મોતીલાલ તેજાવત
ભીલક્રાંતિના પ્રણેતા : મોતીલાલ તેજાવત
( ૧૮૮૮ - ૧૯૬૩ )
સાંસ્થાનિક ગુજરાતમાં લગભગ ૧૫ થી વધુ આદિવાસી આંદોલનો દસ્તાવેજી આધારો ધરાવે છે પણ તેનો શાસ્ત્રીય ઈતિહાસ હવે ઉપલબ્ધ થઇ રહ્યો છે .ખાસ તો ઈતિહાસ લેખનમાં " વંચિતલક્ષી અભિગમ " આવ્યા પછી વંચિતોના ઈતિહાસલેખનમાં ભરતી આવી છે . છતાં ગુજરાતના અન્ય આદિવાસી ક્ષેત્રોની તુલનામાં ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં શાસ્ત્રીય ઈતિહાસલેખન ઓછું થયું છે . ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી લઇ મોડાસા સુધીના આદિવાસીઓમાં આદિવાસી સ્વાયત્ત આંદોલનો ,રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને સમાજ પરિવર્તનની અનેક પ્રવૃતિઓ થઇ હતી પણ આપણી બેદરકારીને કારણે આ બધું તેના પૂર્ણકદમાં બહાર આવી શક્યું નથી . ઉત્તર ગુજરાતમાં ,માત્ર ગુજરાતના ઈતિહાસની જ નહિ પણ સમગ્ર ભારતના ઇતિહાસમાં બિરાજે તેવી એકી ચળવળ થઇ હતી . તેના સુત્રધાર ઓસવાળ વણિક જ્ઞાતિના મોતીલાલ તેજાવત હતા . તેમણે અન્યાય અને અત્યાચારોમાં સબડતા ભીલોમાં આત્મસન્માનની ભાવના જાગૃત કરી આખરી ઉપાય તરીકે " ભીલ રાજ્ય "નો ખ્યાલ રજુ કર્યો હતો .એકી ચળવળમાં ભીલોમાં આંતરિક સુધારણા , દ્રઢવાવ હત્યાકાંડ ( ૭ માર્ચ ૧૯૨૨ )વગેરે તેની આનુશંગિક ઘટનાઓ હતી . અત્રે ભીલક્રાંતિના પ્રણેતા મોતીલાલ તેજાવત વિષે વાત કરવાનો ઉપક્રમ છે .
મોતીલાલ તેજાવતનો જન્મ રાજસ્થાનના આદિવાસી બહુમતીવાળા ઉદેપુર રાજ્યના કોલીયારી ગામે ૧૮૮૮ના વર્ષે થયો હતો . મેવાડનો આ પર્વતાળ વિસ્તાર " ભોમટ " તરીકે ઓળખાતો હતો . ગામઠી શાળામાં ભણી મોતીલાલે આગળ જતા હિન્દી ,ઉર્દુ અને ગુજરાતીનું વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું .મોતીલાલમાં બચપણથી જ સાહસ અને સ્વાભિમાનના સદગુણો હતા .કારકિર્દીના પ્રારંભે તેઓએ ભાડોલમાં જાગીરદાર ઝવેરચંદ નાથુલાલ શેઠને ત્યાં કામદાર તરીકે કામ કર્યું હતું . ઈ.સ.૧૯૦૮ થી ૧૯૧૪ દરમિયાન અન્ય જાગીરદારને ત્યાં કારભારું કર્યું હતું . મોતીલાલ તેજાવતના બાહ્ય દેખાવને વર્ણવતા તેમના ચરિત્રકાર પ્રેમસિંહ કાંકરિયા નોંધે છે કે " મધ્યમ કદ ,ઘઉંવર્ણો વાન ,દાઢી અને જટાયુક્ત ભવ્ય મુખાકૃતિ ,સ્હેજ સ્મિતથી ચમકતી મોટી આંખો ,જાડી ખાદીનું ધોતિયું ,કુર્તા અને હાથમાં લાકડી રાખતા હતા ."તેમની તસ્વીરને જોતા મધ્યકાલીન મેવાડી વીરપુરુષની ઝલક દેખાય છે . તેમના વ્યક્તિત્વમાં આત્મવિશ્વાસ ,દ્રઢતા ,સંકલ્પશક્તિની સાથે કરુણા ,મૃદુતા ,આત્મીયતા અને નિર્મળ પ્રેમના ગુણો ઝલકતા હતા .સાહસી અને સ્વાભિમાની મોતીલાલનું આદિવાસી જનજીવન સાથે ગાઢ તાદાત્મ્ય રહ્યું હતું .
