ડાંગના દીદી
ડાંગના દીદી :
પૂર્ણિમાબેન પકવાસા (૧૯૧૩ -૨૦૧૬ )
આજે તારીખ ૫ ઓક્ટોબર અને અમેરીકન ભૌતિકશાસ્ત્રી રોબર્ટ ગોર્ડાડ ,ફ્રેંચ તત્વજ્ઞ દીદેરો ,ગાંધી વિચારના ભાષ્યકાર કિશોરલાલ મશરૂવાળા અને ડાંગના
દીદી તરીકે પ્રસિદ્ધ થયેલા પૂર્ણિમાબેન પકવાસાનો જન્મદિવસ છે.
લીંબડીમાં જન્મેલા પૂર્ણિમાબેનનું મુળનામ પુષ્પા હતું પણ લગ્ન પછી સાસરિયામાં કાકી સાસુનું નામ પણ પુષ્પા હોવાથી નામ બદલાવી પૂર્ણિમા કર્યું .
બાલ્યાવસ્થામાં પૂર્ણિમાબેન પર અમૃતલાલ શેઠ અને તેમના સામયિકોનો ઊંડો પ્રભાવ પડ્યો હતો .રાણપુરમાં ગાંધીજી સાથે મુલાકાત પછી ગાંધીજીએ પત્ર લખવા કહ્યું અને પૂર્ણિમાબેનની ગાંધીવાદી તરીકેની ઘડતર પ્રક્રિયા શરુ થઇ
હતી .
માત્ર ૧૮ વર્ષની વયે સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા અને જેલવાસ ભોગવ્યો ,જેલમાં તેઓ સ્થૂળકાય બહેનોને કસરત કરાવવાનું કામ કરતા .તે પછી પણ રાષ્ટ્રીય લડતો અને ગાંધીવાદી રચનાત્મક કાર્યક્રમોમાં પૂર્ણિમાબેનનું સીધું યોગદાન રહ્યું હતું .
આઝાદી પછી ગાંધીવાદીઓની વધેલી જવાબદારીઓને અદા કરતા તેઓએ ૧૯૫૬મા મુંબઈના કોમી તોફાનો વખતે શક્તિદળની રચના કરી હતી . તેઓ માનતા હતા કે જ્યાં સુધી એકપણ વ્યક્તિ પછાત હોય ત્યાં સુધી સર્વાંગી શિક્ષણની જવાબદારી આપણી છે .પૂર્ણિમાબેન ૧૯૭૪મા ડાંગમાં સ્થાયી થયા હતા .૧૪ બાલિકાઓ સાથે કન્યા વિદ્યાલય શરુ કર્યું આ સંસ્થા આજે ઋતુમ્ભરા આદર્શ નિવાસી શાળા તરીકે ખ્યાતિ ધરાવે છે .
પૂર્ણિમાબેન પકવાસાની રચનાત્મક પ્રવુતિઓનું ૨૦૦૪મા પદ્મભૂષણથી સન્માન થયું હતું .૨૫ એપ્રિલ
૨૦૧૬ના રોજ ૧૦૨ વર્ષની જૈફ વયે અવસાન પામેલા પૂર્ણિમાબેન ડાંગના દીદી ,બાપુની બેટી અને ગાંધીજીના જંગમ તીર્થ તરીકે જાણીતા હતા .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર , ૫ ઑક્ટોબર ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment