાં થયો હતો તેના પૂર્વજો પણ સ્થાનિક નહિ
દિલ્હી પાસે ગુલબર્ગોથી સ્થળાંતરિત થઇ અહી વસ્યા હતા . ખેતીવાડી અને સૈનિક સેવામાં રહેતા હૈદરઅલીના પિતા ફતેહ મુહમ્મદ લફોઝદારના હોદ્દે પહોચ્યા હતા .૧૭૨૮મા હૈદર ૭ વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું ભયંકર મુસીબતોના સમયમાં રસ્તો કરતો હૈદર પણ સૈનિકના રૂપમાં જોડાયો .અભણ હોવા છતાં વીરતા અને કુટનીતિના બળે આગળ ધપતો રહ્યો તે સમયે હૈદર વિજયનગર સામ્રાજ્યની સેવામાં હતો .વિજયનગર રાજ્યના પતન પછી બોદેય્રર વંશની
સ્થાપના થઇ તેનું બધું તંત્ર રાજાના બદલે તેના મંત્રીઓના હાથમાં હતું.કર્ણાટકના યુદ્ધોમાં હૈદરઅલીને કાઠું કાઢવાની તક મળી હતી .સમયના પ્રવાહ સાથે હૈદર સૈનિક તરીકેની કુનેહ ,વ્યૂહરચનાઓ અને ધન સંપતિ વગેરેનો અનુભવ પ્રાપ્ત કરતો રહ્યો .પોતાની રાજકીય પ્રતિષ્ઠા પણ વધારી .આખરે ૧૭૬૧મા રાજા નજ્જરાજને પદચ્યુત કરી ખુદ શાસક બની ગયો .શાસક બન્યા પછી ફ્રેન્ચો પાસેથી સૈન્ય વ્યૂહરચનાઓ અને લશ્કરી સાધનો બનાવવાની કારીગરી
શીખતો ગયો હતો . સામાન્ય સૈનિકમાંથી શાસક બનવું એ પ્રગતિ ઉચ્ચ મહત્વાકાંક્ષા વગર બની શકે નહિ .કુશાગ્ર બુદ્ધિ અને ત્રીવ સ્મરણ શક્તિ
ધરાવતા હૈદરઅલીએ રાજકીય અને પ્રાદેશિક મહત્વાકાંક્ષાઓ વધારવા જતા મરાઠાઓ
અને અંગ્રેજો સાથે યુધ્ધો કરવા પડ્યા .અંગ્રેજો સાથે ૧૭૬૬મા શરુ થયેલો સંઘર્ષ છેક ૧૭૯૯મા તેના પુત્ર ટીપુ સુલ્તાન સુધી ચાલ્યો હતો ,જે આઘુનિક ભારતીય ઇતિહાસમાં "મૈસુર વિગ્રહો તરીકે પ્રસિદ્ધ થયા છે .
પહેલો મૈસુર વિગ્રહ ૧૭૬૬મા શરુ થયો અને ત્રણ વર્ષ ચાલ્યો .તેમાં અંગ્રેજો ,મરાઠાઓ અને હેદ્રાબાદના જૂથ સામે હૈદર એકલો લડ્યો હતો .નાનામોટા ત્રણેક યુધ્ધો થયા અને સરવાળે હૈદરના પરાજય અને મદ્રાસની સંધિ સાથે પ્રથમ મૈસુર યુદ્ધનો અંત આવ્યો પણ સંધિની શરતો બીજા મૈસુર યુદ્ધની પરિસ્થિતિ રચતી ગઈ હતી .બીજો મૈસુર વિગ્રહ ૧૭૮૦ થી ૧૭૮૪ દરમિયાન લડાયો .અંગ્રેજોને પોતાના કટ્ટર શત્રુ માનતો હૈદરઅલી એ શરુઆતી સંઘર્ષમાં પોતાનો દબદબો બનાવ્યો હતો ,યુદ્ધ દરમિયાન જ ૧૭૮૨મા કેન્સરની બીમારીથી હૈદરઅલીનું અવસાન થયું .હૈદરના મૃત્યુ પછી આ યુદ્ધમાં તેનો મહત્વાકાંક્ષી પુત્ર ટીપુ લડતો રહ્યો . બીજું યુદ્ધ કોઇના પણ નિર્ણાયક વિજય વિના પૂરું થયું
.ત્રીજા યુદ્ધમાં શરૂથી જ ટીપુ સેનાનાયક હતો . આધુનિક ભારતીય ઇતિહાસના આ કદાવર શાસકનો થોડો પરિચય કરવો રહ્યો .ટીપુના વ્યક્તિત્વ વિષે ઈતિહાસકારોમાં એકમતી નથી .કોઈ તેને ક્રૂર અને ધર્માંધ અને અભિમાની ચીતરે છે , તે પોતાના જ્ઞાન કરતા અજ્ઞાનનું પદર્શન વધુ કરતો હતો સ્થળનામો અને