૨૦મા સૈકાનો શરૂનો સમયગાળો મોતીલાલ માટે ભીલોમાં કામ કરવા માટેનો પ્રયોગશાળા સમાન સમય હતો . અહી તેમણે જાગીરદારો અને વેપારીઓને ભીલોનું બેસુમાર શોષણ અને તેમના પર અત્યાચાર કરતા જોયા અને મોતીલાલના મનમાં ભીલો પ્રત્યે સંવેદનાની સરવાણી ફૂટી . ભીલ પ્રદેશમાં વંચિતો પર થતા અન્યાય અને અત્યાચારનો ઊંડો અભ્યાસ કરી " મેવાડ પુકાર " નામની પુસ્તિકા લખી . મેવાડ પુકારમાં ભીલ ઉદ્ધાર માટેનો ૨૧ મુદ્દાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો .
૨૦મા સૈકાના પ્રારંભ સુધી ગુજરાત મેદાની ગુજરાત અને વન્ય ગુજરાત એવા સ્પષ્ટ વિભાગોમાં વહેંચાયેલું હતું .આદિવાસીઓનો વસવાટ મહદઅંશે જંગલોમાં હતો .મેદાની વિસ્તારની પ્રજા સાથે આદિવાસીઓનો સંપક અને સંસર્ગ લઘુત્તમ હતો . આવા સામાજિક વાતાવરણમાં મોતીલાલ તેજાવતની એકી ચળવળમાં વિશાળ માત્રામાં ભીલોનું સંકળાવું એ વિચારણીય મુદ્દો બને છે .કારણકે આદિવાસીઓ મોટેભાગે બાહ્ય પરિબળો સાથે ત્વરિત કે લાંબાગાળાના સંપર્કમાં આવતા ન હતા ,મોતીલાલ વણિક હતા પરંતુ ઉમદા વ્યક્તિત્વના માલિક હતા ,તેમની કહેણી અને કરણીમાં સામ્ય હતું ,મોતીલાલના વ્યક્તિત્વમાં રહેલા સત્ય ,વફાદારી ,સમર્પણ અને વિશ્વાસ જેવા સદગુણો ભીલોને સ્પર્શી ગયા હતા .કારકિર્દીના પ્રારંભે મોતીલાલે સામંતશાહી અત્યાચારો અને અન્યાયો વિરુદ્ધ ,ભીલોના પ્રશ્નો માટે ગજા બહારના પ્રયત્નો કર્યા હતા .પરિણામે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભીલો મોતીલાલ માટે પ્રાણની આહુતિ આપવા સુધી તૈયાર થયા હતા.
મોતીલાલ તેજાવત ભીલો પર થતા સામંતશાહી શોષણના પ્રત્યક્ષદર્શી હતા અને તેમાંથી ભીલોને બહાર લાવવા એ મોતીલાલની પ્રાથમિકતા હતી .એકી આંદોલનનું મુખ્ય લક્ષ્ય આદિવાસીઓ અને કિસાનોમાં એકતા સ્થાપવાનું હતું .તે હેતુસર એકી ચળવળની શરૂઆત કરી હતી . આદિવાસી એકતાની ધરી સમાન મેવાડમાં યોજાતા આદિવાસી મેળાઓ અને આદિવાસી મગરા (પંચો ) ને લક્ષ્ય બનાવી તેમણે એકી ચળવળ ચલાવી હતી . આદિવાસીઓ પર થતા અત્યાચારોની સાથે ખુદ તેમનામાં રહેલા સામાજિક દુષણોને નાથવા પણ મોતીલાલે કમર કસી હતી .મદ્યપાનનિષેધ ,માંસાહારનો ત્યાગ વગેરેની સાથે કેટલીક સામાજિક રૂઢીઓ સામે પણ તેજાવતે એકી ચળવળ થકી વાતાવરણ તૈયાર કર્યું હતું .તેના અસરકારક પરિણામો પણ દેખાયા હતા .સેંકડો - હજારોની સંખ્યામાં આદિવાસીઓ મોતીલાલના પંથે નીકળી પડ્યા હતા .તેઓ શુદ્ધ અને પવિત્ર જીવન જીવવા સાથે વેઠપ્રથા જેવા અનેક અમાનવીય દુષણો સામે લડવા પણ તૈયાર થયા હતા .
આદિવાસીઓના નેતા મોતીલાલ તેજાવત ગામના તલાટીથી લઇ જીલ્લાના કલેકટર અને રજવાડાઓ સુધીના લોકો તરફથી આદિવાસીઓ પર થતી યાતનાઓથી સુપેરે વાકેફ હતા , તેમના શોષણ અને અત્યાચાર નાબુદીના વિચારો અને કાર્યશૈલી પદ્ધતિસર રીતે એકીના અનુયાયીઓ સુધી પહોચતા હતા ,પરિણામે એકી ચળવળના હેતુઓની પૂર્તિ માટે , આદિવાસીઓને ત્રેવડી ગુલામીમાંથી મુક્ત કરે તેવો અને જીવન-મરણનો સંઘર્ષ કરે તેવો આદિવાસી વર્ગ તૈયાર થયો હતો .તેઓ રજવાડાઓના કાયદાઓ ,જમીન-મહેસુલ વ્યવસ્થા વગેરેનો સરેઆમ વિરોધ કરતા હતા . મોતીલાલે ભીલ સમસ્યાઓનો સરળતાથી ઉકેલ ન આવે તો " ભીલ રાજ્ય "ની કલ્પના પણ કરી હતી .પરિણામે બ્રિટીશ તંત્ર અને દેશી રજવાડાઓને મોતીલાલની પ્રવુંતિઓ વિઘાતક લાગી અને મોતીલાલ અને એકી ચળવળને કચડી નાંખવા માટેનું અભિયાન શરુ થયું તેના ભાગરૂપે ૭ માર્ચ ૧૯૨૨ના રોજ દ્રઢ્વાવ હત્યાકાંડ સર્જાયો .
ભારતની અન્ય આદિવાસી ચળવળોની માફક મોતીલાલની એકી ચળવળ પણ શરુથી જ હિંસક રહી હતી પણ અત્રે એક વાત ખાસ ઉલ્લેખનીય છે કે આદિવાસીઓ માટે હિંસા એ હંમેશા અંતિમ ઉપાય રહ્યો છે .જીવનના પ્રત્યેક સ્તરે નિરાશા હાથ લાગ્યા પછી જ આદિવાસીઓએ તેમના શોષકો સામે હથિયાર ઉઠાવ્યા હોવાનો ભારતનો ઈતિહાસ સાક્ષી છે . દ્રઢ્વાવ હત્યાકાંડ વખતે પણ આમ જ બન્યું હતું .દ્રઢ્વાવ ખાતે મોતીલાલે ભીલ મેળાનું આયોજન કર્યું હતું જેમાં રજવાડા અને અંગ્રેજ સરકારને ભીલ રાજ્ય સ્થાપનાનું કાવતરું લાગ્યું ,ભીલોને ત્યાંથી ખદેડી મુકવા બ્રિટીશ નેતૃત્વમાં સૈનિક કાર્યવાહી થઇ મોતીલાલ અને ભીલો પણ ગાજ્યા જાય તેમ ન હતા પરિણામે થયેલા હિંસક સંઘર્ષમાં સેકડો આદિવાસીઓ શહીદ થયા .અંગેજો અને રજવાડાઓએ તો તેમના દસ્તાવેજોમાં ૨૨ માણસો માર્યા ગયા અને ૨૯ ઘાયલ થયા હોવાનું જણાવી દોષનો ટોપલો પણ ભીલો પર જ ઢોળ્યો હતો પણ તે વાસ્તવિકતાથી જોજનો દુર છે . કારણકે સમકાલીન અન્ય સ્ત્રોતો અને આદિવાસીઓની લોકવાયકાઓ તથા મોતીલાલ તેજાવતે રજુ કરેલા પરિણામો મુજબ દ્રઢ્વાવ હત્યાકાંડમાં સેંકડો ભીલો માર્યા ગયા હતા . ખુદ મોતીલાલને તેમના અનુયાયીઓ ઘટનાસ્થળેથી બચાવી સુરક્ષિત ઠેકાણે લઇ ગયા હતા .પછી પણ તેમણે એકી ચળવળને ટકાવી રાખવા દરદર ભટકવું પડ્યું હતું . છતાં અજ્ઞાત અવસ્થામાં રહીને પણ તેઓએ ભીલ ક્રાંતિની જ્યોત જલતી રાખી હતી .અંદાજે ૬ વર્ષના અંતરાલ પછી મહાત્મા ગાંધીના કહેવાથી મોતીલાલે શરણાગતિ સ્વીકારી હતી .
મોતીલાલ તેજાવત ૧૯૩૬ સુધી ઉદેપુર રાજ્યની જેલમાં રહ્યા હતા ,કેદમાંથી છૂટ્યા પછી પણ તેજાવત ભારતીય દેશી રાજ્ય લોક્પરિષદ અને ગાંધીવાદી રચનાત્મક પ્રવુંતિઓમાં સક્રિય રહ્યા હતા તે નિમિત્તે તેમણે જેલવાસ પણ વેઠ્યો હતો .દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભીલો પર મોતીલાલના પ્રભાવને મદ્દેનજર રાખી કોંગ્રેસી કાર્યકરોએ તેનો લાભ ભીલોમાં રચનાત્મક કાર્યો અને રાષ્ટ્રીય ભાવના કેળવવામાં લીધો હતો .અને વાયા મોતીલાલ તેજાવત તેના અસરકારક પરિણામો પણ સાંપડ્યા હતાં
ખૂબ સરસ માહિતી છે
ReplyDeleteનમન છે...મોતીલાલ તેજાવતને...
ReplyDelete