નિયમો બદલવાનું ટીપુને ગાંડપણની હદે વળગણ હતું ,વ્યક્તિઓના મૂલ્યાંકનમાં તે ઉણો ઉતરતો હતો ,હિંદુઓ પર અત્યાચારો કરી તે ધર્માંતરણને પ્રોત્સાહિત કરતો વગેરે જેવા આરોપો તેના પર લાગ્યા હતા તો બીજી તરફ ઈતિહાસકારોનો એક વર્ગ ટીપુ સુલ્તાનમાં યુદ્ધ ટેકનોલોજીનો પુરસ્કર્તા ,વિદેશ નીતિનો
નિષ્ણાત ,અંગ્રેજોનો કટ્ટર શત્રુ ,શ્રમિકો અને કિસાનોનો હિતેચ્છુ , અર્થતંત્રનો સુધારક તરીકે મૂલવ્યો છે . શ્રુગેરીથી પ્રાપ્ત થયેલા એક પત્રની વિગતો મુજબ તેણે ૧૭૯૧મા મરાઠાઓના આક્રમણ પછી તૂટી ગયેલા શ્રુગેરી મંદિરનું પુન : નિર્માણ કરાવ્યું હતું .ત્યાના શંકરાચાર્યનું પણ તે સન્માન કરતો હતો અને તેઓ સાથે નિયમિત પત્રવ્યવહાર પણ કરતો હતો . ટીપુ
સુલતાન વિષે બે પરસ્પર ભિન્ન અભિપ્રાયો વચ્ચે આપણે એટલું કહી શકીએ કે તે પ્રજા પ્રત્યે ઉદાર હતો અને શત્રુ બાબતે કઠોર .ટીપુએ સાહસિક અને હાર ન સ્વીકારનાર શાસક તરીકે ખુદની છબી બનાવી હોવા છતાં તેની યુદ્ધ નીતિ આક્રમક નહિ કિન્તુ સુરક્ષાત્મક હતી .
ટીપુએ અંગ્રેજોને ખદેડવા માટે યુદ્ધ પૂર્વે વિદેશી મદદ ઉભી કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો .પોતાના દૂતોને ફ્રાંસ ,તુર્કી વગેરે દેશોમાં મોકલ્યા હતા પરંતુ નિરાશા મળી . દેશભરમાંથી ચુનંદા અશ્વો પોતાના
અશ્વદળમાં રાખવાનો શોખીન હતો .આપણા કચ્છના એક ખત્રી સૌદાગર સુંદરજીએ મૈસુરમાં ટીપુ સુલ્તાનને અંગ્રેજો સામેના યુદ્ધ પહેલા ઘોડાઓ વેચ્યા
હોવાના પ્રમાણો ઉપલબ્ધ છે .આ બધું અંગ્રેજોની નજર બહાર ન હતું ફ્રેન્ચો સાથે દોસ્તી કેળવવાના ટીપુના પ્રયત્નથી અંગ્રેજો ટીપુને ઠેકાણે પાડવા સજ્જ થયા હતા .તેની મદદે મરાઠાઓ ,નિઝામ જેવા સત્તા અને સંપતિ લોલુપ શાસકો પણ હતા .તેઓ વચ્ચેની ત્રિપક્ષી સંધિ પછી ૧૭૯૦ થી ૧૭૯૨ વચ્ચે અંગ્રેજો અને
મૈસુર વચ્ચે ત્રીજું યુદ્ધ થયું તે સમયે સેનાપતિ મિડોઝના નેતૃત્વમાં ટીપુએ બ્રિટીશ સેનાને ખદેડી મૂકી . પણ તે પછી ટીપુ સામેના યુદ્ધનું નેતૃત્વ ખુદ ગવર્નર લોર્ડ કોર્નવીલીસે સંભાળ્યું હતું .તે ધીમા લશ્કરી અભિયાન દ્રારા ટીપુની રાજધાની શ્રીરંગપટ્ટનમ સુધી પહોચી ગયો તેના કિલ્લાઓ અને લશ્કરી શક્તિ ક્ષીણ કરી પરિણામે ટીપુ પાસે અંગ્રેજો સાથે સંધિ કર્યા સિવાય કોઈ આરો ન હતો .માર્ચ ૧૭૯૨મા શ્રીરંગપટ્ટનમની સંધિ દ્રારા ત્રીજા મૈસુર વિગ્રહનો અંત આવ્યો .આ સંધિ પછી ટીપુએ પ્રાદેશિ , આર્થિક અને વ્યક્તિગત રીતે પણ ઘણું વેઠવું પડ્યું હતું .સંધિની શરતો પ્રમાણે ટીપુએ તેના બે છોકરા બંધક સ્વરૂપે અંગ્રેજો પાસે રાખવાના હતા . હવે ચોથો અને છેલ્લો સંઘર્ષ બાકી હતો .અને તે પ્રખર સામ્રાજ્યવાદી ગવર્નર લોર્ડ વેલેસ્લીના સમયમાં થયું હતું . સને ૧૭૯૯મા થયેલા આ યુદ્ધ પછી મૈસુર
રાજ્ય અને ટીપુ બંને ભૂતકાળ બની ગયા .
મૈસુરના ત્રીજા યુદ્ધના પરાજય અને પ્રતિષ્ઠાભંગને ટીપુ ભૂલે તેમ ન હતો .તેણે કિલ્લેબંધી ,સૈન્યશક્તિની સજ્જતા અને વિદેશી તાકાતોની મદદ વગેરે તેણે ચોથા મૈસુર યુદ્ધની તૈયારીઓ શરુ કરી . ફ્રાંસ તરફથી તેને થોડો સહકાર પણ મળ્યો હતો .ટીપુએ ફ્રાંસ પ્રત્યે વધુ આત્મીયતા જતાવવા
ફ્રાંસ ક્રાંતિના પ્રતિક સમા "ક્રાંતિના વુક્ષ"ને પાટનગરમાં રોપ્યું હતું . તેણે ફ્રાંસ ક્રાંતિ વખતની ક્રાંતિકારી સંસ્થા "જેકોબીન ક્લબ"નો પણ તે સભ્ય બન્યો હતો . ટીપુનું ફ્રાંસ તરફથી વલણ અને તેમના વચ્ચે રચાયેલી
યુતિમાં અંગ્રેજો તે સમયના સરમુખત્યાર નેપોલિયન બોનાપાર્ટના આક્રમણની ભાવિ યોજના તરીકે પણ જોતા હતા . પોતાને " નાગરિક ટીપુ "(સિટીઝન
ટીપુ)તરીકે ઘોષિત કર્યો હતો .પણ મૈસુર રાજ્યમાં આવેલા આવા બદલાવો નવો અને સામ્રાજ્યવાદી ગવર્નર જનરલ લોર્ડ વેલેસ્લી સહન કરે તેમ ન હતો .તેણે ભારત આવતાની સાથે કોર્નવોલીસના સમયની મરાઠા ,નિઝામ અને અંગ્રેજો વચ્ચેની ત્રિપક્ષી સંધિને સજીવન કરી . પેશ્વા અને નિઝામ પ્રદેશોની લાળ ટપકાવતા અંગ્રેજોની પડખે થયા .અને આ સંયુક્ત સેનાએ માર્ચ ૧૭૯૯મા મૈસુર પર હુમલો
કરી દીધો .આ હુમલામાં બ્રિટીશ સેનાપતિઓ તરીકે જનરલ હેરીસ ,આર્થર વેલેસ્લી અને જનરલ સ્ટુઅટએ મોરચા સંભાળ્યા હતા .સીદાસીર અને માલવેલીના યુદ્ધમાં ટીપુ હાર્યો અને તેણે શ્રીરંગપટ્ટનમમાં શરણ લેવું પડ્યું .૧૭ એપ્રિલ ૧૭૯૯ના રોજ સંયુક્ત સેનાઓએ ટીપુએ શરણ લીધું હતું તે રાજધાનીને મજબુત
ઘેરો ઘાલ્યો . ગવર્નરે મૈસુર રાજ્ય અને ૨૦ લાખ પાઉન્ડ આપે તો ઘેરો હટાવી સુલેહ કરવાની ઓફર કરી પણ તેને સ્વીકારવાના બદલે ટીપુ કિલ્લા પર ચડી
યુદ્ધ કરવા લાગ્યો અને ત્યાં જ માર્યો ગયો .બીજી ઘણી આર્થિક અને સૈનિક નુકસાની મૈસુર રાજ્યે ભોગવવી પડી .અંતમાં તો ૩૩ વર્ષ પહેલા હૈદરઅલી
દ્રારા સ્થાપયેલા મૈસુર રાજ્યનો કરુણ અંત આવ્યો . મૈસુર વિગ્રહોમાં ભલે હૈદરઅલી અને ટીપુ સુલતાન પરાસ્ત થયા હોય પરંતુ યુદ્ધનો સંઘર્ષ કેવો હોઈ
શકે તેની ઉમદા મિશાલ તો પિતા-પુત્ર મુકતા ગયા છે . ટીપુ સુલતાનનું તો સતત મૂલ્યાંકન-પુન : મૂલ્યાંકન થઇ રહ્યું છે જે તેના મહાત્મ્યને સ્પષ્ટ કરે છે .
અરુણ વાઘેલા
Comments
Post a Comment